Business

ટાટા ગ્રુપના શેરોમાં કડાકો, Tata Chemicalsથી TCS સુધી વેચવાલીનો દબદબો

ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની Tata Sonsમાં ચાલી રહેલા નેતૃત્વ અને લિસ્ટિંગ સંબંધિત મતભેદોની અસર શુક્રવારે ટાટા ગ્રુપની અનેક લિસ્ટેડ કંપનીઓના શેર પર જોવા મળી હતી. ટાટા કેમિકલ્સ, TCS, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ અને ટાટા સ્ટીલ સહિતના શેરોમાં ઘટાડો નોંધાયો હતો. તેમજ ગુરુવારે Tata Sonsના બોર્ડે એન. ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. સાથે જ RBIના નિયમોના પાલન અને Tata Sonsની સંભવિત શેરબજાર લિસ્ટિંગ તરફ આગળ વધવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. જોકે, Tata Sonsમાં આશરે 66 ટકા હિસ્સો ધરાવતા Tata Trusts તરફથી બંને મુદ્દે વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

આ વિવાદના બીજા જ દિવસે ટાટા ગ્રુપના શેરોમાં દબાણ જોવા મળ્યું. Tata Chemicals સૌથી વધુ અસરગ્રસ્ત શેરોમાં રહ્યો હતો. મીડિયાના અહેવાલ મુજબ શેર શરૂઆતના કારોબારમાં 8 ટકાથી વધુ ઘટીને આશરે ₹718ના સ્તર સુધી પહોંચ્યો હતો. Reutersના અહેવાલ મુજબ દિવસ દરમિયાન Tata Chemicalsમાં ઘટાડો 9.57 ટકા સુધી પહોંચ્યો હતો. જો કે TCSમાં પણ વેચવાલી જોવા મળી હતી. શેર આશરે 4 ટકા સુધી નીચે આવ્યો હતો. આ ઉપરાંત Tata Motors Passenger Vehiclesમાં લગભગ 3 ટકા, Tata Steelમાં 1.20 ટકાથી વધુ, Tata Trentમાં લગભગ 1 ટકા અને Tata Elxsiમાં 1 ટકાથી વધુ ઘટાડો નોંધાયો હતો. બજારના અલગ-અલગ તબક્કાના આંકડાઓમાં ઘટાડાની ટકાવારી બદલાતી રહી હતી.

ટાટા ગ્રુપના શેરોમાં થયેલી આ હલચલનું મુખ્ય કારણ Tata Sonsના ભવિષ્યને લઈને ઉભી થયેલી અનિશ્ચિતતા છે. Tata Sons ગ્રુપની હોલ્ડિંગ કંપની હોવાથી તેની માલિકી, નેતૃત્વ અને સંભવિત લિસ્ટિંગ અંગેના નિર્ણયો સાથે ટાટા ગ્રુપની ઘણી લિસ્ટેડ કંપનીઓના રોકાણકારોનું ધ્યાન જોડાયેલું છે. જોકે, કોઈ એક શેરમાં એક દિવસનો ઘટાડો માત્ર Tata Sonsના વિવાદને કારણે થયો હોવાનું નિશ્ચિતપણે કહી શકાય નહીં, કારણ કે બજાર પર કંપનીના પરિણામો, વૈશ્વિક સંકેતો અને અન્ય પરિબળોની પણ અસર પડે છે.

Tata Trustsના ચેરમેન નોલ ટાટાએ ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિ સામે મત આપ્યો છે અને તેના કાનૂની આધાર અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. Trustsનું કહેવું છે કે ચંદ્રશેખરને અગાઉ પોતાનો વર્તમાન કાર્યકાળ પૂરો થયા બાદ ફરીથી પદ સ્વીકારવાની ઇચ્છા ન હોવાનું બોર્ડને જણાવ્યું હતું અને ઉત્તરાધિકારી પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરવાની વાત થઈ હતી. બીજી તરફ, Tata Sonsના બોર્ડે તેમની પાંચ વર્ષની નવી મુદતને મંજૂરી આપી છે.સાથે જ આ સાથે Tata Sonsની સંભવિત લિસ્ટિંગ પણ મહત્વનો મુદ્દો છે. RBI દ્વારા Tata Sonsને Upper-Layer NBFC તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા બાદ લાગુ પડતા નિયમો હેઠળ લિસ્ટિંગનો મુદ્દો મહત્વનો બન્યો છે. Tata Sonsના બોર્ડે આ દિશામાં આગળ વધવાનો નિર્ણય લીધો છે, પરંતુ Tata Trustsએ આ નિર્ણય અંગે પણ અસંમતિ વ્યક્ત કરી છે.

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે રોકાણકારોની નજર હવે Tata Sonsના નેતૃત્વ, લિસ્ટિંગ પ્રક્રિયા અને Tata Trustsના આગામી પગલાં પર છે. Reutersના જણાવ્યા મુજબ શુક્રવાર બપોર સુધી ટાટા ગ્રુપની લિસ્ટેડ કંપનીઓના સંયુક્ત માર્કેટ વેલ્યુમાંથી આશરે ₹30,222 કરોડ એટલે કે લગભગ 3.2 અબજ ડોલર જેટલું મૂલ્ય ઘટ્યું હતું.અર્થાત, Tata Sonsના બોર્ડના નિર્ણય બાદ એક દિવસ અગાઉ જોવા મળેલી તેજી પછી શુક્રવારે ટાટા ગ્રુપના અનેક શેરોમાં ફરી વેચવાલી જોવા મળી છે. હવે આગળના કોર્પોરેટ અને કાનૂની વિકાસ બજારની દિશા માટે મહત્વપૂર્ણ બની શકે છે.

Most Popular

To Top