ગોત્રી પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી, CCTV અને ટેક્નિકલ પુરાવાના આધારે તસ્કરોની શોધખોળ શરૂ
વડોદરા, તા. 25:
વડોદરા શહેરમાં મકાનફોડ ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે, જેના કારણે પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઊભા થયા છે. તાજેતરમાં ગોત્રી વિસ્તારમાં રહેતા શેરબજારના ટ્રેડરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂ.19.70 લાખની માલમત્તા પર હાથ સાફ કર્યો હતો.
ગોત્રી વિસ્તારની રાધેશ્યામ સોસાયટીમાં રહેતા શેરબજારના ટ્રેડર નરેશભાઈ ચંદુભાઈ ટેલર 23 જુલાઈની રાત્રે પત્ની સાથે તેમની સાળીની સારવાર માટે ટ્રિનિટી હોસ્પિટલ ગયા હતા. દરમિયાન બંધ રહેલા તેમના મકાનમાં અજાણ્યા તસ્કરો મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા.
બીજા દિવસે વહેલી સવારે ઘરે પરત ફરતાં મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોવા મળતાં તેમને ચોરીની આશંકા થઈ હતી. ઘરમાં પ્રવેશતા બંને લોખંડની તિજોરીઓ તૂટેલી અને સમગ્ર ઘરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો.
તપાસ કરતાં તિજોરીમાંથી પાંચ સોનાની વીંટીઓ, સોનાની ચેન, બ્રેસલેટ, ચાર બંગડીઓ, સોનાના હાર, બુટ્ટીઓ, ચાર સોનાના સિક્કા, ચાંદીની પાયલ સહિતના કિંમતી દાગીના તેમજ રૂ.40 હજાર રોકડ મળી કુલ રૂ.19.70 લાખની માલમત્તાની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું.
બનાવ અંગે નરેશભાઈ ટેલરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આસપાસના CCTV ફૂટેજ અને અન્ય ટેક્નિકલ પુરાવાના આધારે આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.