World

PoKમાં શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર દમન બદલ ભારતનો પાકિસ્તાનને કડક સંદેશ, જવાબદારી નક્કી કરવાની માંગ

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં મૂળભૂત અધિકારો અને સુવિધાઓની માંગ સાથે રસ્તા પર ઉતરેલા નાગરિકો સામે પાકિસ્તાની સૈન્ય, સુરક્ષા દળોએ કરેલા કથિત દમનને લઈને ભારતે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને આ મામલે ગંભીર નોંધ લેવા અને પાકિસ્તાનને તેના કૃત્યો માટે જવાબદાર ઠેરવવાની માંગ કરી છે.

વિદેશ મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે PoKમાં શાંતિપૂર્ણ રીતે પોતાના હકો માટે અવાજ ઉઠાવતા નાગરિકો પર બળપ્રયોગ, ધરપકડ અને હિંસાત્મક કાર્યવાહી અત્યંત ચિંતાજનક છે. ભારતે કહ્યું કે પાકિસ્તાન લાંબા સમયથી PoKના લોકોના રાજકીય, આર્થિક અને માનવ અધિકારોનું હનન કરી રહ્યું છે અને હવે આ દમન વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.

અહેવાલો અનુસાર PoKના વિવિધ વિસ્તારોમાં લોકો મોંઘવારી, વીજળીના વધતા દર, બેરોજગારી અને મૂળભૂત સુવિધાઓના અભાવ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. પ્રદર્શનકારીઓએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરતાં પોતાના અધિકારો અને વિકાસની માંગ ઉઠાવી હતી. જોકે, આંદોલનને દબાવવા માટે સુરક્ષા દળોએ કડક કાર્યવાહી હાથ ધરી હોવાનું કહેવાય છે.

ભારતે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાન PoKના લોકોના અવાજને દબાવવા માટે બળનો ઉપયોગ કરી રહ્યું છે, જે લોકશાહી મૂલ્યો અને માનવ અધિકારોના સિદ્ધાંતો વિરુદ્ધ છે. વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું કે PoK ભારતનો અભિન્ન ભાગ છે,અને ત્યાંના નાગરિકોની સુરક્ષા અને અધિકારો પ્રત્યે ભારત હંમેશા ચિંતિત રહ્યું છે.ભારતીય પક્ષે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનો અને વૈશ્વિક સમુદાયને પણ અપીલ કરી છે કે તેઓ PoKમાં બની રહેલી ઘટનાઓની નિષ્પક્ષ તપાસ કરે , નિર્દોષ નાગરિકો સામે થયેલા દમન અંગે પાકિસ્તાન પર દબાણ લાવે. ભારતે જણાવ્યું કે માનવ અધિકારોના ઉલ્લંઘનને કોઈપણ પરિસ્થિતિમાં સ્વીકારી શકાય નહીં.

વિશ્લેષકોનું માનવું છે કે PoKમાં છેલ્લા કેટલાક સમયથી લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. વિકાસના અભાવ, આર્થિક સંકટ અને રાજકીય અવગણનાના મુદ્દાઓને કારણે સ્થાનિક લોકો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં પાકિસ્તાની તંત્ર દ્વારા અપનાવવામાં આવતી કડક નીતિઓ પર આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સવાલો ઉઠી રહ્યા છે. જો કેભારતે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે PoKમાં રહેતા લોકોના અધિકારોનું રક્ષણ થવું જોઈએ અને તેમના અવાજને દમનથી નહીં પરંતુ સંવાદ અને લોકશાહી પ્રક્રિયા દ્વારા સાંભળવો જોઈએ. સાથે જ PoKમાં સર્જાયેલી સ્થિતિને લઈને ભારતની આ કડક પ્રતિક્રિયા બાદ હવે આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર પાકિસ્તાનની આગામી કાર્યવાહી પર રહેશે.

Most Popular

To Top