ગુજરાતથી ઓમાન સુધી 2,000 કિમી લાંબી સમુદ્રની અંદર ગેસ પાઇપલાઇન બનાવવાની તૈયારી
પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૂરાજકીય તણાવ અને હોર્મુઝ જળમાર્ગ પર ઉભા થતા જોખમોને ધ્યાનમાં રાખીને ભારતે ઊર્જા સુરક્ષા માટે એક મહત્ત્વાકાંક્ષી યોજના પર કામ તેજ કર્યું છે. કેન્દ્ર સરકાર ગુજરાતને સીધા ઓમાન સાથે જોડતી અંદાજે 2,000 કિલોમીટર લાંબી ડીપ-સી ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટને આગળ ધપાવવાની તૈયારીમાં છે. લગભગ 30 વર્ષથી ચર્ચામાં રહેલો આ પ્રોજેક્ટ હવે ફરીથી કેન્દ્રસ્થાને આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, આ પાઇપલાઇન અરબી સમુદ્રના ઊંડા તળિયેથી પસાર થશે અને ઓમાનમાંથી કુદરતી ગેસ સીધો ગુજરાત સુધી પહોંચાડશે. પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ આશરે 40 હજાર કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. જો તમામ મંજૂરીઓ સમયસર મળી જશે તો તેનું નિર્માણ કાર્ય પૂર્ણ થવામાં પાંચથી સાત વર્ષનો સમય લાગી શકે છે.ભારત હાલમાં તેની ઊર્જાની મોટી જરૂરિયાત માટે મધ્ય પૂર્વના દેશો પર નિર્ભર છે. ખાસ કરીને ક્રૂડ ઓઇલ, મહત્વ ની વાત એ છે કે એલએનજી (Liquefied Natural Gas) અને એલપીજીનો મોટો હિસ્સો હોર્મુઝ જળમાર્ગ મારફતે આવે છે.સાથેજ નિષ્ણાતોના જણાવ્યા મુજબ ભારતની ઊર્જા આયાતનો નોંધપાત્ર હિસ્સો આ માર્ગ પરથી પસાર થાય છે, જેના કારણે આ જળમાર્ગમાં કોઈપણ અવરોધ ભારત માટે ગંભીર પડકાર ઊભો કરી શકે છે.
તાજેતરના મહિનાઓમાં હોર્મુઝ વિસ્તારમાં વધેલા તણાવને કારણે ભારતે વૈકલ્પિક ઊર્જા માર્ગો અંગે ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું છે. સરકારનું માનવું છે કે જો સીધી પાઇપલાઇન ઉભી થશે તો ગેસ સપ્લાય વધુ સુરક્ષિત, સતત અને ખર્ચની દૃષ્ટિએ પણ વધુ ફાયદાકારક બની શકે છે. આ સાથે વૈશ્વિક બજારમાં એલએનજીના ભાવમાં થતી અસ્થિરતાની અસર પણ ઓછી થશે.આ પ્રોજેક્ટ ટેક્નિકલ રીતે પણ અત્યંત પડકારજનક માનવામાં આવે છે. દરિયાની અંદર લગભગ 3,450 મીટરની ઊંડાઈએ પાઇપલાઇન બિછાવવાની યોજના છે, જે તેને વિશ્વની સૌથી ઊંડી સમુદ્રી ગેસ પાઇપલાઇનોમાંથી એક બનાવી શકે છે. આ માટે વિશેષ ટેક્નોલોજી અને અદ્યતન એન્જિનિયરિંગની જરૂર પડશે.
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ગેસ ક્ષેત્રની સરકારી કંપનીઓ જેમ કે GAIL, Indian Oil Corporation અને Engineers Indiaને પ્રોજેક્ટની વિગતવાર શક્યતા અભ્યાસ (Feasibility Study) માટે જવાબદારી સોંપી શકે છે. અભ્યાસના પરિણામો અનુકૂળ આવે તો ભારત અને Oman વચ્ચે ગેસ સપ્લાય, રોકાણ અને અમલીકરણ અંગે સત્તાવાર ચર્ચાઓ શરૂ થઈ શકે છે. ઊર્જા નિષ્ણાતોના મતે આગામી વર્ષોમાં ભારતમાં કુદરતી ગેસની માંગ ઝડપથી વધવાની છે. આવી સ્થિતિમાં ઓમાન-ગુજરાત ડીપ-સી ગેસ પાઇપલાઇન માત્ર એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નહીં પરંતુ દેશની લાંબા ગાળાની ઊર્જા સુરક્ષા માટેનું વ્યૂહાત્મક પગલું સાબિત થઈ શકે છે. હોર્મુઝ પરની નિર્ભરતા ઘટાડીને ભારત ભવિષ્યમાં ઊર્જા પુરવઠાને વધુ મજબૂત અને સ્થિર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે.