National

‘શૂટ એન્ડ સ્કૂટ’ ટેકનોલોજીથી સજ્જ વાહનો ખરીદશે ભારતીય સેના, સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ વધુ એક પગલું

ભારતીય સેના તેની સરહદોની સુરક્ષા અને યુદ્ધભૂમિ પર પોતાની ફાયર સપોર્ટ ક્ષમતાઓને વધુ ઘાતક અને આધુનિક બનાવવા માટે એક મોટું પગલું ભરી રહી છે. સેનાએ દેશની રાષ્ટ્રીય સંરક્ષણ કંપનીઓ પાસેથી એક ખાસ અને અત્યાધુનિક મોર્ટાર સ્પેશિયાલિસ્ટ વ્હીકલ વિકસાવવા માટે માહિતી માંગી છે. આ વાહન સંપૂર્ણપણે ટાયર વાળા વાહન પર સવાર હશે, જે પરંપરાગત મોર્ટાર સિસ્ટમને વધુ સચોટ, ઝડપી અને વધુ અસરકારક બનાવવામાં મદદ કરશે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ યુદ્ધના મેદાન પર સૈનિકોની ગતિશીલતા વધારવાનો અને દુશ્મન પર સચોટ નિશાન સાધવાનો છે.

મોર્ટાર એ કોઈપણ સેના માટે પરોક્ષ હુમલો કરવાનું સૌથી મહત્વપૂર્ણ હથિયાર છે. તેનો ઉપયોગ પહાડો કે આડશ પાછળ છુપાયેલા દુશ્મનના ઠેકાણાઓ પર દૂરથી ગોળા ફેંકવા માટે થાય છે. હાલમાં ભારતીય સેના પાસે ઉપલબ્ધ મોટાભાગની મોર્ટાર સિસ્ટમ હાથથી સંચાલિત થાય છે. તેમાં સૈનિકોએ જાતે જ અંતર, પવનની ગતિ અને ફાયરિંગ માટે જરૂરી તમામ ગણતરીઓ કરવી પડે છે. આ પ્રક્રિયામાં ઘણો સમય જાય છે અને માનવ ભૂલ થવાની સંભાવના પણ રહે છે. સેનાનું માનવું છે કે નવી ટેકનોલોજીથી સજ્જ આ નવું વાહન આ તમામ ખામીઓને હંમેશા માટે દૂર કરી દેશે.

આ પ્રસ્તાવિત આધુનિક વાહનમાં એક શક્તિશાળી બેલિસ્ટિક કમ્પ્યુટર ફીટ કરવામાં આવશે. સરહદની બિલકુલ નજીક તૈનાત નિરીક્ષકો અને ફાયર કંટ્રોલર્સ દુશ્મનના લોકેશનની માહિતી વાહનને મોકલશે અને વાહનમાં રહેલું કમ્પ્યુટર સેકન્ડોમાં આપમેળે ફાયરિંગ માટે જરૂરી કોણ અને દિશાની સચોટ ગણતરી કરી લેશે. આનાથી પહેલા જ પ્રયાસે દુશ્મનના સચોટ લક્ષ્યને તોડી પાડવાની સંભાવના અતિશય વધી જશે. પરિણામે કિંમતી દારૂગોળો બચશે, સેનાનો પ્રતિક્રિયા સમય ઘટશે અને માનવ ભૂલો નહિવત થઈ જશે.

આ વાહનની સૌથી મોટી ખાસિયત તેની ગોળીબાર કરો અને ભાગો એટલે કે શૂટ એન્ડ સ્કૂટ ક્ષમતા હશે. આ ટેકનોલોજીની મદદથી વાહન દુશ્મન પર મોર્ટાર છોડ્યાની ગણતરીની સેકન્ડોમાં જ પોતાની જગ્યા બદલી નાખશે, જેથી દુશ્મન વળતો પ્રહાર કરે ત્યાં સુધીમાં વાહન સુરક્ષિત સ્થળે પહોંચી ગયું હોય. આ આખા વાહનને ઓપરેટ કરવા માટે માત્ર બે જ સૈનિકોની જરૂર પડશે અને તે પોતાની સાથે લગભગ ૫૪ મોર્ટાર શેલ વહન કરી શકશે.

ભારતીય સેનાએ આ વાહનની ક્ષમતા માટે ખૂબ જ કડક માપદંડો નક્કી કર્યા છે. તે હાઇવે પર ઓછામાં ઓછી 80 કિલોમીટર પ્રતિ કલાક અને કાચા કે નિયમિત રસ્તાઓ પર 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. એકવાર ઇંધણ ભર્યા પછી રસ્તા પર 400 કિલોમીટર અને મુશ્કેલ પહાડી વિસ્તારોમાં 50 કિલોમીટર સુધી મુસાફરી કરવા સક્ષમ હશે. આ વાહન 17,000 ફૂટની અતિશય ઊંચાઈએ પણ કામ કરી શકશે, જે ચીનની સરહદે આવેલા હિમાલયી વિસ્તારો માટે અત્યંત જરૂરી છે. આ સિવાય તે માઇનસ ૨૫ ડિગ્રી સેલ્સિયસની હાડ થીજવતી ઠંડીથી લઈને 50 ડિગ્રી સેલ્સિયસની રણની ગરમીમાં પણ બિલકુલ નરમ પડ્યા વગર ઓપરેટ થઈ શકશે. આજના આધુનિક યુદ્ધોમાં ડ્રોન એક મોટો ખતરો બની ગયા છે, તેથી આ પડકારને પહોંચી વળવા માટે આ વાહનમાં ખાસ એન્ટી-ડ્રોન ડિફેન્સ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે. આ ઉપરાંત, નાના હથિયારોના ફાયરિંગ અને તોપના ગોળાના ટુકડાઓ સામે સૈનિકોને બચાવવા માટે વાહનને મજબૂત બેલિસ્ટિક સુરક્ષા આપવામાં આવશે. વાહનની અંદર લશ્કરી સ્તરના ટચસ્ક્રીન ડિસ્પ્લે અને સેટેલાઇટ સંચાર પ્રણાલી પણ હશે.

આ નવો પ્રોજેક્ટ ભારતીય સેનાના ચાલી રહેલા મોટા આધુનિકીકરણ અભિયાનનો એક મહત્વનો ભાગ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય સેનાએ એમ-૭૭૭ અલ્ટ્રા-લાઇટ હોવિત્ઝર તોપ, સ્વદેશી એટેગ્સ ગન સિસ્ટમ અને પિનાકા મલ્ટી-બેરલ રોકેટ લોન્ચર જેવા આધુનિક શસ્ત્રો પોતાની સેનામાં સામેલ કર્યા છે. હાલમાં ઇઝરાયલ, દક્ષિણ કોરિયા અને તુર્કી જેવા દેશો આવી આધુનિક સિસ્ટમ વાપરે છે, જેમાં ઇઝરાયલની કાર્ડોમ 120 એમએમ મોર્ટાર સિસ્ટમ શ્રેષ્ઠ ગણાય છે. હવે ભારત પણ આ દિશામાં આત્મનિર્ભર બનીને પોતાની સ્વદેશી કિલર ક્ષમતા વિકસાવવા જઈ રહ્યું છે, જે યુદ્ધના મેદાનમાં ભારતીય જવાનોની તાકાત અને સુરક્ષા બંને બમણી કરશે.

Most Popular

To Top