જો તમે શેરબજારમાં આઈપીઓ (IPO) દ્વારા કમાણી કરવાનો મોકો શોધતા હોવ, તો બજારમાં વધુ એક નવો આઈપીઓ આવી રહ્યો છે. મુંબઈ સ્થિત એન્જિનિયર્ડ ફેબ્રિક બનાવતી અગ્રણી કંપની કુસુમગર (Kusumgar) પોતાનો રૂ.૬૫૦ કરોડનો આઈપીઓ લાવી રહી છે. આ આઈપીઓ આગામી ૮ જુલાઈના રોજ ખૂલશે અને ૧૦ જુલાઈના રોજ બંધ થશે. કંપનીએ રોકાણકારો માટે રૂ.398 થી રૂ.૪૧૯ પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. જો અપર પ્રાઇસ બેન્ડને ધ્યાનમાં રાખીએ તો કંપનીનું કુલ મૂલ્ય (વેલ્યુએશન) આશરે રૂ.૪,૩૯૯.૧ કરોડ થાય છે.
આખો IPO ‘ઓફર ફોર સેલ’ (OFS) છે, એનો અર્થ શું?
આ આઈપીઓની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) છે. આનો અર્થ એ થાય કે આઈપીઓ દ્વારા એકત્રિત થનારા તમામ પૈસા સીધા કંપનીના પ્રમોટર્સ (માલિકો) પાસે જશે, કંપનીના ખાતામાં કોઈ રકમ જશે નહીં. કંપનીમાં પોતાનો હિસ્સો વેચનારા મુખ્ય પ્રમોટર્સમાં સિદ્ધાર્થ યોગેશ કુસુમગર, સપના સિદ્ધાર્થ કુસુમગર અને સિદ્ધાર્થ યોગેશ કુસુમગર HUF નો સમાવેશ થાય છે.
ઓછામાં ઓછું કેટલું રોકાણ કરવું પડશે?
સામાન્ય રોકાણકારોએ આ આઈપીઓ માટે ઓછામાં ઓછા ૩૫ શેર (૧ લોટ) માટે અરજી કરવી પડશે. અપર પ્રાઇસ બેન્ડ (રૂ.૪૧૯) મુજબ, રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા રૂ.૧૪,૬૬૫ રોકાણ કરવા પડશે.
રિટેલ કેટેગરીમાં મેક્સિમમ રોકાણ માટે વધુમાં વધુ રૂ.૧,૯૦,૬૪૫ સુધીનું રોકાણ (૧૩ લોટ) કરી શકાશે.
કોના માટે કેટલો હિસ્સો અનામત?
કંપનીએ અલગ-અલગ રોકાણકારો માટે હિસ્સો નક્કી કર્યો છે. QIB (ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ) માટે ૫૦% હિસ્સો અનામત.
NII (નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ) માટે ૧૫% હિસ્સો અનામત, જ્યારે
રિટેલ રોકાણકારો માટે ૩૫% હિસ્સો અનામત રાખવામાં આવ્યો છે. કંપનીએ પોતાના સ્ટાફ માટે રૂ. ૩.૫ કરોડના શેર અનામત રાખ્યા છે, જેમાં કર્મચારીઓને ફાઈનલ ઈસ્યુ પ્રાઈસ પર રૂ.૩૯ પ્રતિ શેરનું ડિસ્કાઉન્ટ મળશે.
ગ્રે માર્કેટ (GMP)માં જોરદાર ધૂમ, બંપર લિસ્ટિંગના સંકેત!
શેરબજારના નિષ્ણાતો અને ઈન્વેસ્ટરગેનના રિપોર્ટ અનુસાર, કુસુમગરના આઈપીઓને ગ્રે માર્કેટમાં શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. હાલમાં આ આઈપીઓનો GMP ૪૦.૮૧% સુધી પહોંચી ગયો છે. જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે, તો જે નસીબદાર રોકાણકારોને આઈપીઓ લાગશે, તેમને એક લોટ પર આશરે રૂ૫,૯૮૫ નો સીધો નફો થઈ શકે છે. (નોંધ: જીએમપી માત્ર એક અંદાજ છે, જે બજારની ચાલ સાથે બદલાતો રહે છે.)
શું કામ કરે છે કુસુમગર કંપની?
કુસુમગર કંપની વણાટ, કોટેડ અને લેમિનેટેડ સિન્થેટીક ફેબ્રિક્સ બનાવવાનું કામ કરે છે. કંપની પાસે ૧,૦0૦ થી વધુ પ્રકારના વિવિધ ફેબ્રિક્સનું પોર્ટફોલિયો છે.
તેમના આ સ્પેશિયલ ફેબ્રિક્સનો ઉપયોગ એરોસ્પેસ અને ડિફેન્સ (સંરક્ષણ), ઇન્ડસ્ટ્રિયલ, ઓટોમોબાઈલ, આઉટડોર તેમજ લાઈફસ્ટાઈલ સેક્ટરમાં મોટા પાયે થાય છે. શેરબજારમાં આ કંપનીની સીધી ટક્કર ગરવારે ટેકનિકલ ફાઈબર્સ (Garware Technical Fibres), અરવિંદ (Arvind) અને એસઆરએફ (SRF) જેવી દિગ્ગજ કંપનીઓ સાથે થશે.
કંપનીનો આર્થિક ટ્રેક રેકોર્ડ (નાણાકીય સ્થિતિ)
માર્ચ ૨૦૨૬માં પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન કંપનીની કમાણીમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ૧૨.૩% ઘટીને રૂ.૯૮.૨ કરોડ રહ્યો છે, જે ગયા વર્ષે રૂ.૧૧૨ કરોડ હતો.
કંપનીની કુલ રેવન્યુ પણ ૧૧.૨% ના ઘટાડા સાથે રૂ.૬૯૨ કરોડ રહી છે, જે અગાઉના વર્ષે રૂ.૭૭૯ કરોડ હતી.
આ આઈપીઓ માટે એક્સિસ કેપિટલ, આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીસ અને મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ બુક રનિંગ લીડ મેનેજર તરીકે કામગીરી સંભાળી રહ્યા છે.
(અપીલ: શેરબજાર કે આઈપીઓમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલાં તમારા નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.)