World

આખરે ખુલી ગયું એન્ટાર્કટિકાના ‘લોહીયાળ ઝરણા’નું રહસ્ય….

એન્ટાર્કટિકાની થીજવી દેતી ઠંડી અને ચારેય બાજુ પથરાયેલી સફેદ બરફની ચાદર વચ્ચે એક એવી જગ્યા છે, જે કોઈનું પણ કાળજું ધ્રુજાવી દે. અહીં બરફની વચ્ચેથી પાણી નહીં, પણ જાણે લોહીનો ફુવારો છૂટતો હોય તેમ લાલચોળ પ્રવાહી વહે છે. દૂરથી જોતાં એવું લાગે કે જાણે કુદરતે બરફની છાતી પર કોઈ ઊંડો ઘા કર્યો છે અને તેમાંથી લોહી ઉભરાઈ રહ્યું છે! વર્ષ ૧૯૧૧માં જ્યારે માણસે પહેલીવાર આ ‘ખૂની ઝરણું’ જોયું ત્યારે તેના હોશ ઊડી ગયા હતા. માઈનસ ડિગ્રી તાપમાનમાં જ્યાં બધું જ જામી જાય, ત્યાં આ લાલ પાણી કઈ રીતે વહે છે, તે રહસ્ય ઉકેલવામાં વૈજ્ઞાનિકોને ૧૦૦ વર્ષથી વધુનો સમય લાગી ગયો.

૧૯૧૧ની એ શોધ અને લાલ રંગનો ભ્રમ

આ અદ્ભુત કુદરતી નજારો પૂર્વ અન્ટાર્કટિકાની ‘મેકમર્ડો ડ્રાય વેલી’માં આવેલા ‘ટેલર ગ્લેશિયર’ પાસે જોવા મળે છે. પૃથ્વી પરની આ સૌથી સૂકી અને ઠંડી જગ્યા પર બ્રિટિશ સંશોધક થોમસ ગ્રીફિથ ટેલરે ૧૯૧૧માં પહેલીવાર આ ઝરણું જોયું હતું, તેથી આ ગ્લેશિયરનું નામ તેમના પરથી જ રાખવામાં આવ્યું. શરૂઆતમાં લોકોને એવું લાગતું હતું કે આ લાલ રંગ પાણીમાં રહેલી કોઈ ખાસ પ્રકારની લાલ લીલના કારણે છે, પણ પછીના સંશોધનોએ આ ધારણાને ખોટી સાબિત કરી દીધી.

બરફની નીચે કેદ થયેલું ૧૫ લાખ વર્ષ જૂનું રહસ્ય

લાંબા સંશોધન પછી ખબર પડી કે ગ્લેશિયરની નીચે વહેતું પાણી સાદું પાણી નથી, પણ લાખો વર્ષ જૂનું દરિયાનું અતિશય ખારું પાણી છે. આશરે ૧૫ લાખ વર્ષ પહેલાં જ્યારે અહીં બરફની ચાદર પથરાવવાની શરૂઆત થઈ, ત્યારે દરિયાનું આ પાણી આશરે ૪૦૦ મીટર નીચે કાયમ માટે કેદ થઈ ગયું હતું.

આ પાણી થીજી ન જવાનું કારણ એ છે કે તેમાં મીઠાનું પ્રમાણ એટલું બધું વધારે છે કે માઈનસ ૧૦ ડિગ્રીથી પણ નીચા તાપમાનમાં તે બરફ નથી બનતું અને પ્રવાહી સ્વરૂપે જ જળવાઈ રહે છે.

પાણી બહાર આવતા જ કેમ બની જાય છે ‘લોહી’?

વિજ્ઞાનનો અસલી ખેલ અહીં શરૂ થાય છે. બરફની નીચે કેદ થયેલા આ પ્રાચીન પાણીમાં ‘આયર્ન’ એટલે કે લોહતત્વ ભરપૂર માત્રામાં છે. જ્યાં સુધી આ પાણી અંદર હોય છે ત્યાં સુધી તેનો રંગ સામાન્ય જ હોય છે. પરંતુ, જેવું આ પાણી બરફની તિરાડોમાંથી બહાર નીકળીને ખુલ્લી હવાના સંપર્કમાં આવે છે, ત્યારે હવામાં રહેલા ઓક્સિજન સાથે તેની કેમિકલ પ્રક્રિયા થાય છે. જેમ લોખંડને કાટ લાગે ત્યારે તે લાલ-ચોકલેટી રંગનું થઈ જાય છે, બરાબર તેમ જ આ પાણી પણ બહાર આવતાની સાથે જ ઘેરા લાલ રંગમાં ફેરવાઈ જાય છે.

આખરે બરફ ચીરીને પાણી બહાર કેવી રીતે આવ્યું?

વૈજ્ઞાનિકો એ તો સમજી ગયા હતા કે પાણી લાલ કેમ થાય છે, પણ આટલા ટન વજનના બરફના દબાણ વચ્ચેથી પાણી અચાનક બહાર કેમ ફેંકાય છે, તે મોટો કોયડો હતો. ‘અન્ટાર્કટિક સાયન્સ’ જર્નલમાં છપાયેલા નવા સંશોધને આ પઝલનો છેલ્લો ટુકડો પણ જોડી દીધો છે.

વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે ૨૦૧૮માં જ્યારે આ ઝરણામાંથી લાલ પાણી બહાર આવ્યું, બરાબર એ જ સમયે ગ્લેશિયરની સપાટી ૧૫ મિલીમીટર જેટલી સહેજ નીચે બેસી ગઈ હતી અને બરફની આગળ વધવાની ગતિ પણ થોડી ધીમી પડી હતી. આનાથી એ સાબિત થયું કે ગ્લેશિયરની અંદર થતી આ આંતરિક હલચલને કારણે અંદરનું દબાણ બદલાય છે અને નીચે દબાયેલું પાણી કુદરતી ચેનલો દ્વારા ફોર્સ સાથે સપાટી પર આવી જાય છે. આ નવી શોધથી હવે વૈજ્ઞાનિકો માટે ગ્લેશિયરની અંદરની દુનિયા અને પૃથ્વીના ઇતિહાસને સમજવો વધુ સરળ બનશે.

Most Popular

To Top