જાગૃત નાગરિકે પીછો કર્યો છતાં કાર રોક્યા વગર મહિલા ચાલક પલાયન થઈ ગઈ

(પ્રતિનિધિ), વડોદરા. તા.૫
વડોદરા શહેરના અકોટા પોલીસ મથકની હદમાં આવતા જેતલપુર બ્રિજ પર એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી એક મર્સિડીઝ કારના ચાલકે બાઇક પર જઈ રહેલા બે યુવકોને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટના બાદ માનવતાને શરમાવે તેવી બાબત એ બની કે અકસ્માત સર્જીને કારમાં સવાર મહિલા ચાલકે સ્થળ પર ઉભા રહેવાને બદલે કાર પૂરઝડપે હંકારી મુકી ફરાર થઈ ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, જેતલપુર બ્રિજ પરથી પસાર થઈ રહેલા બે યુવકોને મર્સિડીઝ કાર નંબર જીજે ૦૬ આરએફ ૮૦૧૯ ના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને યુવકો રોડ પર ફંગોળાઈ ગયા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા બંને ઘાયલ યુવકોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત બાદ સ્થાનિક એક જાગૃત નાગરિકે મહિલા ચાલકની હિંમત જોઈ તેનો પીછો કરી તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલા કાર ચાલકે સહેજ પણ સંકોચ રાખ્યા વિના પોતાની મોંઘીદાટ કાર લઈને ત્યાંથી પલાયન થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાની કેટલીક ક્ષણો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળે છે.
ઘટનાની જાણ થતા જ ઘાયલ યુવકોના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારજનો અને સ્થાનિકોએ માંગ કરી છે કે, અકોટા પોલીસ ત્વરિત સીસીટીવી ફૂટેજના આધારે મર્સિડીઝ કારના નંબર પરથી મહિલા ચાલકની ઓળખ કરી તેની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરે. હાલ અકોટા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.