ગોત્રી પોલીસ સ્ટેશનમાં મધરાતે લોકોનો ધસારો; બંને પક્ષની અરજી લઈ પોલીસે તપાસ શરૂ કરી
વડોદરા, તા. 6
વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી અર્બન-8 રેસિડન્સીમાં મંદિર મુદ્દે ચાલી રહેલો વિવાદ રવિવારે અચાનક ઉગ્ર બનતા બે પક્ષ વચ્ચે બોલાચાલી બાદ મારામારી સર્જાઈ હતી. ઘટનાને પગલે સમગ્ર સોસાયટીમાં અફરાતફરી અને તણાવનો માહોલ સર્જાયો હતો. સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે પોલીસ સ્થળ પર હાજર હોવા છતાં બંને જૂથ સામસામે બાખડી પડ્યા હતા.
મળતી માહિતી મુજબ મંદિર સંબંધિત મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલા મતભેદ દરમિયાન બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. થોડા જ સમયમાં મામલો મારામારી સુધી પહોંચતાં સોસાયટીમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિવાદ દરમિયાન બહારથી પણ કેટલાક લોકો સોસાયટીમાં પહોંચી જતા સ્થિતિ વધુ તંગ બની હતી.
ઘટનાની જાણ થતાં ગોત્રી પોલીસ સ્થળ પર પહોંચી હતી. જોકે પોલીસની હાજરીમાં જ બંને જૂથના લોકો વચ્ચે મારામારી થતાં ભારે હોબાળો મચ્યો હતો. ઘટનાથી રહેવાસીઓમાં ભય અને રોષનો માહોલ જોવા મળ્યો હતો.
મારામારી બાદ મોટી સંખ્યામાં સ્થાનિકો ગોત્રી પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા, જ્યાં બંને પક્ષે પોતાની રજૂઆતો કરી હતી. પોલીસે બંને પક્ષની અરજી સ્વીકારી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
ઘટનાના પગલે અર્બન-8 રેસિડન્સી સહિત આસપાસના વિસ્તારમાં પણ તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું અને મારામારી દરમિયાન નાસભાગના દૃશ્યો જોવા મળ્યા હતા. પોલીસ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાના આધારે તપાસ આગળ ધપાવી રહી છે.