યુવા કલાકારો સાથે તાલ મિલાવી સૌને કર્યા મંત્રમુગ્ધ,સામાન્ય નાગરિકની જેમ યુવાઓ વચ્ચે બેસી સંગીત માણ્યું :
કલાકારોનો ઉત્સાહ બેવડાયો; કલા-સંગીત જ સંસ્કારી નગરીની ઓળખ કહી યુવાનોને પ્રોત્સાહિત કર્યા
( પ્રતિનિધિ )વડોદરા,તા.5
સંસ્કારી નગરી વડોદરાના ઐતિહાસિક કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડ પર એક અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ યુવા કલાકારોની સંગીત મહેફિલમાં જોડાયા અને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
પોતાના હોદ્દાની ગરિમા બાજુએ મૂકીને કમિશનર અરુણ મહેશ બાબુ એક સામાન્ય નાગરિકની જેમ યુવાઓ વચ્ચે બેઠા હતા. તેમણે યુવા કલાકારો સાથે તાલ મિલાવી, તેમના સંગીતને માણ્યું અને ખુદ પણ કલાકારોને પ્રોત્સાહિત કર્યા. મ્યુનિસિપલ કમિશનરને પોતાની વચ્ચે આ રીતે જોઈને યુવા કલાકારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે, સંસ્કારી નગરીની સાચી ઓળખ કલા અને સંગીતથી જ છે. આવા જાહેર સ્થળોએ યુવાઓને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે પ્લેટફોર્મ મળે તે ખૂબ જ જરૂરી છે. તેમણે યુવાઓને કલા ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા પણ આપી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મ્યુનિસિપલ કમિશનરનો કલાકારો પ્રત્યેનો આ લાગણીસભર અને સાદગીપૂર્ણ અંદાજ જોઈને નાગરિકો પણ પ્રભાવિત થયા છે. લોકો તેમની આ પહેલને આવકારી રહ્યા છે અને કહી રહ્યા છે કે, વહીવટી અધિકારીનો આવો અભિગમ શહેરના સાંસ્કૃતિક વાતાવરણને વધુ મજબૂત બનાવશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ આ સંગીત મહેફિલમાં જોડાયા હતા. જેમણે પણ સામાન્ય નાગરિકની જેમ યુવા વચ્ચે બેસીને ગીતો સાંભળ્યા પણ હતા અને ગાયા પણ હતા.