Vadodara

દારૂના નશામાં VMCની કચરાની ગાડીનો તાંડવ! ડિવાઈડર કૂદાવી કારને ઉડાડી

ગાડીમાંથી દેશી દારૂ મળતા ખળભળાટ!

સ્વચ્છતાની ગાડી કે દારૂની ડિલિવરી? ગંભીર અકસ્માત બાદ VMCની કામગીરી સામે અનેક સવાલો

(પ્રતિનિધિ) વડોદરા, તા. 5
વડોદરા શહેરને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવાના દાવા કરતી વડોદરા મહાનગરપાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કરતી ઘટના ગોત્રી-સેવાસી રોડ પર સામે આવી છે. ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરતી VMCની ગાડીના ચાલકે કથિત રીતે દારૂના નશામાં બેફામ રીતે વાહન હંકારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ ગાડીમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવતાં સમગ્ર ઘટનાએ નવો વળાંક લીધો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગોત્રીથી સેવાસી તરફ જઈ રહેલી VMCની કચરા કલેક્શન ગાડીનો ચાલક કથિત રીતે નશાની હાલતમાં હતો. સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી અચાનક ડિવાઈડર કૂદીને સામેથી આવી રહેલી કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટના બાદ લોકો સ્થળે દોડી આવ્યા હતા. આ દરમિયાન VMCની ગાડીની તપાસ કરતાં તેમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ હતી. શહેરની સ્વચ્છતા માટે ઉપયોગમાં લેવાતી સરકારી ગાડીમાંથી દારૂ મળવાની ઘટનાએ VMCની કામગીરી, દેખરેખ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
દારૂબંધી અમલમાં હોવાનો દાવો કરતી રાજ્ય સરકાર વચ્ચે સરકારી કામગીરીમાં ઉપયોગમાં લેવાતા વાહનમાં દેશી દારૂ મળી આવવો અત્યંત ગંભીર બાબત માનવામાં આવી રહી છે. જો ગાડીનો ચાલક ખરેખર નશાની હાલતમાં હતો, તો તેને ફરજ પર કેવી રીતે મોકલવામાં આવ્યો? વાહન રવાના કરતાં પહેલાં કોઈ તપાસ કરવામાં આવી હતી કે નહીં? અને કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓ પર કોઈ દેખરેખ રાખવામાં આવે છે કે નહીં? જેવા અનેક પ્રશ્નો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
આ ઘટનાએ માત્ર માર્ગ સલામતી જ નહીં પરંતુ VMCની જવાબદારી અને વહીવટી વ્યવસ્થાને પણ સવાલોના ઘેરામાં મૂકી છે. હવે જોવાનું એ રહેશે કે પાલિકા અને સંબંધિત તંત્ર જવાબદારો સામે કડક કાર્યવાહી કરે છે કે પછી આ ગંભીર ઘટનાને પણ અન્ય વિવાદોની જેમ દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવશે.

Most Popular

To Top