National

સપોલાને માર્યાના થોડા જ કલાકોમાં માસૂમનું મોત, શું નાગિને ખરેખર બદલો લીધો?

ઘણીવાર આપણે ફિલ્મોમાં જોયું છે કે કોઈ વ્યક્તિ સાપને મારે એટલે નાગ કે નાગિન તેનો બદલો લેવા માટે માણસના ઘર સુધી પહોંચી જાય છે. પડદા પર દેખાતી આ કાલ્પનિક વાર્તા ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં સાચી પડી હોય તેવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ૯ વર્ષના માસૂમ બાળકનું સાપ કરડવાથી દર્દનાક મોત નીપજ્યું છે. આ ઘટના બાદથી આખી કાંશીરામ કોલોનીના લોકો ફફડી રહ્યા છે અને દરેકના મોઢે એક જ ચર્ચા છે કે નાગિને પોતાના બચ્ચાના મોતનું વેર વાળ્યું છે!

રમત-રમતમાં થઈ ગઈ મોટી ભૂલ

આ રહસ્યમય અને કરુણ ઘટનાની શરૂઆત શુક્રવારની સાંજે થઈ હતી. કોલોનીમાં રહેતી શબનમનો ૯ વર્ષનો પુત્ર અયાન સાંજના સમયે મેદાનમાં પોતાના મિત્રો સાથે રમી રહ્યો હતો. રમત દરમિયાન જ ઝાડીઓ પાસે સાપનું એક નાનું બચ્ચું સરકતું દેખાયું. અયાનથી અજાણતામાં અથવા તો રમત-રમતમાં એ સપોલું મરી ગયું. તે સમયે બાળકો કે પરિવારમાંથી કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આ નાની અમથી ભૂલ આટલી મોટી આફત નોતરશે.

અડધી રાત્રે કાળ બનીને આવ્યો સાપ

અસલી ધ્રુજારી છૂટી જાય તેવો નજારો તો રાત્રે જોવા મળ્યો. અયાન પોતાના રૂમમાં ગાઢ નિંદ્રામાં સૂતો હતો, ત્યારે અડધી રાત્રે એક મોટા સાપે તેને ડંખ મારી લીધો. ઝેર ચડવાના કારણે માસૂમ બાળક દર્દથી ચીસ પાડી ઊઠ્યો. બાળકની ચીસ સાંભળીને ઘરના લોકો જાગી ગયા. તેમણે જોયું તો એક મોટો સાપ નાની ગટરના રસ્તેથી ઝડપથી ઘરની બહાર ભાગી રહ્યો હતો. પરિવારે એક પણ ક્ષણ બગાડ્યા વગર અયાનને તેડી લીધો અને હોસ્પિટલ તરફ દોડ્યા. પરંતુ ઝેર એટલું ઘાતક હતું કે ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં અયાનને બચાવી શકાયો નહીં. શનિવારે આ માસૂમના શબને દફનાવવામાં આવ્યું હતું.

અંધશ્રદ્ધા કે માત્ર એક દર્દનાક સંયોગ?

આ ઘટના બાદ સ્થાનિક લોકો એટલા ડરી ગયા છે કે તેઓ તેને ‘નાગિનનો બદલો’ જ માની રહ્યા છે. જોકે, વિજ્ઞાન આ વાતોને નકારે છે. વિજ્ઞાનના મતે સાપનું મગજ એટલું વિકસિત નથી હોતું કે તે કોઈનો ચહેરો યાદ રાખી શકે કે બદલો લેવાની ભાવના રાખે. અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે, જેમાં સાપ બહાર નીકળવા સામાન્ય છે. જ્યાં સાપના બચ્ચાં હોય ત્યાં મોટા સાપ આસપાસ હોવાની પૂરી શક્યતા હોય છે. બની શકે કે મોટો સાપ ફરતો ફરતો ઘરમાં ઘૂસી આવ્યો હોય અને અયાનનો હાથ કે પગ તેના પર પડતાં જ તે સ્વબચાવમાં કરડ્યો હોય. વિજ્ઞાન ગમે તે કહે, પણ આ ચોંકાવનારા સંયોગે આખા ગામને ભયના ઓથાર હેઠળ લાવી દીધું છે.

Most Popular

To Top