આઈસીસી અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમો ભાગ લેશે, જેને ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. બે વખતની ચેમ્પિયન અને વર્તમાન ટાઈટલ વિજેતા ભારતીય મહિલા ટીમ પોતાના અભિયાનની શરૂઆત 22 જાન્યુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચથી કરશે. આ મુકાબલો નેપાળના કાઠમંડુમાં રમાશે. ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનને અલગ-અલગ ગ્રૂપમાં રાખવામાં આવ્યાં છે, તેથી બંને ટીમો વચ્ચે ગ્રૂપ સ્ટેજમાં મુકાબલો નહીં થાય. આ સ્પર્ધાની ત્રીજી આવૃત્તિ 21 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી 2027 દરમિયાન બાંગ્લાદેશ અને નેપાળની સંયુક્ત યજમાનીમાં યોજાશે. મેચો બાંગ્લાદેશના ચટગાંવ અને સિલહટ તેમજ નેપાળના કાઠમંડુમાં રમાશે. ટુર્નામેન્ટની શરૂઆત 21 જાન્યુઆરીએ બાંગ્લાદેશ અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચેના મુકાબલાથી થશે. એ જ દિવસે ગત આવૃત્તિની ઉપવિજેતા ઓસ્ટ્રેલિયાની ટીમ સિલહટમાં નાઈજીરિયા સામે રમશે. કાઠમંડુના અપર મુલપાની ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર શ્રીલંકા અને સ્કોટલેન્ડ તેમજ ઈંગ્લેન્ડ અને અમેરિકાની ટીમો વચ્ચે પણ મુકાબલા યોજાશે.
ભારતીય ટીમ ગ્રૂપ Aમાં આયર્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને યજમાન નેપાળ સાથે છે. આ ગ્રૂપની તમામ લીગ મેચો કાઠમંડુમાં રમાશે. ભારત 22 જાન્યુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે, જ્યારે યજમાન નેપાળ એ જ દિવસે આયર્લેન્ડ સામે પોતાની ટુર્નામેન્ટની શરૂઆત કરશે. ગ્રૂપ Bમાં દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને સમોઆનો સમાવેશ થાય છે. આ ગ્રૂપમાં 22 જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે સમોઆ અને દક્ષિણ આફ્રિકા સામે પાકિસ્તાનની મેચ રમાશે. ગ્રૂપ Cમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, નાઈજીરિયા અને UAEનો સમાવેશ થાય છે, જ્યારે ગ્રૂપ Dમાં ઈંગ્લેન્ડ, શ્રીલંકા, અમેરિકા અને સ્કોટલેન્ડને સ્થાન મળ્યું છે. ગ્રૂપ રાઉન્ડ 26 જાન્યુઆરી સુધી ચાલશે. ત્યારબાદ ક્વોલિફાય થનારી ટીમો સુપર સિક્સ તબક્કામાં પ્રવેશ કરશે. આ તબક્કામાં ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવશે. બંને ગ્રૂપની ટોચની બે ટીમો સેમિફાઈનલમાં સ્થાન મેળવશે. ટુર્નામેન્ટની બંને સેમિફાઈનલ 4 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશના ચટગાંવમાં રમાશે. જરૂર પડે તો 5 ફેબ્રુઆરીને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. ત્યારબાદ ટાઈટલ માટેનો ફાઈનલ મુકાબલો 6 ફેબ્રુઆરીએ ચટગાંવમાં યોજાશે, જ્યારે ફાઈનલ માટે 7 ફેબ્રુઆરી રિઝર્વ ડે રહેશે. હવે ભારતીય ટીમની નજર પોતાના ટાઈટલનો બચાવ કરવા અને ટુર્નામેન્ટમાં ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરવા પર રહેશે.