કર્ણાટકના શિવમોગ્ગામાં દશેરાના સરઘસ દરમિયાન સોમનન્ના નામનો હાથી અચાનક બેકાબૂ થઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી. હાથીની પીઠ પર આશરે 650 કિલો વજનની ચાંદીની અંબાડી મૂકવામાં આવી હતી. હાથી ઉશ્કેરાઈને રસ્તા પર દોડવા લાગતાં અંબાડી નીચે પટકાઈ ગઈ હતી. આ દરમિયાન આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને પોતાનો જીવ બચાવવા લોકો આમતેમ દોડવા લાગ્યા હતા. હાથીના બેકાબૂ થવાની ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.
દશેરાના સરઘસ દરમિયાન સોમનન્ના અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને રસ્તા પર આગળ વધવા લાગ્યો હતો. આ દરમિયાન તેની પીઠ પર મૂકેલી ચાંદીની અંબાડી પડી ગઈ હતી. ધાર્મિક અને પરંપરાગત સરઘસોમાં હાથીની પીઠ પર અંબાડી મૂકવામાં આવે છે. હાથીને કાબૂમાં લેવા માટે પશુચિકિત્સકોએ તેને બેભાન કરવાની દવા આપી હતી. બીજી તરફ, ગભરાયેલી ભીડને સંભાળવા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા પોલીસે પ્રયાસો કર્યા હતા. હાથી બેકાબૂ થતાં રસ્તા પરનાં વાહનો અને ઇમારતોને પણ નુકસાન થયું હોવાની વિગતો સામે આવી છે. ઘટના બાદ સોમનન્નાને કોટી સીતારામંજન્ય મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ હાથીની તબિયતમાં સુધારો થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. શિવમોગ્ગાના પોલીસ અધિક્ષક અને વિભાગીય વન અધિકારી સહિતના અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા અને પરિસ્થિતિ પર નજર રાખી હતી.
આ ઘટનાને પગલે કર્ણાટકના મંત્રી રામલિંગા રેડ્ડીએ વન વિભાગના અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાની વિગતો માગી હતી. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી સાવચેતીનાં પગલાં લેવા પણ સૂચના આપવામાં આવી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે આવતા વર્ષથી જંબૂ સવારીમાં ભાગ લેનારા હાથીઓને ઓછામાં ઓછા 20 દિવસથી એક મહિના સુધી તાલીમ આપવી જોઈએ. મોટા મેળાવડા અને જાહેર સરઘસોમાં ભાગ લેતાં પહેલાં અનુભવી મહાવતો દ્વારા હાથીઓને યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાની પણ સૂચના આપવામાં આવી છે. કર્ણાટકમાં દશેરાનો તહેવાર ખાસ મહત્ત્વ ધરાવે છે. આ તહેવાર દેવી ચામુંડેશ્વરીએ રાક્ષસ મહિષાસુર પર મેળવેલા વિજયની યાદમાં ઉજવવામાં આવે છે. મૈસૂરમાં યોજાતી જંબૂ સવારી તેની સૌથી જાણીતી પરંપરાગત ઉજવણી છે. વિજયાદશમીના દિવસે યોજાતા આ સરઘસમાં હાથીની પીઠ પર અંબાડી મૂકવામાં આવે છે. જોકે, શિવમોગ્ગામાં બનેલી ઘટનાએ આવા મોટા જાહેર કાર્યક્રમોમાં હાથીઓની સુરક્ષા, તેમની તાલીમ અને ભીડની સલામતી અંગે સવાલો ઊભા કર્યા છે.