World

ખેડૂતો માટે રાહતના સમાચાર,પશ્ચિમ એશિયામાં તણાવ છતાં યુરિયા,ડીએપી અને સલ્ફરનો પુરવઠો યથાવત્ રાખવા કેન્દ્ર સરકારની તૈયારીઓ સફળ

સ્થાનિક ઉત્પાદન પણ લક્ષ્યાંક કરતાં વધુ

ભારત માટે કૃષિ ક્ષેત્રમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા ભૂરાજકીય તણાવ અને હોર્મુઝની જળસંધિમાં ઊભી થયેલી અનિશ્ચિતતા વચ્ચે ભારત માટે ખાતર, ખાતરના કાચા માલ સાથે આવતાં 15 જહાજો સુરક્ષિત રીતે આગળ વધી રહ્યા છે. આ વિકાસને કારણે આગામી ખરીફ સિઝનમાં ખેડૂતોને યુરિયા અને ડીએપી જેવા મહત્વના ખાતરોની અછત સર્જાવાની શક્યતા ઘણી હદ સુધી ઘટી હોવાનું માનવામાં આવે છે.

હોર્મુઝની જળસંધિ વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ વેપાર માર્ગોમાંથી એક છે. મધ્ય પૂર્વમાં સૈન્ય તણાવની સીધી અસર આ માર્ગ પરથી પસાર થતા તેલ, ગેસ અને ખાતરના વેપાર પર પડે છે. ભારત પોતાની ખાતરની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત દ્વારા પૂર્ણ કરતું હોવાથી છેલ્લા કેટલાક અઠવાડિયાથી ખેડૂતો અને કૃષિ ક્ષેત્રમાં ચિંતા જોવા મળી રહી હતી. પરંતુ હવે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે પુરવઠાની સ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈ મોટી અછત સર્જાશે નહીં. સરકારી માહિતી અનુસાર સુરક્ષિત રીતે આગળ વધી રહેલા જહાજોમાંથી આઠ જહાજ અંદાજે 3.32 લાખ ટન યુરિયા લઈને આવી રહ્યા છે. ચાર જહાજોમાં લગભગ 2.57 લાખ ટન ડીએપી છે, જ્યારે ત્રણ જહાજોમાં આશરે 1.11 લાખ ટન સલ્ફર છે. આ તમામ જહાજો નિર્ધારિત સમય મુજબ ભારતના વિવિધ બંદરો તરફ આગળ વધી રહ્યા છે.

સરકારે વધુમાં જણાવ્યું છે કે હજુ પાંચ અન્ય જહાજો પણ પુરવઠા શ્રેણીમાં જોડાવાના છે. તેમાં અમોનિયા અને યુરિયાનો વધારાનો જથ્થો સામેલ છે. ઉપરાંત બે વધુ યુરિયા અને એક સલ્ફર વહન કરતા જહાજમાં માલ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. એટલે આગામી દિવસોમાં ખાતરની ઉપલબ્ધિ વધુ મજબૂત બનવાની શક્યતા છે. આ મામલે કેન્દ્ર સરકારનું કહેવું છે કે પશ્ચિમ એશિયામાં તણાવ શરૂ થતાં જ વિવિધ મંત્રાલયો, બંદર સત્તાઓ અને વિદેશી ભાગીદાર દેશો સાથે સતત સંકલન કરવામાં આવ્યું હતું. સમયસર આયોજન, સતત દેખરેખ અને વૈકલ્પિક પુરવઠા વ્યવસ્થા ઉભી કરવામાં આવતાં ભારતના ખેડૂતોના હિતો સુરક્ષિત રાખવામાં સફળતા મળી છે.

ભારતે યુરિયાની આયાત માટે ઓમાન, મલેશિયા, વિયેતનામ, જ્યોર્જિયા, નાઇજિરિયા, રશિયા, ફિનલેન્ડ, ઇજિપ્ત, અલ્જીરિયા, તુર્કી અને નેધરલેન્ડ જેવા અનેક દેશો સાથે પુરવઠા વ્યવસ્થા મજબૂત કરી છે. જ્યારે ડીએપી અને એનપીકે ખાતર માટે રશિયા, મોરોક્કો, જોર્ડન, અમેરિકા, દક્ષિણ કોરિયા, ટ્યુનિશિયા અને સાઉદી અરેબિયા સહિતના દેશોમાંથી સપ્લાય સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.

આ દરમિયાન સ્થાનિક ઉત્પાદન પણ સરકાર માટે સકારાત્મક સમાચાર લઈને આવ્યું છે. એપ્રિલથી જૂન દરમિયાન યુરિયાનું ઉત્પાદન નક્કી કરાયેલા લક્ષ્યાંક કરતાં વધારે રહ્યું છે. ડીએપી અને અન્ય ખાતરોના ઉત્પાદનમાં પણ વધારો નોંધાયો છે, જેના કારણે આયાત પરનો દબાણ ઘટ્યો છે અને બજારમાં પુરવઠો વધુ સ્થિર બન્યો છે. ખેડૂતો માટે સૌથી મહત્વની બાબત એ છે કે ખરીફ પાકની વાવણીના સમયમાં ખાતરની ઉપલબ્ધિ જળવાઈ રહે. તથા ધાન, કપાસ, મકાઈ, સોયાબીન, શેરડી અને અન્ય પાકો માટે યુરિયા અને ડીએપીનું વિશેષ મહત્વ છે. જો સમયસર ખાતર ન મળે તો ઉત્પાદન પર સીધી અસર પડે છે. હાલની સ્થિતિને જોતા સરકારનો દાવો છે કે ખેડૂતોને જરૂરી ખાતર ઉપલબ્ધ કરાવવામાં કોઈ વિક્ષેપ નહીં આવે.

કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે વૈશ્વિક સંકટના સમયમાં માત્ર આયાત પર આધાર રાખવાને બદલે સ્થાનિક ઉત્પાદન વધારવું અને વિવિધ દેશોમાંથી પુરવઠા મેળવવાની વ્યૂહરચના લાંબા ગાળે ભારત માટે લાભદાયી સાબિત થઈ શકે છે. આ નીતિના કારણે ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સંકટોની અસર પણ ઓછી થઈ શકે છે. સરકાર હાલમાં દેશભરમાં ઉપલબ્ધ ખાતરના જથ્થા પર સતત નજર રાખી રહી છે. રાજ્ય સરકારો સાથે સંકલન કરીને જરૂરિયાત મુજબ વિવિધ વિસ્તારોમાં ખાતર પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખેડૂતોને અફવાઓથી દૂર રહેવા અને અધિકૃત વિતરણ કેન્દ્રોમાંથી જ ખાતર ખરીદવાની સલાહ આપવામાં આવી છે.

નિષ્ણાતોના મતે હોર્મુઝની જળસંધિ માત્ર તેલ માટે જ નહીં પરંતુ વૈશ્વિક ખાતર વેપાર માટે પણ અત્યંત મહત્વપૂર્ણ માર્ગ છે. અહીં કોઈપણ વિક્ષેપ વૈશ્વિક બજારમાં ભાવ વધારો અને પુરવઠાની અછત સર્જી શકે છે. છતાં ભારતે સમયસર લીધેલા પગલાંને કારણે હાલની સ્થિતિમાં કૃષિ ક્ષેત્રને મોટી રાહત મળી છે. એકંદરે જોવામાં આવે તો વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત માટે ખાતરના પુરવઠા સંબંધિત આ સમાચાર ખેડૂતો, કૃષિ બજાર અને સમગ્ર અર્થવ્યવસ્થા માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં તમામ જહાજો નિર્ધારિત સમયસર ભારતીય બંદરો પર પહોંચશે તો ખરીફ સિઝન દરમિયાન ખાતરની ઉપલબ્ધિ વધુ મજબૂત બનશે અને ખેડૂતોને સમયસર જરૂરી ખાતર મળી રહેશે.

Most Popular

To Top