Vadodara

અકોટામા ધમધમતા બોગસ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ

અમેરિકનોને લોનની લાલચ આપી ઓનલાઈન ઠગાઈ કરતું રેકેટ ઝડપાયું

બેરિલ એપાર્ટમેન્ટમાં એલસીબી ઝોન 2ની રેડ ચાર શખ્સોની ધરપકડ, 7 મોબાઈલ, 8 લેપટોપ સહિત રૂ.3.57 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરા તા.7

વડોદરા શહેરમાં રૂમ ભાડે રાખીને ઓનલાઈન અમેરિકન નાગરિકોને વોઇસ કોલ કરીને લોન મંજૂર થયાની ખોટી વાતો કરી 150થી 200 ડોલર સુધીની રકમ પડાવતું ગેરકાયદે ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાયુ છે. અકોટા વિસ્તારમાં LCB ઝોન-2ની ટીમે રેડ કરીને કોલ સેન્ટર ચલાવતા ચાર આરોપીઓને ઝડપી લઈ ઓનલાઈન આંતરરાષ્ટ્રીય ઠગાઈના આ રેકેટનો પર્દાફાસ કર્યો છે.જેમા 7 મોબાઈલ, 8 લેપટોપ સહિત રૂ.3.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતું ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાતા સાયબર ક્રાઇમ અને ઓનલાઈન ઠગાઈના કૌભાંડનો પર્દાફાશ થયો છે. LCB ઝોન-2ની ટીમની વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે DCP મંજીતા વણઝારાની સુચના હેઠળ પ્રધાનજીની ચાલ સ્થિત બેરીલ એપાર્ટમેન્ટમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
ત્યારે આરોપીઓ કોઈપણ પ્રકારની મંજૂરી કે લાઇસન્સ લીધા વિના અમેરિકામાં રહેતા નાગરિકોને વોઇસ કોલ કરતા હતા. તેઓ પોતાને ફાઇનાન્સ કંપનીના પ્રતિનિધિ તરીકે ઓળખાવી ગ્રાહકોને તેમની લોન મંજૂર થઈ ગઈ હોવાનું કહી વિશ્વાસમાં અપાવતા હતા. ત્યારબાદ ડેબિટ કાર્ડની વિગતો, એક્સપાયરી ડેટ અને CVV નંબર મેળવી પ્રોસેસિંગ ફીના બહાને 150થી 200 ડોલર સુધીની રકમ વસૂલતા હતા.
દરોડા દરમિયાન પોલીસે કરણ રામચંદ લોકવાણી, જોનાથન જોનસન દાસ, પંકજ અશોક જેઠવાણી અને આલેરસુલ મુસ્તાકઅલી સૈયદની ધરપકડ કરી હતી. સ્થળ પરથી 7 મોબાઈલ ફોન, 8 લેપટોપ, એક ફાઇબર વાઇ-ફાઇ રાઉટર, રોકડ રકમ તથા અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો મળી રૂ.3.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં આરોપીઓ લાંબા સમયથી વિદેશી નાગરિકોને નિશાન બનાવી ઓનલાઈન નાણાકીય છેતરપિંડી આચરતા હોવાની વિગતો સામે આવી છે. પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમના સંપર્કો, બેંક ટ્રાન્ઝેક્શન અને આ સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top