સુરત એરપોર્ટ પર ગુરુવારે બપોરે ભારે ચકચાર મચી ગઈ હતી, જ્યારે ભારતીય સેનાના એક હેલિકોપ્ટરને ટેકનિકલ ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. સેનાનું IA-1165 હેલિકોપ્ટર વડોદરા એરફોર્સ સ્ટેશનથી નાસિક જવા માટે ઉડાન ભર્યું હતું. હેલિકોપ્ટરમાં કુલ ચાર આર્મી જવાન અને ઓફિસર્સ સવાર હતા. મળતી માહિતી મુજબ, હેલિકોપ્ટરે બપોરે આશરે 3:21 વાગ્યે ટેકઓફ કર્યું હતું. જોકે, ઉડાન ભર્યાના થોડા જ સમયમાં હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામીના સંકેતો મળવા લાગ્યા હતા. પરિસ્થિતિ ગંભીર બની શકે તે પહેલાં જ પાયલટે ઝડપથી નિર્ણય લઈને સુરત એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.
પાયલટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને ખામી અંગે જાણ કરી હતી. મેસેજ મળતા જ સુરત એરપોર્ટ તંત્ર હરકતમાં આવી ગયું હતું. એરપોર્ટ પર CISF, ફાયર ટીમ, મેડિકલ સ્ટાફ અને અન્ય સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી હતી. રનવેને સંપૂર્ણપણે ક્લિયર કરીને ઇમરજન્સી લેન્ડિંગ માટે જરૂરી તમામ તૈયારીઓ ગોઠવી દેવામાં આવી હતી. થોડી જ વારમાં સેનાના હેલિકોપ્ટરે સુરત એરપોર્ટ પર સફળતાપૂર્વક અને સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. ઘટનામાં સૌથી મોટી રાહતની વાત એ રહી કે હેલિકોપ્ટરમાં સવાર ચારેય આર્મી જવાન સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હતા. કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા નથી.
હેલિકોપ્ટર સુરક્ષિત રીતે ઉતર્યા બાદ એરપોર્ટ અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાને કારણે થોડા સમય માટે એરપોર્ટ પર હાઈ એલર્ટ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને VIP લેવલની સુરક્ષા ગતિવિધિઓ પણ વધારી દેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાવાનું કારણ સામે આવ્યું છે. જોકે, હજી સુધી ખામી કઈ સિસ્ટમ અથવા કયા સ્પેર પાર્ટમાં હતી તેની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. ઇમરજન્સી લેન્ડિંગ બાદ તરત જ ટેકનિકલ નિષ્ણાતો અને એન્જિનિયરોની ટીમે હેલિકોપ્ટરની વિગતવાર તપાસ શરૂ કરી દીધી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર ઓપરેશન દરમિયાન ભારતીય સેના અને સુરત એરપોર્ટ તંત્ર વચ્ચે સતત સંકલન જળવાઈ રહ્યું હતું. જેના કારણે કોઈ ગભરાટ કે અવ્યવસ્થા સર્જાયા વગર સંપૂર્ણ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકી હતી. આ ઘટના દરમિયાન સુરત એરપોર્ટ પર અન્ય કોમર્શિયલ ફ્લાઇટ્સના સંચાલન પર કોઈ મોટી અસર પડી નહોતી. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇમરજન્સી લેન્ડિંગને કારણે થોડા સમય માટે ગતિવિધિઓ વધી હતી, પરંતુ તમામ ફ્લાઇટ ઓપરેશન્સ સામાન્ય રીતે ચાલુ રહ્યા હતા. પાયલટની સમયસૂચકતા અને સુરક્ષા એજન્સીઓની ઝડપી કામગીરીને કારણે સંભવિત મોટો અકસ્માત ટળી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.