સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી શરૂ થનારી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને લઈને છેલ્લા બે મહિનાથી સતત ગૂંચવણ અને અનિશ્ચિતતા જોવા મળી રહી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ (AIX)એ ફરી એકવાર અચાનક સુરત-બેંગકોક ફ્લાઇટ્સ માટેનું બુકિંગ સ્થગિત કરી દીધું છે. જેના કારણે મુસાફરોમાં ભારે નિરાશા અને રોષ જોવા મળી રહ્યો છે. રવિવારથી એરલાઇનના ઓનલાઈન પોર્ટલ પરથી જૂન મહિનાની ફ્લાઇટ્સ ગાયબ થઈ ગઈ હતી. ત્યારબાદ સ્પષ્ટ થયું કે સુરતથી બેંગકોક માટેની ફ્લાઇટ સેવા જૂનમાં પણ શરૂ થવાની નથી. ખાસ વાત એ છે કે છેલ્લા બે મહિનામાં એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા આવી સ્થિતિ છઠ્ઠી વખત સર્જાઈ છે. ક્યારે બુકિંગ શરૂ કરવું અને પછી થોડા જ દિવસોમાં ફરી બંધ કરી દેવું, તેનાથી મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ફ્લાઇટ બુકિંગ અંગે સતત બદલાતા નિર્ણયોથી મુસાફરોમાં ગેરસમજ અને અવિશ્વાસ વધ્યો છે. એરલાઇને પહેલા જુલાઈ મહિનાનું બુકિંગ ખોલ્યું હતું, પરંતુ 26 એપ્રિલે તે બંધ કરી દીધું. ત્યારબાદ 29 એપ્રિલે મે મહિનાના બુકિંગમાં ફેરફાર કરવામાં આવ્યો. 10 મેના રોજ નવેમ્બર મહિનાનું બુકિંગ ખોલવામાં આવ્યું, પરંતુ માત્ર ત્રણ દિવસ પછી એટલે કે 13 મેના રોજ તે પણ રદ કરી દેવામાં આવ્યું. પછી 14 મેના રોજ જૂન મહિનાનું બુકિંગ શરૂ કરાયું અને હવે 18 મેના રોજ ફરી બંધ કરી દેવામાં આવ્યું છે.

આ પહેલાં સુરત-દુબઈ ફ્લાઇટ્સ સાથે પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. એર ઇન્ડિયા એક્સપ્રેસે 17 મેથી સુરત-દુબઈ ફ્લાઇટ ફરી શરૂ કરવાની જાહેરાત સાથે બુકિંગ શરૂ કર્યું હતું, પરંતુ બાદમાં UAE તરફથી લાગેલા કામચલાઉ પ્રતિબંધોને કારણે બુકિંગ બંધ કરવું પડ્યું હતું. આ સતત ફેરફારોના કારણે મુસાફરોને સીધું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ઘણા મુસાફરો પહેલેથી જ હોટલ બુકિંગ, વિઝા પ્રક્રિયા, વિદેશી ટૂર પેકેજ તેમ જ કનેક્ટિંગ ફ્લાઇટ્સ માટે પૈસા ખર્ચી ચૂક્યા હોય છે. ફ્લાઇટ્સ અચાનક રદ થતાં તેઓને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. સાથે જ પરિવાર અને વ્યવસાયિક પ્રવાસોની યોજના પણ ખોરવાઈ રહી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસના અધિકારીઓએ આ સ્થિતિ પાછળ વૈશ્વિક પરિસ્થિતિને જવાબદાર ગણાવી છે. તેમના જણાવ્યા અનુસાર ગલ્ફ ક્ષેત્રમાં વધતો તણાવ, ઈરાન-ઇઝરાયલ વચ્ચેનો સંઘર્ષ, એરસ્પેસ પર લાગેલા પ્રતિબંધો અને ઓપરેશનલ મુશ્કેલીઓના કારણે એરક્રાફ્ટ રોટેશન પ્રભાવિત થયું છે. જેના કારણે સુરત-બેંગકોક અને સુરત-દુબઈ જેવી ફ્લાઇટ્સ વારંવાર ખોલવી અને બંધ કરવાની સ્થિતિ ઉભી થઈ રહી છે.
સુરત જેવા ઝડપથી વિકસતા શહેર માટે આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને વેપાર, ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો માટે બેંગકોક અને દુબઈ જેવી ડેસ્ટિનેશન્સ અગત્યની છે. પરંતુ ફ્લાઇટ્સ અંગે સતત ચાલતી અનિશ્ચિતતા મુસાફરોના વિશ્વાસને ઝાટકો આપી રહી છે. હવે મુસાફરોની માંગ છે કે એરલાઇન સ્પષ્ટ અને સ્થિર આયોજન જાહેર કરે, જેથી લોકોને વારંવાર મુશ્કેલી અને નુકસાનનો સામનો ન કરવો પડે.