65 કિમીના હાઈવે પટ્ટામાં માર્ગ સુરક્ષા, બ્લેક સ્પોટ સુધારણા અને ઝડપી ઇમરજન્સી રિસ્પોન્સની વિશેષ વ્યવસ્થા
ગોલ્ડન અવરમાં સારવાર માટે 30 ખાનગી હોસ્પિટલો જોડાઈ, ગંભીર બસ અકસ્માત બાદ સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જ
(પ્રતિનિધિ) વડોદરા, તા. 20
રાજ્યમાં વધતા માર્ગ અકસ્માતો અને તેમાં થતી જાનહાનિને ધ્યાનમાં રાખીને નેશનલ હાઈવે-48 પર ‘ઝીરો ફેટાલિટી કોરિડોર’ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મહત્વાકાંક્ષી પહેલનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુઆંકને શૂન્ય સુધી પહોંચાડવાનો અને અકસ્માતગ્રસ્તોને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે.

તાજેતરમાં નેશનલ હાઈવે-48 પર સર્જાયેલા ગંભીર બસ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા બાદ માર્ગ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે આ પ્રોજેક્ટને અમલમાં મૂકવામાં આવ્યો છે. પ્રોજેક્ટ હેઠળ અરવલ્લીથી વલસાડ સુધીના આશરે 65 કિલોમીટરના માર્ગને ઝીરો ફેટાલિટી કોરિડોર તરીકે વિકસાવવામાં આવશે. આ વિસ્તારમાં માર્ગ સુરક્ષા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા, બ્લેક સ્પોટ્સનું નિરાકરણ તેમજ અકસ્માત સમયે ઝડપી બચાવ કામગીરી માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

અકસ્માત બાદની સૌથી મહત્વની ‘ગોલ્ડન અવર’ દરમિયાન ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 30 ખાનગી હોસ્પિટલોને પણ આ અભિયાન સાથે જોડવામાં આવી છે. આ હોસ્પિટલોમાં જરૂરી સારવાર અને રિફરલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી ગંભીર અકસ્માતોમાં જીવ બચાવવાની સંભાવના વધી શકે.

ઝીરો ફેટાલિટી કોરિડોરના લોન્ચિંગ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમાર, સાંસદ હેમાંગ જોષી સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્ગ સુરક્ષા, ઝડપી ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ, બ્લેક સ્પોટ સુધારણા અને જનજાગૃતિ જેવા બહુઆયામી પગલાંઓ દ્વારા અકસ્માતોમાં થતી જાનહાનિમાં નોંધપાત્ર ઘટાડો લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, ‘ઝીરો ફેટાલિટી કોરિડોર’ માત્ર એક પ્રોજેક્ટ નહીં પરંતુ સુરક્ષિત મુસાફરી અને માનવજીવનના સંરક્ષણ માટેનું એક મહત્વપૂર્ણ અભિયાન છે, જે ભવિષ્યમાં રાજ્યના અન્ય માર્ગો પર પણ અમલમાં મૂકવાની દિશામાં માર્ગદર્શક સાબિત થઈ શકે છે.