Vadodara

ખાનગી વાહનો પર મંજૂરી વિના જાહેરાતો પર સરકારની બ્રેક! નવા નિયમો માટે ડ્રાફ્ટ જાહેર

ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે સહિત તમામ પ્રકારની જાહેરાતો માટે મંજૂરી ફરજિયાત બનાવવાની તૈયારી
(પ્રતિનિધિ) વડોદરા, તા. 19: રાજ્યમાં હવે ખાનગી વાહનો પર સરકારની પૂર્વ મંજૂરી વિના કોઈપણ પ્રકારની જાહેરાત કે તે સંદર્ભનું લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં. વાહન વ્યવહાર વિભાગે આ મુદ્દે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડી નિયમોમાં ફેરફાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. છેલ્લા કેટલાક સમયથી ખાનગી વાહનોમાં ઇલેક્ટ્રોનિક ડિવાઇસ મારફતે જાહેરાતો પ્રદર્શિત થતી હોવાનું સરકારના ધ્યાને આવ્યું હતું. મંજૂરી વિના કરવામાં આવતી આવી જાહેરાતોના કારણે સરકારને મળતી નિર્ધારિત ટેક્સ આવકમાં પણ નુકસાન થતું હોવાનું વિભાગે નોંધ્યું છે.
10 જુલાઈ સુધી નાગરિકો પાસેથી વાંધા-સૂચનો મંગાવાયા, સૂચનો બાદ લેવાશે આખરી નિર્ણય
નવા ડ્રાફ્ટ મુજબ, સરકારના આદેશ અથવા નિયમોમાં નિર્ધારિત જોગવાઈ સિવાય ખાનગી વાહનોમાં જાહેરાત માટેના સાધનો, આકૃતિઓ, સાઇનેજ અથવા અન્ય પ્રચારાત્મક સામગ્રી પ્રદર્શિત કરી શકાશે નહીં. આ નિયમ મોટર વાહન અધિનિયમ હેઠળ લાગુ કરવામાં આવશે. આ સંદર્ભે જાહેરનામું બહાર પાડી નાગરિકો પાસેથી 30 દિવસની અંદર વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. 10 જુલાઈ, 2026 સુધી કોઈપણ વ્યક્તિ મુખ્ય સચિવ, બંદર અને વાહન વ્યવહાર વિભાગ-સચિવાલયને પોતાના વાંધા અથવા સૂચનો મોકલી શકશે. મળેલા અભિપ્રાયો પર વિચારણા કર્યા બાદ રાજ્ય સરકાર આખરી નિર્ણય લેશે.

Most Popular

To Top