World

ભારત-ફ્રાન્સની મિત્રતા અમર રહે, મેક્રોનના હિન્દી સંદેશે જીતી લીધા દિલ, ભારત-ફ્રાન્સ મિત્રતાનો આપ્યો મજબૂત સંદેશ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફ્રાન્સ પ્રવાસના અંતિમ દિવસે એક એવી ક્ષણ જોવા મળી, જેણે ભારત અને ફ્રાન્સ વચ્ચેની મિત્રતાને વધુ મજબૂત રીતે રજૂ કરી. ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને પીએમ મોદીને વિદાય આપતી વખતે ખાસ હિન્દીમાં સંદેશ આપ્યો, જેની ચર્ચા હવે બંને દેશોમાં થઈ રહી છે. પીએમ મોદી પોતાના બહુ-શહેરી ફ્રાન્સ પ્રવાસને પૂર્ણ કરીને ભારત પરત ફરી રહ્યા હતા ત્યારે પ્રમુખ મેક્રોને સોશિયલ મીડિયા પર હિન્દીમાં એક ખાસ સંદેશ શેર કર્યો હતો. તેમણે લખ્યું, “પ્રિય મિત્ર નરેન્દ્ર, નીસ, એવિયન અને પેરિસમાં આપનું સ્વાગત કરીને મને ખૂબ ખુશી થઈ. ફ્રાન્સ અને ભારતની દોસ્તી અમર રહે.” મેક્રોને હિન્દીમાં સંદેશ આપ્યા બાદ અંગ્રેજીમાં પણ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે હળવી મજાક સાથે કહ્યું કે તેમને આશા છે કે તેમની હિન્દી યોગ્ય હશે. સાથે જ તેમણે પીએમ મોદીનો મિત્રતા માટે આભાર માન્યો અને કહ્યું કે ફ્રાન્સ ભારત અને ભારતીયોને ખૂબ પ્રેમ કરે છે.

પીએમ મોદીનો આ પ્રવાસ નીસ શહેરથી શરૂ થયો હતો. ત્યારબાદ તેઓ G7 સમિટમાં ભાગ લેવા એવિયન પહોંચ્યા હતા અને અંતે પેરિસમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ સમગ્ર પ્રવાસ દરમિયાન ભારત અને ફ્રાન્સ વચ્ચેના વ્યૂહાત્મક, આર્થિક અને ટેક્નોલોજી ક્ષેત્રના સહકારને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રવાસ દરમિયાન બંને નેતાઓએ પેરિસમાં આયોજિત યુરોપના સૌથી મોટા ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ કાર્યક્રમ VivaTech 2026માં પણ ભાગ લીધો હતો. આ વર્ષે ભારતને AI Country Partner તરીકે વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું. મોદી અને મેક્રોને વિવિધ ટેક્નોલોજી પ્રોજેક્ટ્સ, સ્ટાર્ટઅપ્સ અને નવીનતાઓનું નિરીક્ષણ કર્યું હતું. બંને નેતાઓએ યુવા ઉદ્યોગસાહસિકો સાથે મુલાકાત કરીને નવી ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં સહકાર વધારવા અંગે ચર્ચા કરી હતી.

VivaTech કાર્યક્રમ દરમિયાન મોદી અને મેક્રોન વચ્ચેની ઉષ્માભરી મિત્રતા પણ જોવા મળી હતી. બંને નેતાઓએ એકબીજાને ગળે લગાવીને અભિવાદન કર્યું હતું, જે તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. ફ્રાન્સ છોડતા પહેલા પીએમ મોદીએ પેરિસમાં વસતા ભારતીય સમુદાયને પણ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે પ્રવાસી ભારતીયો ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોની સૌથી મોટી તાકાત છે. તેમણે ભારતીય સમુદાયના યોગદાનની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ બંને દેશોને નજીક લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં છેલ્લા 12 વર્ષમાં ભારતે હાંસલ કરેલી પ્રગતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારત આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે. નિકાસ, ઉત્પાદન, ડિજિટલ ટેક્નોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં દેશે નોંધપાત્ર વિકાસ કર્યો છે.

તેમણે જણાવ્યું કે મોબાઇલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ભારતે અદભૂત પ્રગતિ કરી છે અને દેશ આજે વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક બની ગયો છે. ઉપરાંત એરપોર્ટ, હાઇવે, યુનિવર્સિટીઓ અને અન્ય માળખાકીય સુવિધાઓમાં પણ ઝડપી વધારો થયો છે. પીએમ મોદીએ દેશની જનતાનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે લોકશાહીની તાકાતના કારણે એક સામાન્ય ચા વેચનાર દેશના વડાપ્રધાન બની શકે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે છેલ્લા 12 વર્ષ ભારતના 1.4 અબજ લોકોની ક્ષમતા અને મહેનતના સાક્ષી રહ્યા છે. મેક્રોનના હિન્દી સંદેશ અને મોદી-મેક્રોન વચ્ચેની મિત્રતાએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધો માત્ર રાજદ્વારી સ્તરે જ નહીં, પરંતુ વ્યક્તિગત વિશ્વાસ અને મિત્રતાના આધારે પણ વધુ મજબૂત બની રહ્યા છે.

Most Popular

To Top