Vadodara

સ્માર્ટ સિટીના રસ્તાઓમાં ખાડારાજ! સોમા તળાવમાં તંત્રની બેદરકારી સામે સ્થાનિકો રસ્તા પર ઉતર્યા

મોટા ખાડાઓથી રોજ સર્જાય છે અકસ્માતની ભીતિ, મહિલાઓ અને વેપારીઓએ કર્યો ઉગ્ર વિરોધ
(પ્રતિનિધિ) વડોદરા, તા. 19: સ્માર્ટ સિટીના દાવા વચ્ચે વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલા સોમા તળાવ વિસ્તારમાં રસ્તાઓની બિસ્માર હાલત સામે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કોર્પોરેશન દ્વારા લાંબા સમયથી મુખ્ય માર્ગો પર પડેલા મોટા અને જોખમી ખાડાઓનું સમારકામ ન કરવામાં આવતા આજે મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો, મહિલાઓ અને વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તંત્ર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર સોમા તળાવ ચાર રસ્તા અને આસપાસની રહેણાંક સોસાયટીઓને જોડતા માર્ગો પર છેલ્લા ઘણા મહિનાઓથી મોટા ખાડાઓ પડ્યા છે. જેના કારણે દ્વિચક્રી વાહનચાલકો સ્લિપ થઈ જવાના બનાવો સામાન્ય બન્યા છે. રાત્રિના સમયે પૂરતી સ્ટ્રીટ લાઈટના અભાવે વાહનચાલકો માટે આ ખાડાઓ જીવલેણ સાબિત થઈ રહ્યા છે. શાળાએ જતા બાળકો અને વૃદ્ધોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉડતી ધૂળ અને કાદવથી વેપારને ફટકો, બે દિવસમાં કામગીરી નહીં થાય તો ચક્કાજામની ચેતવણી
ચોમાસાના પ્રારંભિક વરસાદ બાદ ખાડાઓમાં પાણી ભરાતા સમગ્ર વિસ્તાર કાદવ અને કીચડથી ભરાઈ જાય છે. બીજી તરફ ઉડતી ધૂળની ડમરીઓ અને ખરાબ રસ્તાઓના કારણે ગ્રાહકોની અવરજવર ઘટતાં વેપારીઓના ધંધા પર પણ અસર પડી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પ્રી-મોન્સૂન કામગીરીના દાવા માત્ર કાગળ પર જ સીમિત રહ્યા છે અને વાસ્તવિક સ્થિતિ તંત્રના પોકળ દાવાઓની પોલ ખોલી રહી છે.
સ્થાનિક અગ્રણીઓએ જણાવ્યું હતું કે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં અધિકારીઓ માત્ર આશ્વાસન આપી રહ્યા છે. જો આગામી બે દિવસમાં રસ્તાના ખાડાઓનું કાયમી સમારકામ કરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા ચક્કાજામ અને કોર્પોરેશનની મુખ્ય કચેરીના ઘેરાવ સહિત ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની રહેશે.

Most Popular

To Top