Vadodara

પાણીગેટ પાસે રફતારનો કહેર: નશામાં ધૂત બાઈક ચાલકે વૃદ્ધનો જીવ લીધો

ગંભીર રીતે ઘવાઈ ગયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત, CCTV કેમેરામાં કેદ થયો અકસ્માત પરિવારજનોમાં રોષ, બાઈક ચાલકની ધરપકડ

વડોદરા તા.17

વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશન નજીક પૂરઝડપે દોડતી બાઇકે 60 વર્ષીય વૃદ્ધને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. અકસ્માત સર્જનાર બાઈક ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

મંગળવારે સાંજે આશરે 7:30 વાગ્યે પાણીગેટ પોલીસ સ્ટેશન નજીક એક વૃદ્ધ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરઝડપે આવી રહેલી બાઇકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે વૃદ્ધને માથા અને શરીરના ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
અકસ્માત સર્જનાર બાઇક પર બે યુવકો સવાર હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પ્રત્યક્ષદર્શી મોહમ્મદ ઝૈદના જણાવ્યા મુજબ, બાઇક ચાલક નશાની હાલતમાં હતો અને અત્યંત ઝડપે વાહન ચલાવી રહ્યો હતો. ટક્કર બાદ સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા અને આરોપીને પકડી પોલીસના હવાલે કર્યો હતો.
વૃદ્ધના મોતના સમાચાર મળતા પરિવારજનોમાં ભારે શોક અને આક્રોશ ફેલાયો હતો. પરિવારજનોએ જવાબદાર બાઇક ચાલક સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પાણીગેટ પોલીસે નશામાં બાઇક ચલાવી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના ફરી એકવાર શહેરમાં બેફામ અને બેદરકાર ડ્રાઇવિંગ સામે સવાલો ઉભા કરે છે.

Most Popular

To Top