Education

મોક રાઉન્ડમાં 32 હજારથી વધુ વિદ્યાર્થીઓને કોલેજ ફાળવણી, ACPCની મહત્વની સૂચના

39,645 વિદ્યાર્થીઓએ ચોઇસ ફિલિંગ કર્યું, ACPCની સ્પષ્ટતા : ડોક્યુમેન્ટ કે ફી જમા કરાવવાની ઉતાવળ નહીં

22 જૂનથી પ્રથમ રાઉન્ડ શરૂ થશે, એક દાયકા બાદ સૌથી વધુ રજિસ્ટ્રેશન નોંધાયું

(પ્રતિનિધિ) વડોદરા, તા.17
રાજ્યમાં ડિગ્રી એન્જિનિયરિંગ પ્રવેશ માટે યોજાયેલા મોક રાઉન્ડના પરિણામ જાહેર થતાં 39,645 વિદ્યાર્થીઓમાંથી 32,026 વિદ્યાર્થીઓને વિવિધ કોલેજોની ફાળવણી કરવામાં આવી છે. જોકે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (ACPC)એ વિદ્યાર્થીઓ અને વાલીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે મોક રાઉન્ડની ફાળવણીને અંતિમ પ્રવેશ ગણવાની ભૂલ ન કરવી તેમજ હાલ કોલેજમાં ડોક્યુમેન્ટ જમા કરાવવા કે સંપૂર્ણ ફી ભરવાની કોઈ જરૂર નથી.
ધોરણ-12 બાદ ડિગ્રી એન્જિનિયરિંગ પ્રવેશ માટે કુલ 45,480 વિદ્યાર્થીઓ મેરિટમાં સામેલ થયા હતા. તેમાંથી 39,645 વિદ્યાર્થીઓએ મોક રાઉન્ડમાં ભાગ લીધો હતો. પ્રથમ રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા 22 જૂનથી શરૂ થશે અને 25 જૂને પ્રથમ રાઉન્ડની ફાળવણી જાહેર કરવામાં આવશે.
એક દાયકા બાદ એન્જિનિયરિંગમાં ફરી વિદ્યાર્થીઓનો વધ્યો રસ
ચાલુ વર્ષે ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે કુલ 47,256 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે, જે વર્ષ 2016માં નોંધાયેલા 47,049 રજિસ્ટ્રેશન બાદ છેલ્લા દસ વર્ષમાં સૌથી વધુ છે. એક દાયકાના અંતરાલ પછી ફરી એકવાર વિદ્યાર્થીઓમાં એન્જિનિયરિંગ અભ્યાસક્રમ પ્રત્યેનો રસ વધતો જોવા મળી રહ્યો છે.
ACPCના જણાવ્યા મુજબ મોક રાઉન્ડનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને તેમની પસંદગી અને સંભવિત કોલેજ ફાળવણી અંગે માહિતી આપવાનો છે, જેથી તેઓ વાસ્તવિક રાઉન્ડમાં વધુ યોગ્ય અને સુનિશ્ચિત નિર્ણય લઈ શકે.
સરકારી બેઠકો ભરાઈ, સ્વનિર્ભર કોલેજોમાં હજુ હજારો બેઠકો ખાલી
એસીપીસીએ સ્પષ્ટ કર્યું છે કે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ કોલેજમાં મૂળ પ્રમાણપત્રો જમા કરાવવા કે સેમેસ્ટરની સંપૂર્ણ ફી ભરવાની જરૂર નથી.
મોક રાઉન્ડમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની તમામ બેઠકો પર વિદ્યાર્થીઓને ફાળવણી કરવામાં આવી છે. જ્યારે સ્વનિર્ભર કોલેજોની કુલ 61,233 બેઠકોમાંથી માત્ર 20,540 બેઠકો પર જ ફાળવણી થઈ છે. વધારાની મંજૂર થનારી બેઠકોને આગામી પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે.
હવે વિદ્યાર્થીઓ અને વાલીઓની નજર 22 જૂનથી શરૂ થનારા પ્રથમ સત્તાવાર રાઉન્ડ પર મંડાઈ છે, જેમાં કરવામાં આવેલી પસંદગીઓના આધારે 25 જૂને અંતિમ ફાળવણી જાહેર કરવામાં આવશે.

Most Popular

To Top