3.5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા હાંસલ કરવાનો રોડમેપ; MSME, સ્ટાર્ટઅપ, મેગા ઇન્ડસ્ટ્રી, મહિલાઓ અને ગ્રીન એનર્જી પર વિશેષ ભાર
ગાંધીનગર, તા. 15: ગુજરાત સરકારે રાજ્યને વર્ષ 2047 સુધીમાં 3.5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા અને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવા માટે મહત્ત્વાકાંક્ષી ‘વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી-2026’ જાહેર કરી છે. આગામી પાંચ વર્ષ માટે અમલમાં રહેનારી આ નીતિમાં MSMEથી લઈને મેગા ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ, મહિલાઓના ઉદ્યોગસાહસિકરણ, સંશોધન અને વિકાસ (R&D), ગ્રીન એનર્જી તથા પ્રાદેશિક વિકાસ જેવા તમામ મહત્વપૂર્ણ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે.
રાજય સરકારના જણાવ્યા અનુસાર, રાજ્યની અર્થવ્યવસ્થા છેલ્લા 22 વર્ષમાં આશરે 20 ગણી વધી છે. વર્ષ 2002-03માં 15.73 અબજ ડોલર રહેલું ગુજરાતનું અર્થતંત્ર 2024-25માં વધીને 329.70 અબજ ડોલર સુધી પહોંચ્યું છે. હવે આગામી તબક્કામાં રાજ્ય ઉચ્ચ મૂલ્યવર્ધનવાળા ઉત્પાદન, ટેક્નોલોજી અને નિકાસ આધારિત વૃદ્ધિ તરફ આગળ વધશે.
નવી નીતિમાં ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વધુ મજબૂત સ્થાન અપાવવું, હાઇ-ટેક અને ડીપ-ટેક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું, ગ્રીન ટ્રાન્ઝિશનને વેગ આપવો, રોજગારી સાથે જીવનની ગુણવત્તામાં સુધારો કરવો અને પ્રાદેશિક સંતુલિત વિકાસ સુનિશ્ચિત કરવો જેવા મુખ્ય લક્ષ્યો નક્કી કરવામાં આવ્યા છે.
21 પ્રાથમિક ક્ષેત્રો પર ફોકસ
નીતિ હેઠળ ગ્રીન એનર્જી, મોબિલિટી, કેપિટલ ઇક્વિપમેન્ટ, ટેક્સટાઇલ્સ, ક્રિટિકલ મિનરલ્સ, સસ્ટેનેબિલિટી, કેમિકલ્સ, એગ્રો પ્રોસેસિંગ, હેલ્થકેર, સેમિકન્ડક્ટર એન્સિલરી, ન્યુક્લિયર પાવર ઇક્વિપમેન્ટ, વ્હીકલ સ્ક્રેપિંગ, ઇ-વેસ્ટ અને ટેક્સટાઇલ વેસ્ટ રિસાયક્લિંગ, શિપિંગ કન્ટેનર ઉત્પાદન અને હેવી અર્થ મૂવિંગ ઇક્વિપમેન્ટ સહિતના 21 થ્રસ્ટ સેક્ટર્સને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવશે. ઉપરાંત સ્પોર્ટ્સ ગુડ્સ, ટોય મેન્યુફેક્ચરિંગ, ફૂટવેર, રોબોટિક્સ અને ડ્રોન જેવા ક્ષેત્રોને સિલેક્ટેડ સેક્ટર તરીકે સમાવાયા છે.
MSME માટે સૌથી મોટું પ્રોત્સાહન પેકેજ
ગુજરાતની અર્થવ્યવસ્થાના પાયારૂપ MSME ક્ષેત્ર માટે નીતિમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. માઇક્રો અને સ્મોલ એકમોને eFCIના 25થી 35 ટકા સુધીની કેપિટલ સબસિડી મળશે. ઉપરાંત ટેક્નોલોજી અપગ્રેડેશન, પેટન્ટ નોંધણી, ZED સર્ટિફિકેશન, માર્કેટ ડેવલપમેન્ટ તેમજ વીજળી અને પાણીના કનેક્શન માટે પણ સહાય આપવામાં આવશે.
મેગા રોકાણોને મળશે વિશેષ લાભ
રૂ. 125 કરોડથી વધુના રોકાણ ધરાવતા લાર્જ યુનિટ, રૂ. 1,000 કરોડથી વધુના મેગા યુનિટ અને રૂ. 3,000 કરોડથી વધુના અલ્ટ્રા મેગા યુનિટ માટે કેપિટલ સબસિડી, વ્યાજ સહાય અને પાવર ટેરિફ સહાયના વિકલ્પો ઉપલબ્ધ કરાશે. ખાસ કરીને થ્રસ્ટ સેક્ટર્સમાં રોકાણ કરનારા એકમોને વધુ પ્રોત્સાહનો મળશે.
સ્ટાર્ટઅપ્સ અને મહિલાઓ માટે વિશેષ જોગવાઈ
રાજ્ય સરકાર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે પ્રતિ મહિને રૂ. 25,000 સુધીનું સબસિસ્ટન્સ એલાઉન્સ, સીડ સપોર્ટ, વ્યાજ સબસિડી અને એક્સેલરેટર પ્રોગ્રામ સહાય આપશે. સ્ટાર્ટઅપ્સ માટે સિંગલ વિન્ડો ઇન્ટરફેસ પણ વિકસાવવામાં આવશે.
મહિલા ઉદ્યોગસાહસિકો માટે વધારાની 1 ટકા વ્યાજ સહાય, ‘રિટર્ન ટુ ઇન્ડસ્ટ્રી એક્સેલરેટર’, કારકિર્દી વિરામ બાદ તાલીમ કાર્યક્રમો અને પાંચ વર્ષ સુધી ભાડા સહાય જેવી જોગવાઈઓ કરવામાં આવી છે.
ગુજરાત બનશે ગ્લોબલ R&D હબ
નવી નીતિમાં સંશોધન અને વિકાસ ક્ષેત્રને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે. R&D કેન્દ્રોને 50 ટકા સુધીની કેપિટલ સહાય, 25 ટકા જમીન રિઇમ્બર્સમેન્ટ, પ્રતિ યુનિટ રૂ. 1 પાવર ટેરિફ સહાય, પ્રતિ કર્મચારી રૂ. 10,000 સુધી પેરોલ સપોર્ટ અને પેટન્ટ સહાય આપવામાં આવશે. રાજ્યમાં ગ્લોબલ R&D હબ વિકસાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.
ગ્રીન એનર્જી અને પર્યાવરણ પર ભાર
ગુજરાત હાલમાં 53.8 ગીગાવોટથી વધુ રિન્યુએબલ એનર્જી ક્ષમતા ધરાવે છે, જેમાં 31 ગીગાવોટ સોલાર અને 15.78 ગીગાવોટ વિન્ડ એનર્જીનો સમાવેશ થાય છે. ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક પૂર્ણ થયા બાદ ગુજરાતનું સ્થાન વિશ્વના સૌથી મોટા ગ્રીન એનર્જી કેન્દ્રોમાં વધુ મજબૂત બનશે.
નીતિમાં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સિસ્ટમ, વેસ્ટ-ટુ-એનર્જી પ્રોજેક્ટ, કોમન ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે વિશેષ પ્રોત્સાહનો પણ જાહેર કરવામાં આવ્યા છે.
રોજગાર અને સ્કિલ ડેવલપમેન્ટને પ્રાધાન્ય
‘મુખ્યમંત્રી ઉદ્યોગ રોજગાર સહાય યોજના’ હેઠળ ઉદ્યોગો સાથે જોડાયેલી તાલીમ, વિદ્યાર્થીઓને હેન્ડ્સ-ઓન અનુભવ, ઉદ્યોગ-અકાદમી જોડાણ અને ભવિષ્યની ટેક્નોલોજી માટે જરૂરી કુશળ માનવબળ તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
સેવા ક્ષેત્રને પણ મળશે વેગ
નવી નીતિમાં IT-ITES, ફિનટેક, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC), લોજિસ્ટિક્સ, પ્રવાસન અને નાણાકીય સેવાઓ જેવા ક્ષેત્રોને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે. રાજ્યના GSDPમાં સેવા ક્ષેત્રનું યોગદાન 2011-12ના 36 ટકાથી વધીને 2023-24માં 42 ટકા સુધી પહોંચી ગયું છે.
ગુજરાત માટે પરિવર્તનકારી નીતિ
નવી ઔદ્યોગિક નીતિથી રાજ્યમાં વધુ વિદેશી રોકાણ, નિકાસ વૃદ્ધિ, રોજગારી સર્જન અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ગુજરાતની ભૂમિકા વધુ મજબૂત બનવાની અપેક્ષા છે. સરકારના મત મુજબ આ નીતિ માત્ર રોકાણ આકર્ષવા માટેની યોજના નથી, પરંતુ 2047 સુધી ગુજરાતને ગ્રીન એનર્જી, ટેક્નોલોજી, મેન્યુફેક્ચરિંગ અને નવીનતાના વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની વ્યાપક વ્યૂહરચના છે.