Vadodara

દોઢ કરોડથી વધુનું વ્યાજ ચૂકવ્યા છતાં 47 કોરા ચેક અને સોનાના દાગીના પડાવી લીધા

( પ્રતિનિધિ )વડોદરા,તા.14

વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આજવા રોડ પર રહેતા શની દિનેશકુમાર પંચાલ નામના વ્યક્તિએ દેવાંગ અરવિંદભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીએ એપ્રિલ-2022થી અત્યાર સુધીમાં ફરિયાદીને કુલ 1,25,14,405 રૂપિયા માસિક 2 ટકાથી 16.5 ટકાના ઊંચા વ્યાજે આપ્યા હતા.

ફરિયાદ મુજબ ફરિયાદીએ વ્યાજ પેટે 1,27,56,690 રૂપિયા ચૂકવી દીધા છે. એક કરોડ સત્તાવીસ લાખ છપ્પન હજાર છસો નેવું રૂપિયા ચૂકવ્યા બાદ પણ આરોપીએ ફરિયાદીને હજુ વ્યાજ જ ચૂકવેલ છે, લેણીની રકમ બાકી છે તેમ કહીને સતત ધમકી આપી હતી. આરોપીએ સિક્યુરિટી પેટે ફરિયાદી પાસેથી કુલ 47 જેટલા કોરા તથા રકમ ભરેલા સહીવાળા ચેક અને સોનાના દાગીના બળજબરીથી કઢાવી લીધા હતા. આજદિન સુધી આરોપીએ ચેક કે દાગીના પરત કર્યા નથી. વારંવાર રૂપિયાની ઉઘરાણી કરી, ગાળાગાળી કરી, રૂપિયા નહીં આપે તો પોતે મરી જઈ ખોટા કેસમાં ફસાવી દેવાની અને સોનાના દાગીના સગેવગે કરી દેવાની ધમકીઓ પણ આપી હતી. આ મામલે બાપોદ પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 296, 308(2), 351(2) તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની કલમ 40, 42 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top