Vadodara

મેરાકુવામાં 19 સરદાર આવાસો પર જેસીબી ફેરવાયું, જવાબદાર કોણ? ગેરકાયદે ડિમોલેશન મામલે તપાસ તેજ

ટીડીઓએ તલાટી કમ મંત્રીને સોંપી તપાસ, દોષિતો સામે કાયદેસરની કાર્યવાહીનો સંકેત; લાભાર્થીઓમાં ભારે રોષ

ડેસર, તા. 14
ડેસર તાલુકાના મેરાકુવા ગ્રામ પંચાયત વિસ્તારના રાતડીયા નજીક આવેલા 19 જૂના સરદાર આવાસોને તોડી પાડવાના મામલે ભારે વિવાદ ઉભો થયો છે. કોઈપણ સત્તાવાર મંજૂરી વિના જેસીબી મશીનથી ડિમોલેશન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો વચ્ચે તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરાવી છે.
મળતી માહિતી મુજબ, આતુના મુવાડાના ગરીબ અને જમીનવિહોણા લાભાર્થીઓને આશરે 25 વર્ષ અગાઉ સરકારી પડતર જમીન પર સરદાર આવાસ યોજનાના મકાનો ફાળવવામાં આવ્યા હતા. તે સમયે મેરાકુવા, આતુના મુવાડા સહિતના ગામો વરસડા ગ્રામ પંચાયત હેઠળ આવતા હતા. લાભાર્થીઓ પાસે પોતાની જમીન ન હોવાથી સરકારી જમીનનું પ્લોટિંગ કરી આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને ફાળવવામાં આવ્યા હતા.
તાજેતરમાં 10 અને 11 જૂન દરમિયાન રાતડીયા નજીક આવેલા આ જર્જરિત સરદાર આવાસોને જેસીબી મશીન દ્વારા તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિકોએ કામગીરી અંગે પૂછપરછ કરતાં સ્થળ પર હાજર કેટલાક લોકોએ તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ)ની મંજૂરીથી કાર્યવાહી ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. જોકે, જ્યારે આ બાબતે ટીડીઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આવી કોઈ મંજૂરી આપી ન હોવાનું અને સમગ્ર ઘટનાથી અજાણ હોવાનું જણાવ્યું હતું.
બીજી તરફ, મેરાકુવા ગામના સરપંચે દાવો કર્યો હતો કે સાંસદના પીએની હાજરીમાં જર્જરિત સરદાર આવાસો દૂર કરવામાં આવી રહ્યા છે અને સમગ્ર જમીન પર વૃક્ષારોપણ કરવાની યોજના છે. જોકે આ દાવાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે.
મામલો પ્રકાશમાં આવ્યા બાદ આતુના મુવાડાના લાભાર્થીઓ તાલુકા સેવા સદન પહોંચ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી. લાભાર્થીઓએ પોતાના આવેદનમાં આક્ષેપ કર્યો છે કે કુલ 19 સરદાર આવાસો મેરાકુવા ગામના સરપંચની હાજરીમાં તોડી પાડવામાં આવ્યા હતા.
આવેદન મળ્યા બાદ તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ પર જઈ તપાસ હાથ ધરી હતી. દરમિયાન લાભાર્થીઓ, જેસીબી મશીનના માલિક તેમજ ચાલકના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. ત્યારબાદ સરપંચનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ સરપંચે આ સમગ્ર ઘટનામાં પોતાની કોઈ સંડોવણી ન હોવાનું જણાવ્યું છે.
હાલ તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર તપાસ મેરાકુવા ગામના તલાટી કમ મંત્રીને સોંપી છે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી છે. તપાસમાં જે કોઈ વ્યક્તિ ગેરકાયદેસર ડિમોલેશન માટે જવાબદાર ઠરશે તેની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે.
આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓ અને લાભાર્થીઓએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ 19 ગરીબ પરિવારોને તેમના આવાસ સંબંધિત યોગ્ય ન્યાય અને પુનઃસ્થાપન મળે તેવી માંગ ઉઠાવી છે.

Most Popular

To Top