Sukhsar

સુખસરમાં તલાટીઓની અનિયમિતતાથી અરજદારો પરેશાન

જાતિ-આવકના દાખલા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને ગ્રામ પંચાયતોના ધક્કા; કચેરીઓ આસપાસ ગેરરીતિની ચર્ચાએ જોર પકડ્યું

સુખસર, તા. 14
ફતેપુરા તાલુકાના વિભાજન બાદ સુખસરને તાલુકા કક્ષાનો દરજ્જો મળતા સ્થાનિક નાગરિકોને સમય અને નાણાંની બચત થવાની આશા જાગી હતી. જોકે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં પૂરતી વહીવટી સુવિધાઓના અભાવે લોકો હજુ પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને ગ્રામ પંચાયતોમાં તલાટી કમ-મંત્રીઓની અનિયમિતતા અને સ્ટાફની અછતના કારણે જાતિ અને આવકના પ્રમાણપત્ર મેળવવા માટે અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં શાળાઓ અને કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી હોવાથી વિદ્યાર્થીઓ માટે જાતિ અને આવકના દાખલાની જરૂરિયાત વધી છે. પરંતુ અનેક ગ્રામ પંચાયતોમાં તલાટી કમ-મંત્રીઓ નિયમિત હાજર ન રહેતા અથવા બદલી બાદ નવી જગ્યાનો ચાર્જ સંભાળવામાં વિલંબ થતો હોવાથી જરૂરી પ્રમાણપત્રો સમયસર મળી રહ્યા નથી.
સુખસર તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતોમાં એક જ તલાટી કમ-મંત્રીને એકથી વધુ પંચાયતોનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. પરિણામે તેઓ દરરોજ તમામ ગ્રામ પંચાયતોમાં હાજર રહી શકતા નથી. જેના કારણે જાતિ અને આવકના દાખલાઓ પર જરૂરી સહી મેળવવા માટે વિદ્યાર્થીઓ, વાલીઓ અને અન્ય અરજદારોને વારંવાર ગ્રામ પંચાયત કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે.
સ્થાનિકોનું કહેવું છે કે જો દાખલાઓ સમયસર મળી રહે તો વિદ્યાર્થીઓને તેમની પસંદગીની શાળા અથવા કોલેજમાં પ્રવેશ મેળવવામાં સરળતા રહે. પરંતુ હાલની સ્થિતિમાં માત્ર તલાટી કમ-મંત્રીની સહી માટે જ દિવસો સુધી રાહ જોવી પડી રહી છે. જેના કારણે અનેક પરિવારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત તાલુકામાં કેટલીક જગ્યાએ અભણ અને અબુધ લોકોને સરકારી કામકાજ કરાવી આપવાના બહાને કેટલાક લોકો દ્વારા ગેરરીતિપૂર્વક નાણાં વસૂલવામાં આવી રહ્યા હોવાની ચર્ચાઓ પણ જોર પકડી રહી છે. તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં આવતા અરજદારો પાસેથી વિવિધ કામગીરી માટે વધુ રકમ વસૂલવામાં આવતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.
સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે રૂ.50ના સ્ટેમ્પ માટે અરજદારો પાસેથી બમણી રકમ લેવામાં આવે છે. ઉપરાંત સામાન્ય ફોર્મ ભરવા, અરજી તૈયાર કરવા અને અન્ય કાગળિયાં કામો માટે પણ લોકો પાસેથી આડેધડ નાણાં પડાવવામાં આવી રહ્યા હોવાનું કહેવાય છે. જન્મ-મરણ નોંધણી સંબંધિત પ્રક્રિયામાં પણ કેટલાક મધ્યસ્થીઓ વધુ રકમ વસૂલતા હોવાના આક્ષેપો ચર્ચામાં છે.
કેટલાક લોકોનું તો એવું પણ કહેવું છે કે મામલતદાર કચેરી નજીક નોટરી સંબંધિત સેવાઓના નામે ગેરરીતિઓ થતી હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે આ તમામ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
તાલુકાની જનતાએ માંગ કરી છે કે સુખસર તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં પૂરતા પ્રમાણમાં તલાટી કમ-મંત્રીઓની નિમણૂક કરવામાં આવે, બદલી થયેલા કર્મચારીઓ તાત્કાલિક ચાર્જ સંભાળે અને તાલુકા તથા જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા સમગ્ર વહીવટી વ્યવસ્થાની સમીક્ષા કરીને લોકોને સમયસર અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે.
બોક્સ : ગરીબોના નામે ગેરલાભ ઉઠાવાતો હોવાના આક્ષેપ
સુખસર તાલુકાને તાલુકા કક્ષાનો દરજ્જો મળવો ખેડૂતો, શ્રમિકો અને ગરીબી રેખા નીચે જીવતા પરિવારો માટે આશીર્વાદરૂપ માનવામાં આવે છે. પરંતુ બીજી તરફ સરકારી કામકાજમાં અજાણ લોકોનો કેટલાક તકવાદી તત્વો ગેરલાભ ઉઠાવી રહ્યા હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. સ્થાનિકોની માંગ છે કે કચેરીઓ આસપાસ ચાલતી કથિત ગેરરીતિઓ પર તાત્કાલિક રોક લગાવવામાં આવે તેમજ જવાબદાર તંત્ર દ્વારા નિયમિત દેખરેખ રાખી ગરીબ અને સામાન્ય નાગરિકોના હિતોનું રક્ષણ કરવામાં આવે.

Most Popular

To Top