દેશભરમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ભરતી પરીક્ષાઓમાં પેપર લીકના વધતા બનાવોને લઈને કોંગ્રેસ હવે કેન્દ્ર સરકાર અને ભાજપ સામે આક્રમક વલણ અપનાવવા જઈ રહી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આગામી દિવસોમાં દિલ્હી, કોટા, પ્રયાગરાજ (ઇલાહાબાદ) અને પટણા સહિતના મહત્વપૂર્ણ શહેરોમાં વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે સીધો સંવાદ કરીને પેપર લીકના મુદ્દે સરકારને ઘેરવાની તૈયારીમાં છે. કોંગ્રેસે આ મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાનો નિર્ણય લીધો છે અને તેના માટે વિશેષ અભિયાનની પણ જાહેરાત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, દેશભરમાં સતત સામે આવી રહેલા પેપર લીકના બનાવોને કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. NEET, સાથે જ ભરતી પરીક્ષાઓ અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓને કોંગ્રેસ કેન્દ્ર સરકારની નિષ્ફળતા ગણાવી રહી છે. કોંગ્રેસનું માનવું છે કે વર્ષો સુધી મહેનત કરનારા વિદ્યાર્થીઓને વારંવાર પરીક્ષા રદ થવી, ફરીથી પરીક્ષા આપવી અથવા ગેરરીતિઓનો ભોગ બનવો પડે છે, જે ગંભીર બાબત છે.
કોંગ્રેસના સૂત્રો અનુસાર, રાહુલ ગાંધી દેશના એવા શહેરોની મુલાકાત લેશે જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે. રાજસ્થાનનું કોટા દેશનું સૌથી મોટું કોચિંગ હબ માનવામાં આવે છે, જ્યારે પ્રયાગરાજ અને પટણા પણ સરકારી નોકરીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે જાણીતા કેન્દ્રો છે. દિલ્હીમાં પણ વિદ્યાર્થીઓ અને યુવા સંગઠનો સાથે વિશેષ બેઠક યોજાશે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓના પ્રશ્નોને રાષ્ટ્રીય મંચ પર લાવવાનો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપ સરકાર પેપર લીક રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. પાર્ટીનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ભરતી અને પ્રવેશ પરીક્ષાઓમાં ગેરરીતિઓ સામે આવી છે, જેના કારણે લાખો યુવાનોમાં નિરાશા ફેલાઈ છે.રાહુલ ગાંધી પોતાના કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે અને તેમની સમસ્યાઓ સાંભળશે. કોંગ્રેસનું માનવું છે કે પેપર લીક માત્ર શૈક્ષણિક સમસ્યા નથી પરંતુ તે યુવાનોના રોજગાર અને ભવિષ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે. પાર્ટી આ મુદ્દે જનજાગૃતિ અભિયાન પણ ચલાવશે અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર પર દબાણ વધારશે.
કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે યુવાનો આજે સૌથી વધુ બેરોજગારી અને ભરતી પ્રક્રિયાની અનિશ્ચિતતાથી પરેશાન છે. આવી સ્થિતિમાં પેપર લીકના બનાવો તેમની મુશ્કેલીઓમાં વધારો કરે છે. પાર્ટી આ મુદ્દાને લઈને દેશવ્યાપી વિરોધ કાર્યક્રમો, વિદ્યાર્થી સંમેલનો અને જાહેર સભાઓનું આયોજન પણ કરી શકે છે. કોંગ્રેસના અભિયાનમાં વિદ્યાર્થીઓ, યુવા નેતાઓ, શિક્ષણવિદો અને વિવિધ સામાજિક સંગઠનોને પણ જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. રાહુલ ગાંધીનો આ પ્રવાસ આગામી ચૂંટણી રાજકારણના દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે દેશના યુવાનો એક મોટો મતદાર વર્ગ છે.
બીજી તરફ ભાજપ અને કેન્દ્ર સરકાર સતત દાવો કરી રહ્યા છે કે પેપર લીક સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા વિવિધ તપાસ એજન્સીઓની મદદથી ગેરરીતિઓમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં પેપર લીક રોકવા માટે કડક કાયદાકીય જોગવાઈઓ પણ અમલમાં લાવવામાં આવી છે.તેમ છતાં કોંગ્રેસનું કહેવું છે કે માત્ર કાયદા બનાવવાથી સમસ્યાનો ઉકેલ આવશે નહીં, પરંતુ પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને જવાબદારી પણ જરૂરી છે. પાર્ટી વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે આ મુદ્દે સતત લડત આપશે તેવી જાહેરાત કરી છે.
રાજકીય વિશ્લેષકોના મતે, પેપર લીકનો મુદ્દો આગામી સમયમાં દેશના રાજકારણમાં મહત્વનો વિષય બની શકે છે. ખાસ કરીને સરકારી નોકરીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લાખો યુવાનો માટે આ મુદ્દો અત્યંત સંવેદનશીલ છે. કોંગ્રેસ અસંતોષને રાજકીય રીતે ઉઠાવવા માંગે છે, ભાજપ સરકાર પોતાની કામગીરી અને પગલાંનો બચાવ કરી રહી છે.
આગામી દિવસોમાં રાહુલ ગાંધીના દિલ્હી, કોટા, પ્રયાગરાજ અને પટણાના કાર્યક્રમો પર સમગ્ર દેશની નજર રહેશે. જ્યારે વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને શરૂ થનાર આ અભિયાન રાજકીય તેમજ સામાજિક રીતે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. હવે જોવાનું રહેશે કે કોંગ્રેસના આ મેગા પ્લાનને વિદ્યાર્થીઓ તરફથી કેટલો પ્રતિસાદ મળે છે અને પેપર લીકના મુદ્દે કેન્દ્ર સરકાર પર કેટલું દબાણ ઊભું થાય છે.