પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સ અને સ્લોવાકિયાના મહત્વપૂર્ણ પ્રવાસે રવાના થયા છે. આગામી કેટલાક દિવસો સુધી તેમનું શિડ્યુઅલ રાજદ્વારી બેઠકો, દ્વિપક્ષીય વાટાઘાટો, આંતરરાષ્ટ્રીય સમિટો અને વિવિધ કાર્યક્રમોથી વ્યસ્ત રહેશે. આ સમગ્ર પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ ભારતના યુરોપિયન દેશો સાથેના આર્થિક, ટેક્નોલોજીકલ અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. સાથે જ વૈશ્વિક સ્તરે ભારતની વધતી ભૂમિકાને વધુ મજબૂત રીતે રજૂ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવશે. પ્રવાસ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે તેઓ ફ્રાન્સ અને સ્લોવાકિયામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ દરમિયાન દ્વિપક્ષીય ચર્ચાઓ, બહુપક્ષીય કાર્યક્રમો અને ભારતીય સમુદાય સાથેની મુલાકાતો પણ યોજાશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતનો ફોકસ આર્થિક તેમજ સાંસ્કૃતિક સંબંધોને નવી ગતિ આપવાનો રહેશે.
પીએમ મોદીના પ્રવાસની શરૂઆત ફ્રાન્સના નીસ શહેરથી થશે. ભારત અને ફ્રાન્સ હાલમાં ‘ભારત-ફ્રાન્સ ઇનોવેશન વર્ષ’ની ઉજવણી કરી રહ્યા છે. તેના ભાગરૂપે ‘ભારત ઇનોવેટ્સ’ નામનો વિશેષ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી મોદી અને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સંયુક્ત રીતે કરશે. આ પ્લેટફોર્મ પર ભારત, ફ્રાન્સ અને અન્ય દેશોના અગ્રણી સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગસાહસિકો, ઇનોવેટર્સ અને વેન્ચર કેપિટલ ફંડ્સ એકત્રિત થશે. ટેક્નોલોજી, નવીનતા અને સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
નીસમાં જ પ્રધાનમંત્રી મોદી અને પ્રમુખ મેક્રોન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે. બંને નેતાઓ ભારત-ફ્રાન્સ સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની સમીક્ષા કરશે. રક્ષા, વેપાર, ટેક્નોલોજી, સ્વચ્છ ઊર્જા, અવકાશ અને વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની સંભાવના છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધો સતત મજબૂત બન્યા છે અને આ મુલાકાત તેને વધુ આગળ વધારશે તેવી અપેક્ષા છે.
ફ્રાન્સના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી મોદી 14થી 16 જૂન દરમિયાન સ્લોવાકિયાની મુલાકાત લેશે. સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકોના આમંત્રણ પર યોજાતો આ પ્રવાસ ઐતિહાસિક ગણાય છે. વર્ષ 1993માં સ્લોવાકિયા સ્વતંત્ર દેશ બન્યા બાદ કોઈપણ ભારતીય વડાપ્રધાન પ્રથમ વખત ત્યાં જઈ રહ્યા છે. તેથી આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક નવા અધ્યાય તરીકે જોવામાં આવી રહી છે.
સ્લોવાકિયામાં પ્રધાનમંત્રી મોદી વડાપ્રધાન રોબર્ટ ફિકો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા કરશે. ઉપરાંત તેઓ દેશના પ્રમુખ પીટર પેલેગ્રીની સાથે પણ મુલાકાત કરશે. ચર્ચા દરમિયાન વેપાર, રોકાણ, ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ, રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક સહયોગ જેવા મુદ્દાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. બંને દેશો વચ્ચે નવા રોકાણ અને વ્યાપારના અવસરો શોધવા માટે પણ પ્રયાસ કરવામાં આવશે.
સ્લોવાકિયાની મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી મોદી ફરી ફ્રાન્સ પરત ફરશે. તેઓ 16 અને 17 જૂન દરમિયાન યોજાનારી G7 સમિટમાં ભાગ લેશે. વિશ્વના અગ્રણી અર્થતંત્રોનો આ સમૂહ વૈશ્વિક રાજકારણ, અર્થવ્યવસ્થા, ઊર્જા સુરક્ષા, કૃત્રિમ બુદ્ધિમત્તા, જળવાયુ પરિવર્તન અને ભૂરાજકીય પડકારો જેવા મુદ્દાઓ પર ચર્ચા કરે છે. આ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી મોદી G7 દેશોના નેતાઓ, આમંત્રિત ભાગીદાર દેશોના વડાઓ અને વિવિધ આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. ભારત વૈશ્વિક દક્ષિણના મહત્વપૂર્ણ અવાજ તરીકે પોતાની ભૂમિકા વધુ મજબૂત રીતે રજૂ કરે તેવી અપેક્ષા છે.
ત્યારબાદ 18 જૂને પ્રધાનમંત્રી મોદી પેરિસ પહોંચશે, જ્યાં તેઓ કેટલીક વધુ દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે. આ ઉપરાંત તેઓ યુરોપની સૌથી મોટી ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ ઇવેન્ટ ગણાતી ‘વિવાટેક’ કોન્ફરન્સમાં પણ હાજરી આપશે. આ મંચ પર વિશ્વભરના ટેક ઉદ્યોગના નેતાઓ, રોકાણકારો અને સ્ટાર્ટઅપ્સ એકત્રિત થાય છે. ભારતના વધતા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ડિજિટલ અર્થતંત્રને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી ફ્રાન્સમાં વસતા ભારતીય સમુદાયના સભ્યોને પણ સંબોધિત કરશે. ભારતીય ડાયસ્પોરા સાથેનો સંપર્ક ભારતની સોફ્ટ પાવર મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કુલ મળીને પીએમ મોદીનો આ પ્રવાસ રાજદ્વારી, આર્થિક, ટેક્નોલોજીકલ અને સાંસ્કૃતિક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, જે યુરોપ સાથે ભારતના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ બની શકે છે.