નેતન્યાહૂ નારાજ હોવાના અહેવાલોથી મધ્યપૂર્વમાં ચર્ચાનો માહોલ
મધ્યપૂર્વમાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવો રાજકીય દાવ રમ્યો છે કે જેના કારણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. અહેવાલો મુજબ, ટ્રમ્પ પ્રશાસને ઈરાન સાથે યુદ્ધ વિરામ અને શાંતિ સમજૂતી માટેની પ્રક્રિયા આગળ વધારતી વખતે ઈઝરાયલને સંપૂર્ણ રીતે વિશ્વાસમાં લીધા વગર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. આ પગલાંને કારણે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને તેમની સરકારમાં અસંતોષ જોવા મળ્યો હોવાનું વિવિધ આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલોમાં જણાવાયું છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક અઠવાડિયાથી યુદ્ધ સમાપ્ત કરવા માટે રાજદ્વારી પ્રયાસો ચાલી રહ્યા હતા. ટ્રમ્પ પ્રશાસનનું મુખ્ય લક્ષ્ય મધ્યપૂર્વમાં વધતા સંઘર્ષને રોકવાનું અને વૈશ્વિક સ્તરે ઊભી થયેલી અનિશ્ચિતતા ઘટાડવાનું હતું. આ દરમિયાન ઈઝરાયલ ઈચ્છતું હતું કે ઈરાન સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવે અને તેના પર સતત દબાણ જાળવી રાખવામાં આવે. જોકે ટ્રમ્પે સંઘર્ષને લાંબો ખેંચવાને બદલે સમજૂતીના માર્ગને વધુ મહત્વ આપ્યું હોવાનું સામે આવ્યું છે.
અહેવાલો અનુસાર, નેતન્યાહૂએ ઈરાનના કેટલાક મહત્વપૂર્ણ માળખાકીય અને વ્યૂહાત્મક લક્ષ્યો પર વધુ મોટા હુમલાની યોજના બનાવી હતી. પરંતુ ટ્રમ્પે સીધી દખલગીરી કરીને આવા હુમલાઓ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પે નેતન્યાહૂને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે હાલ રાજદ્વારી પ્રયાસોને તક આપવી જરૂરી છે અને કોઈપણ મોટું સૈન્ય પગલું શાંતિ વાટાઘાટોને નુકસાન પહોંચાડી શકે છે.
આ ઘટના ક્રમ બાદ ઈઝરાયલમાં રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે.આ સાથે જ કેટલાક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે નેતન્યાહૂને લાગ્યું કે અમેરિકાએ ઈઝરાયલના સુરક્ષા હિતોને પૂરતું મહત્વ આપ્યું નથી. ખાસ કરીને જ્યારે ઈરાનને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહ્યા હતા ત્યારે ઈઝરાયલની સલાહ અને ચિંતાઓને મર્યાદિત મહત્વ આપવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. જો કે અમેરિકી મીડિયા અહેવાલો મુજબ ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે આ મુદ્દે અનેક વખત ફોન પર વાતચીત થઈ હતી. એક તબક્કે ટ્રમ્પે નેતન્યાહૂને ચેતવણી આપી હતી કે જો ઈઝરાયલ ફરીથી મોટા પાયે હુમલાઓ શરૂ કરશે તો તેને આંતરરાષ્ટ્રીય સ્તરે એકલા પડવાનો ખતરો ઉભો થઈ શકે છે. આ નિવેદન બાદ બંને દેશો વચ્ચેના સંબંધોને લઈને ચર્ચા શરૂ થઈ હતી.
બીજી તરફ નેતન્યાહૂએ જાહેરમાં ખૂબ સાવચેતીપૂર્વક પ્રતિક્રિયા આપી હતી. તેમણે સીધો અમેરિકાનો વિરોધ કર્યો નહોતો, પરંતુ ઈઝરાયલ પોતાની સુરક્ષા માટે સ્વતંત્ર રીતે નિર્ણય લેવા સક્ષમ છે અને જરૂર પડશે તો યોગ્ય પગલાં લેશે તેવો સંકેત આપ્યો હતો. ઈઝરાયલી નેતાઓએ પણ ભારપૂર્વક કહ્યું હતું કે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને ક્ષેપણાસ્ત્ર ક્ષમતાઓ અંગેની તેમની ચિંતાઓ યથાવત છે. રાજકીય નિષ્ણાતો માને છે કે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે મતભેદ હોવા છતાં બંને દેશો વચ્ચેનો વ્યૂહાત્મક સંબંધ તૂટે તેવી શક્યતા ઓછી છે. અમેરિકા અને ઈઝરાયલ લાંબા સમયથી નજીકના સહયોગી રહ્યા છે. જોકે ઈરાન મુદ્દે અપનાવવામાં આવેલી વ્યૂહરચના અંગે બંને નેતાઓની પ્રાથમિકતાઓ અલગ દેખાઈ રહી છે. ટ્રમ્પ જ્યાં યુદ્ધ સમાપ્ત કરીને રાજદ્વારી ઉકેલ ઈચ્છે છે, ત્યાં ઈઝરાયલ ઈરાનની સૈન્ય ક્ષમતાઓને વધુ કમજોર કરવાની તરફેણમાં હોવાનું માનવામાં આવે છે.
આ સમગ્ર ઘટનાક્રમે મધ્યપૂર્વના રાજકારણમાં નવી અનિશ્ચિતતા ઊભી કરી છે. ટ્રમ્પના આ નિર્ણયથી ઈરાન સાથે સમજૂતીની સંભાવનાઓ વધી હોવાનું કહેવામાં આવે છે, પરંતુ સાથે સાથે ઈઝરાયલમાં અસંતોષ પણ વધ્યો છે. આગામી દિવસોમાં અમેરિકા, ઈરાન અને ઈઝરાયલ વચ્ચેની રાજદ્વારી અને સુરક્ષા સંબંધિત ચર્ચાઓ પર સમગ્ર વિશ્વની નજર રહેશે. જો શાંતિ સમજૂતી સફળ થાય છે તો મધ્યપૂર્વમાં તણાવ ઘટાડવામાં મોટી સફળતા મળી શકે છે, પરંતુ જો મતભેદો વધુ ઊંડા બનશે તો ફરી એકવાર સંઘર્ષની શક્યતાઓને નકારી શકાય નહીં.