વાડી પોલીસમાં નોંધાયેલા ગુનામાં એલસીબી ઝોન-3 સ્કોર્ડની કાર્યવાહી, સેલવાસની પ્લાસ્ટિક ફેક્ટરીમાંથી વોન્ટેડ આરોપીની ધરપકડ
વડોદરા તા.11
વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2007માં નોંધાયેલા રૂ.1.63 કરોડની બેંક છેતરપિંડીના ગુનામાં છેલ્લા 19 વર્ષથી ફરાર રહેલા આરોપી અતુલ રસીકલાલ તન્નાને એલસીબી ઝોન-3 ની ટીમે સેલવાસમાંથી ઝડપી પાડી કાયદાની ઝપટમાં લીધો છે. આરોપી ને આગળની કાર્યવાહી માટે વાડી પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાયો છે.
વડોદરા શહેર પોલીસ દ્વારા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે દરમિયાન ઝોન-3 નાસતા ફરતા સ્કોર્ડને બાતમી મળી હતી કે વાડી પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપી અતુલ રસીકલાલ તન્ના સેલવાસ ખાતે આવેલી એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં અવારનવાર આવતો-જતો હતો.
માહિતીના આધારે પોલીસ ટીમે સેલવાસમાં વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેને વધુ કાર્યવાહી માટે વાડી પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો હતો.
પોલીસ તપાસ મુજબ અતુલ તન્ના અને તેના સાગરિતોએ સહકારી બેંકમાંથી વધુ ધિરાણ મેળવવા માટે ખોટી હકીકતો રજૂ કરી હતી. નિયમો અને પ્રક્રિયાનો ભંગ કરીને જરૂરી દસ્તાવેજો વગર બેંકમાંથી મંજૂર મર્યાદા કરતાં વધુ લોન મેળવવામાં આવી હતી. જેના કારણે બેંકને રૂ.1.63 કરોડનું મોટું આર્થિક નુકસાન થયું હતું.
આ મામલે આરોપી સામે સીઆરપીસી કલમ 70 હેઠળ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું.
ઝડપાયેલા આરોપી અતુલ રસીકલાલ તન્ના (ઉંમર 63) મૂળ મુંબઈના બોરીવલી પશ્ચિમ વિસ્તારનો રહેવાસી છે અને વેપાર સાથે સંકળાયેલ હોવાનું બહાર આવ્યું છે. હવે પોલીસ તેની વધુ પૂછપરછ કરી અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ અને આર્થિક વ્યવહારો અંગે તપાસ આગળ ધપાવી રહી છે.