Vadodara

સયાજી હોસ્પિટલના ICUમાં સેન્ટ્રલાઈઝ્ડ AC ઠપ, ‘ગુજરાતમિત્ર’ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, કામચલાઉ 5 આઉટર એસી લગાવાયા

ટ્રોમા સેન્ટરમાં હજુ પણ 6 AC બંધ હાલતમાં હોવાથી દર્દીઓ અકળાયા, કલેક્ટરે તાકીદની બેઠક બોલાવી આપ્યા કડક આદેશો

(પ્રતિનિધિ), વડોદરા. તા.11

વડોદરા :- સયાજી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં એસી બંધ હોવાની સ્થિતિને ‘ગુજરાતમિત્ર’ અખબારે વાચા આપી હતી. આ અહેવાલના પગલે સત્તાધીશોને દોડતા થવાની ફરજ પડી હતી. દર્દીઓ ગરમીમાં શેકાઈ રહ્યા હોવાની બૂમો ઉઠતાં જ તંત્રએ વચગાળાનો રસ્તો કાઢ્યો છે. જાહેર ભવ્ય કાર્યક્રમોમાં વપરાતા હોય તેવા ૫ મોટા આઉટર એસી યુનિટ લાવીને તાત્કાલિક ધોરણે આઈસીયુ અને એમઆઈસીયુ વોર્ડમાં લગાવી દેવામાં આવ્યા છે, જેના કારણે ગંભીર દર્દીઓને ગરમીથી થોડી રાહત ચોક્કસ મળી છે.

વૈકલ્પિક વ્યવસ્થા વચ્ચે પણ તંત્રની અધૂરી કામગીરી છતી થઈ છે. હોસ્પિટલના તાત્કાલિક વિભાગના ટ્રોમા સેન્ટરમાં હજુ પણ ૬ જેટલા એસી બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે. અકસ્માત કે અન્ય કટોકટીની સ્થિતિમાં લોહીલુહાણ હાલતમાં આવતા દર્દીઓને આ સેન્ટરમાં સારવાર દરમિયાન અસહ્ય ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને તંત્ર સામે હજુ પણ રોષ યથાવત છે.

આ અહેવાલ વાયરલ થતાં જ આજે સવારે હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રંજન ઐયર સ્વયં તાત્કાલિક સારવાર બિલ્ડિંગની મુલાકાતે દોડી ગયા હતા. તેમણે બંધ એસી અને નવી વૈકલ્પિક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. એસી કેમ બંધ પડ્યા છે અને ક્યારે રિપેર થશે તે અંગે તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ મેઈન્ટેનન્સની કામગીરી PIU વિભાગની છે અને તેઓને જ આ અંગે જરૂરી સવાલો પૂછવા જોઈએ.

આ સમગ્ર મામલો વડોદરા જિલ્લા કલેક્ટરના દરબારમાં પહોંચતા જ તેઓ પણ દોડતા થયા હતા. કલેક્ટરે તાકીદે સંબંધિત સરકારી વિભાગો અને હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. કલેક્ટરે દર્દીઓની સુવિધામાં કોઈપણ પ્રકારની આળસ સહન નહીં કરવામાં આવે તેવી કડક ચેતવણી આપીને, બંધ પડેલા તમામ એસી તાત્કાલિક ધોરણે રિપેર કરવા અથવા નવી કાયમી વ્યવસ્થા ઊભી કરવા કડક આદેશો આપ્યા હતા.

Most Popular

To Top