Business

સોનામાં 5000 અને ચાંદીમાં 13,000નો કડાકો, રોકાણકારો ચોંક્યા, ક્રૂડ ઓઇલ 93 ડોલર પાર

દેશના બુલિયન બજારમાં આજે સોનું અને ચાંદી બંનેમાં ભારે ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવ તૂટતા તેની સીધી અસર સ્થાનિક બજારો પર જોવા મળી હતી. ખાસ કરીને અમદાવાદ અને મુંબઈના ઝવેરી બજારમાં સોનાના ભાવમાં મોટો કડાકો બોલતા વેપારીઓ અને રોકાણકારો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બજારના જાણકારોના જણાવ્યા મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થવા ઉપરાંત આયાત ખર્ચમાં પણ ઘટાડો નોંધાયો છે. તાજેતરમાં સરકારે કિંમતી ધાતુઓ પર આયાત શુલ્ક વધાર્યા પહેલાં જે સ્તરે ભાવ હતા, તે સ્તરની નજીક બજાર ફરી પહોંચી રહ્યું હોવાનું વેપારીઓ માની રહ્યા છે. અમદાવાદ બજારમાં આજે 10 ગ્રામ સોનાના ભાવમાં રૂ. 5,000નો ઘટાડો નોંધાયો હતો. 99.5 શુદ્ધતાવાળા સોનાનો ભાવ રૂ. 1,51,700 રહ્યો હતો, જ્યારે 99.9 શુદ્ધતાવાળા સોનાનો ભાવ રૂ. 1,52,000 સુધી નીચે આવ્યો હતો. ચાંદીમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી. અમદાવાદમાં ચાંદીના ભાવ પ્રતિ કિલો રૂ. 8,000 ઘટીને રૂ. 2,35,000 પર પહોંચ્યા હતા. બીજી તરફ મુંબઈ બજારમાં ચાંદીમાં વધુ મોટો ઘટાડો નોંધાયો હતો અને ભાવ રૂ. 13,000 તૂટીને પ્રતિ કિલો રૂ. 2,33,283 રહ્યા હતા.

વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ઔંસદીઠ 4,343 ડોલરના સ્તરેથી ઘટીને 4,152 ડોલર સુધી પહોંચ્યા હતા. બજારમાં ફંડો દ્વારા વધતી વેચવાલી આ ઘટાડાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. ચાંદીના આંતરરાષ્ટ્રીય ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો અને ભાવ 68 ડોલરથી વધુના સ્તરેથી ઘટીને 63 ડોલરની આસપાસ પહોંચ્યા હતા. જ્યાં એક તરફ કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો, ત્યાં બીજી તરફ ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી તેજી જોવા મળી હતી. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં ચિંતા વધી છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ વધીને પ્રતિ બેરલ 93.47 ડોલર સુધી પહોંચ્યો હતો, જ્યારે અમેરિકન WTI ક્રૂડનો ભાવ 90 ડોલરથી ઉપર રહ્યો હતો. બજાર નિષ્ણાતોનું માનવું છે કે મધ્ય પૂર્વમાં વધતી અનિશ્ચિતતા અને પુરવઠા સંબંધિત ચિંતાઓના કારણે ક્રૂડના ભાવને ટેકો મળી રહ્યો છે.

અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટના આંકડા મુજબ અમેરિકામાં ક્રૂડ ઓઇલના જથ્થામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા બે મહિનામાં લગભગ 44 મિલિયન બેરલનો ઘટાડો થયો હોવાનું જણાવાયું છે, જેના કારણે પણ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સુએઝ કેનાલ ઓથોરિટીએ 15 જુલાઈથી જહાજો માટેની ટ્રાન્ઝિટ ફીમાં વધારો કરવાનો નિર્ણય લીધો હોવાનું પણ સામે આવ્યું છે. આ નિર્ણય વૈશ્વિક વેપાર અને શિપિંગ ખર્ચ પર અસર કરી શકે છે. કિંમતી ધાતુઓમાં પ્લેટિનમ અને પેલેડિયમના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં પ્લેટિનમ 1,670 ડોલર આસપાસ અને પેલેડિયમ 1,225 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું. કોપરના ભાવમાં પણ 1 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.

Most Popular

To Top