Dabhoi

બેદરકારી બની જીવલેણ: નાળાના કામસ્થળે ચેતવણીના બોર્ડના અભાવે બાઇક ચાલકનું મોત

ડભોઈ-વાઘોડિયા માર્ગ પર લોખંડની પ્લેટો અને એંગલ સાથે અથડાતા યુવાને ગુમાવ્યો જીવ

કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે સવાલો, ડભોઈ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

ગુજરાત મિત્ર ન્યૂઝ
ડભોઈ, તા. 10
ડભોઈ-વાઘોડિયા માર્ગ પર તરસાના અને વસઈ ગામ વચ્ચે ચાલી રહેલી નાળાની કામગીરી દરમિયાન પૂરતી સાવચેતીના અભાવે વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. માર્ગ પર પડેલી લોખંડની પ્લેટો, એંગલ અને અન્ય સામગ્રી અંગે કોઈ ચેતવણી બોર્ડ કે સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે મોટરસાયકલ ચાલકનો અકસ્માત સર્જાતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, વાઘોડિયા તાલુકાના અંટોલી ગામે રહેતા સંજયભાઈ પ્રભાતભાઈ વસાવા (ઉ.વ. 40) પોતાની GJ-16-AN-1937 નંબરની હોન્ડા શાઇન મોટરસાયકલ લઈને ડભોઈ આવ્યા હતા. રાત્રિના સમયે તેઓ પોતાના ગામ અંટોલી પરત ફરી રહ્યા હતા. તરસાના ગામનું પાટિયું પસાર કર્યા બાદ બામણીયા નાળા નજીક પહોંચતા માર્ગ પર ચાલી રહેલી નાળાની કામગીરીને કારણે પડેલી લોખંડની પ્લેટો અને અન્ય સામગ્રી સાથે તેમની બાઇક અથડાઈ હતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, નાળાનું કામ છેલ્લા કેટલાક સમયથી ચાલુ હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ ચેતવણી બોર્ડ, રિફ્લેક્ટર કે સુરક્ષા સૂચક નિશાનીઓ મૂકવામાં આવી નહોતી. રાત્રિના અંધકારમાં સંજયભાઈએ વાહન પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અથડામણમાં તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ભારે રક્તસ્ત્રાવ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસ્માતની જાણ થતાં આસપાસના ગામોના લોકો અને વાહનચાલકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ડભોઈ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

આ ઘટનાને પગલે માર્ગ નિર્માણ અને નાળાની કામગીરી દરમિયાન સલામતીના ધોરણોના પાલન અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોમાં પણ કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે. ડભોઈ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર: સઈદ મનસુરી, ડભોઈ

Most Popular

To Top