દર્દી અને સગાં મુકાયા મુશ્કેલીમાં
ઇમરજન્સી સાધનોની જાળવણીના અભાવે દર્દીઓના જીવન સાથે સીધો ખિલવાડ
(પ્રતિનિધિ), વડોદરા. તા.૨૭
શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી અને કરોડો રૂપિયાના સરકારી અનુદાનથી ધમધમતી ગોત્રી GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ફરી એકવાર પોતાની નિષ્ક્રિય વહીવટી વ્યવસ્થાને લઈને વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે. દર્દીઓને જીવનદાન આપવાના દાવા કરતી આ સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષા જ રામભરોસે ચાલી રહી હોવાનો વધુ એક ઘટસ્ફોટ થયો છે. હોસ્પિટલના અણઘડ વહીવટના કારણે તાજેતરમાં બનેલી એક ઘટનાએ સમગ્ર તંત્રની પોલ ખોલી નાખી છે, જેમાં દર્દીને લઈ જતું સ્ટ્રેચર અચાનક ચાલુ વપરાશ દરમિયાન જ તૂટી પડ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગોત્રી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ એક દર્દીને એક વિભાગમાંથી તપાસ કે અન્ય વોર્ડમાં લઈ જવામાં આવી રહ્યા હતા. તબીબી સ્ટાફ દ્વારા દર્દીને સ્ટ્રેચર પર સૂવડાવીને હેરફેર કરવામાં આવી રહી હતી, તે જ સમયે અચાનક સ્ટ્રેચરનું વ્હીલ નીકળી ગયું હતું. ચાલુ માર્ગે જ સ્ટ્રેચર બેસી જતાં દર્દી ધ્રુજી ઊઠ્યા અને સંતુલન ગુમાવી બેઠા. સ્થળ પર હાજર સગાંસંબંધીઓએ તાત્કાલિક દોડી આવીને દર્દીને પકડી લીધા, જેથી મોટો અકસ્માત ટળી ગયો. આ નજારાને જોઈને હોસ્પિટલના અન્ય દર્દીઓ અને તેમના પરિજનો પણ હચમચી ગયા હતા.

આ ઘટના બાદ હોસ્પિટલ પરિસરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નાગરિકો અને દર્દીઓના સગાંઓ તંત્રની સામે પ્રશ્નોનો મારો ચલાવી રહ્યા છે. આ બનાવથી સ્પષ્ટ થાય છે કે હોસ્પિટલના સત્તાધીશો માત્ર એસી ચેમ્બરમાં બેસીને વહીવટ ચલાવવામાં રસ ધરાવે છે, પરંતુ પાયાની સગવડો જેવી કે સ્ટ્રેચર, વ્હીલચેર કે અન્ય ઇમરજન્સી સાધનોના નિયમિત જાળવણી પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે.

લાખો-કરોડો રૂપિયાનું બજેટ ધરાવતી આ હોસ્પિટલમાં સાધન-સામગ્રીની સમયસર મરામત કે બદલાવ કેમ કરવામાં આવતો નથી ? સરકારી હોસ્પિટલોમાં ખરીદાતા સાધનોની ગુણવત્તા સામે પણ અગાઉ અનેક સવાલો ઉઠ્યા છે, જે આ ઘટનાથી ફરી સાચા સાબિત થયા છે.
ગોત્રી હોસ્પિટલ તંત્રની આ પ્રકારની ઘોર બેદરકારી દર્દીઓના જીવ સાથે સીધો ખિલવાડ સમાન છે. જો ઇમરજન્સીમાં જ સાધનો દગો દેતા હોય, તો દર્દીઓને સમયસર સારવાર કેવી રીતે મળશે ? તે એક મોટો પ્રશ્ન છે. જાગૃત નાગરિકો અને લોકમાગ દ્વારા આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસની અને હોસ્પિટલના તમામ વિભાગોમાં રહેલા સાધન-સામગ્રીનું તાત્કાલિક ઓડિટ અને નિરીક્ષણ કરાવવાની ઉગ્ર માંગ ઉઠી છે. જો સમયસર કડક પગલાં નહીં ભરાય, તો આગામી દિવસોમાં આ બેદરકારી કોઈ નિર્દોષના ભોગ લેશે તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે.