National

ફાસ્ટ-ટ્રેક કોર્ટથી લઈને 10 વર્ષની સજા સુધી, પેપર લીક બિલ પર સંસદમાં ભારે હોબાળો, લોકસભા આવતીકાલ સુધી સ્થગિત

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સોમવારે પેપર લીકના મુદ્દે ભારે રાજકીય ઘમાસાણ જોવા મળ્યું હતું. કેન્દ્ર સરકારે લોકસભામાં ‘જાહેર પરીક્ષા (અયોગ્ય માધ્યમો નિવારણ) સુધારા વિધેયક, 2026’ રજૂ કર્યું, પરંતુ બિલ રજૂ થતાં જ વિપક્ષના ભારે હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી ખોરવાઈ ગઈ. દિવસભર સરકાર અને વિપક્ષ વચ્ચે ટકરાવ ચાલ્યા બાદ લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી માટે સ્થગિત કરવામાં આવી હતી. સરકાર દ્વારા રજૂ કરાયેલા નવા બિલનો મુખ્ય હેતુ પેપર લીક જેવા ગંભીર ગુનાઓ પર કડક નિયંત્રણ લાવવાનો છે. બિલમાં પેપર લીકના કેસોની ઝડપી તપાસ અને ઝડપી સુનાવણી માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. સરકારનું માનવું છે કે આ સુધારા બાદ ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ વધુ સુરક્ષિત અને પારદર્શક બની શકશે.

બિલ મુજબ પેપર લીકમાં સંડોવાયેલા વ્યક્તિઓ માટે સજાની જોગવાઈ વધુ કડક બનાવવામાં આવી છે. અત્યાર સુધી પાંચ વર્ષની જેલની જોગવાઈ હતી, જેને વધારીને હવે મહત્તમ 10 વર્ષ સુધી કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. દંડની રકમ પણ 10 લાખથી વધારીને 50 લાખ સુધી કરવાની જોગવાઈ છે. સંગઠિત રીતે પેપર લીક જેવા ગુનાઓ કરનારાઓ સામે પણ વધુ કડક કાર્યવાહીનો પ્રસ્તાવ છે. આવા કેસોમાં ઓછામાં ઓછી સાત વર્ષની જેલ અને ઓછામાં ઓછા ₹10 કરોડના દંડની જોગવાઈ કરવામાં આવી છે. સરકારનું માનવું છે કે સંગઠિત ગેંગ સામે આ કડક સજાઓ અસરકારક સાબિત થશે.

બિલમાં ખાસ ટાસ્ક ફોર્સની રચનાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ ટાસ્ક ફોર્સ પેપર લીક અને અન્ય ગેરરીતિઓના કેસોની તપાસ કરશે અને બે મહિનાની અંદર તપાસ પૂર્ણ કરવાની સમયમર્યાદા રાખવામાં આવી છે. આ ઉપરાંત, આવા કેસોની ઝડપથી સુનાવણી થાય તે માટે ખાસ ફાસ્ટ-ટ્રેક કોર્ટની પણ જોગવાઈ કરવામાં આવી છે. ચાર્જશીટ દાખલ થયા બાદ ત્રણ મહિનાની અંદર ટ્રાયલ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. બીજી તરફ, વિપક્ષે વિદ્યાર્થીઓ પર થયેલા કથિત લાઠીચાર્જ, પેલેટ ગનના ઉપયોગ અને વિવિધ રાજ્યોમાં થયેલી ધરપકડનો મુદ્દો ઉઠાવી સરકારને ઘેરી હતી. લોકસભા અને રાજ્યસભા બંનેમાં વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર કર્યા અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો.

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષને ચર્ચામાં ભાગ લેવા અપીલ કરતાં જણાવ્યું કે સરકાર બિલ પર વિગતવાર ચર્ચા કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ બતાવવાને બદલે ગૃહમાં ચર્ચા થવી જોઈએ. સ્પીકરે પણ બંને પક્ષોને સર્વસંમતિ બનાવવા માટે સાંજે 5 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો, જોકે દિવસ દરમિયાન કોઈ સહમતિ બની શકી નહોતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર સરકારની ટીકા કરતાં આરોપ લગાવ્યો કે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે વિવિધ રાજ્યોમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે સરકાર પર વિદ્યાર્થીઓને આપેલા આશ્વાસનોનું પાલન ન કરવાનો આરોપ મૂક્યો અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ વિદ્યાર્થીઓ સામે થયેલી કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે જો વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હોય તો તેમની સામે કડક કાર્યવાહી શા માટે કરવામાં આવી રહી છે. તેમણે વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ પ્રશ્નો ઉઠાવ્યા. કોંગ્રેસના નેતા પવન ખેરાએ પણ વિદ્યાર્થીઓ પર થયેલા કથિત બળપ્રયોગ માટે સરકાર પાસે માફીની માંગ કરી હતી અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ આ મુદ્દે ચર્ચાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓ સામે થયેલી કાર્યવાહી અત્યંત ગંભીર છે અને તેના પર સંસદમાં વિસ્તૃત ચર્ચા થવી જોઈએ. આ દરમિયાન, શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ પહેલીવાર સંસદ પહોંચેલા પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું NDAના સાંસદોએ મકર દ્વાર પર પાઘડી પહેરાવી સ્વાગત કર્યું અને તેમને સંસદ ભવન સુધી લઈ ગયા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હવે મંગળવારે યોજાનારી લોકસભાની આવતીકાલની બેઠકમાં શું કાર્યવાહી થશે એ જોવાનું રહ્યું. પેપર લીક બિલ પર ચર્ચા અને મતદાન થવાની શક્યતા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ આ ચર્ચામાં ભાગ લે તેવી સંભાવના છે. આગામી દિવસોમાં આ બિલ પર સરકાર અને વિપક્ષ વચ્ચે વધુ ઉગ્ર ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top