દીકરાને મોટું કષ્ટ આવવાનું છે દાગીના આપશો તો લક્ષ્મીજીના દર્શન થશે કહી ગઠીયાઓએ પીપળેશ્વર મહાદેવ મંદિર બહાર રૂ.70 હજારના દાગીના પડાવ્યા
મહિલાને આંખો બંધ કરી આગળ ચાલવા કહ્યું અને ગઠીયા દાગીના લઈ બાઈક પર ફરાર થઈ ગયા
વડોદરા તા.26
વડોદરામાં ફરી એકવાર અંધશ્રદ્ધાના નામે ઠગાઈની ચોંકાવનારી ઘટના પ્રકાશમાઆવી છે. રાજમહેલ રોડ પર લાલકોર્ટ પાસે આવેલા પીપળેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા ગયેલી 75 વર્ષીય મહિલાને બે ઠગોએ દીકરાને મોટું સંકટ છે અને લક્ષ્મીજીના દર્શન થશે, જેવી વાતોમાં ફસાવી પળવારમાં રૂ.70 હજારના સોનાના દાગીના પડાવી લીધા હતા. મહિલાને આંખો બંધ કરીને આગળ ચાલવા કહી બંને ઠગ બાઈક પર ફરાર થઈ ગયા હતા.
વડોદરાના રાજમહેલ રોડ વિસ્તારમાં આવેલા તાડ ફળિયામાં રહેતા ધર્મિષ્ઠાબેન નવીનચંદ્ર પટેલે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ રવિવારે સવારે આશરે 8:30થી 9 વાગ્યાની વચ્ચે લાલકોર્ટ પાસે આવેલા પીપળેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા. મંદિર બહાર બે અજાણ્યા શખ્સ તેમની પાસે આવ્યા હતા અને વાતો કરવા લાગ્યા હતા.
એક ઠગે મહિલાને જણાવ્યું કે તેમના દીકરાને મોટું સંકટ આવવાનું છે અને હાથમાં પહેરેલું સોનું લક્ષ્મીનું સ્વરૂપ હોવાથી તે થોડા સમય માટે તેમને આપશે તો લક્ષ્મીજીના આશીર્વાદ મળશે. ધાર્મિક વાતોમાં વિશ્વાસ મૂકી મહિલાએ હાથમાં પહેરેલી બે સોનાની બંગડીઓ અને ડાબા હાથની સોનાની વીંટી ઉતારી ઠગને આપી દીધી હતી. ત્યારબાદ ઠગે મહિલાને આંખો બંધ કરીને 50 ડગલાં આગળ ચાલવા કહ્યું હતું. થોડે આગળ ગયા બાદ મહિલાને શંકા જતાં પાછળ ફરીને જોયું તો બંને ઠગ એક બાઈક પર સવાર થઈ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઠગો મહિલાના આશરે 24 ગ્રામ વજનના સોનાના દાગીના કિંમત અંદાજે રૂ.70 હજાર થાય છે લઈને નાસી છૂટ્યા હતા.
પોલીસે અજાણ્યા બંને ઠગો સામે છેતરપિંડીનો ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ અને શોધખોળ શરૂ કરી છે.