નેપાળમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા અંગે મોટો વિવાદ ઊભો થયો છે. ત્રણ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થાઓ – એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ, હ્યુમન રાઇટ્સ વોચ અને ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યુરિસ્ટ્સ (ICJ) – એ સંયુક્ત નિવેદન જાહેર કરીને સરકાર પર સુપ્રીમ કોર્ટમાં દખલગીરી કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. સંસ્થાઓનું કહેવું છે કે સરકાર સુપ્રીમ કોર્ટના ત્રણ વરિષ્ઠ ન્યાયાધીશો પર રાજીનામું આપવા દબાણ કરી રહી છે. જો તેઓ રાજીનામું નહીં આપે તો તેમની સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવાની તૈયારી ચાલી રહી હોવાનું પણ જણાવાયું છે.
આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના મતે આ સમગ્ર પ્રક્રિયાનો હેતુ સુપ્રીમ કોર્ટની રચનામાં ફેરફાર કરવાનો છે, જેથી સરકાર માટે મહત્વના બંધારણીય અને રાજકીય કેસોમાં અનુકૂળ સ્થિતિ ઉભી થઈ શકે. તેમણે ચેતવણી આપી છે કે જો ન્યાયાધીશો પર રાજકીય દબાણ વધશે તો નેપાળની ન્યાયપાલિકાની સ્વતંત્રતા અને વિશ્વસનીયતા પર ગંભીર અસર પડી શકે છે. સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન એવા અનેક નિર્ણયો અને પગલાં લેવામાં આવ્યા છે, જેનાથી અદાલતોની સ્વતંત્રતા પર પ્રશ્નો ઊભા થયા છે. ખાસ કરીને સરકાર દ્વારા લેવામાં આવેલા કેટલાક નિર્ણયો બંધારણીય કેસોની સુનાવણીને પ્રભાવિત કરી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત મુખ્ય ન્યાયાધીશની નિમણૂકથી થઈ હોવાનું માનવામાં આવે છે. મનોજ કુમાર શર્માને નેપાળના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની નિમણૂક સમયે તેઓ વરિષ્ઠતા ક્રમમાં ચોથા નંબરે હતા. તેમનાથી સિનિયર ત્રણ ન્યાયાધીશો, જસ્ટિસ સપના પ્રધાન મલ્લા, કુમાર રેગ્મી અને હરિ ફુયાલ – હોવા છતાં તેમને અવગણીને મનોજ શર્માની નિમણૂક કરવામાં આવી હતી. નેપાળમાં લાંબા સમયથી એવી પરંપરા રહી છે કે સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશને મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવે છે. આ વખતે આ પરંપરા તૂટતાં ન્યાયતંત્ર અને કાનૂની વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ હતી. માનવાધિકાર સંસ્થાઓનું કહેવું છે કે આ નિર્ણયથી ન્યાયતંત્રની નિષ્પક્ષતા અંગે લોકોમાં શંકા ઊભી થઈ છે.
માત્ર નિમણૂક જ નહીં પરંતુ મનોજ કુમાર શર્મા સામે આવેલી ફરિયાદોને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સંસદીય સુનાવણી સમિતિને તેમની સામે કુલ 16 ફરિયાદો મળી હતી. જોકે આ ફરિયાદોની વિગતો જાહેર કરવામાં આવી નહોતી અને તેની ખુલ્લી તથા નિષ્પક્ષ તપાસ પણ કરવામાં આવી ન હોવાનું સંસ્થાઓનું કહેવું છે. તેમના મતે ન્યાયપાલિકાની પારદર્શિતા જાળવવા માટે આવી ફરિયાદોની યોગ્ય રીતે તપાસ થવી જરૂરી હતી. સંયુક્ત નિવેદનમાં વધુ એક ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે મુખ્ય ન્યાયાધીશ બન્યા બાદ મનોજ શર્માથી સિનિયર રહેલા ત્રણેય ન્યાયાધીશો પર હવે રાજીનામું આપવા દબાણ કરવામાં આવી રહ્યું છે. સંસ્થાઓનો દાવો છે કે અત્યાર સુધી આ ત્રણેય ન્યાયાધીશો સામે કોઈ એવો જાહેર પુરાવો કે ગંભીર આરોપ સામે આવ્યો નથી, જેના આધારે તેમની સામે મહાભિયોગ જેવી કાર્યવાહી યોગ્ય ગણાય.
માનવાધિકાર સંસ્થાઓએ નેપાળના બંધારણનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે કોઈ પણ ન્યાયાધીશ સામે મહાભિયોગની પ્રક્રિયા શરૂ થતાં જ તેને તરત સસ્પેન્ડ કરવામાં આવે છે. જો એકસાથે ત્રણ વરિષ્ઠ ન્યાયાધીશોને સસ્પેન્ડ કરવામાં આવશે તો સુપ્રીમ કોર્ટની કામગીરી પર સીધી અસર પડશે. હાલ સુપ્રીમ કોર્ટ સરકારના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો અને બંધારણીય મુદ્દાઓની સુનાવણી કરી રહી છે. આવી સ્થિતિમાં ન્યાયાધીશોની સંખ્યા ઘટવાથી કેસોની સુનાવણી પણ પ્રભાવિત થઈ શકે છે. સંસ્થાઓએ સ્પષ્ટ કહ્યું છે કે જો મહાભિયોગની જોગવાઈનો ઉપયોગ રાજકીય હેતુઓ માટે કરવામાં આવશે તો તે ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ નબળો પાડશે. તેમના મતે સરકાર જો અદાલતની રચનામાં ફેરફાર કરીને પેન્ડિંગ કેસોના પરિણામોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે તો તે લોકશાહી માટે ચિંતાજનક સ્થિતિ બની શકે છે.
આ વિવાદ વચ્ચે મનોજ કુમાર શર્માએ મે 2026માં મુખ્ય ન્યાયાધીશ તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સમારોહમાં તેમને શપથ લેવડાવ્યા હતા. તેમની નિમણૂક બાદથી જ કાનૂની નિષ્ણાતો અને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ હતી, જે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ સરકારના અન્ય એક નિર્ણય પર પણ વાંધો ઉઠાવ્યો છે. મે 2026માં સરકારે બંધારણીય પરિષદ અધિનિયમમાં વટહુકમ દ્વારા ફેરફાર કર્યો હતો. આ બંધારણીય પરિષદ મુખ્ય ન્યાયાધીશ, ચૂંટણી પંચ, માનવાધિકાર પંચ અને અન્ય મહત્વપૂર્ણ બંધારણીય સંસ્થાઓના વડાઓની નિમણૂક માટે ભલામણ કરતી સંસ્થા છે.
પહેલાં પરિષદની બેઠક માટે વધુ સભ્યોની હાજરી અને વ્યાપક સહમતી જરૂરી હતી. પરંતુ સુધારા બાદ ઓછા સભ્યોની હાજરીમાં પણ બેઠક યોજી શકાય છે અને હાજર સભ્યોની સામાન્ય બહુમતીથી મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકાય છે. માનવાધિકાર સંસ્થાઓનું કહેવું છે કે આ ફેરફારથી નિમણૂક પ્રક્રિયામાં સંતુલન અને પારદર્શિતા ઘટી શકે છે.
સંસ્થાઓએ સરકારને અપીલ કરી છે કે ન્યાયતંત્રની સ્વતંત્રતાનું સંપૂર્ણ સન્માન કરવામાં આવે અને ન્યાયાધીશો સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી માત્ર બંધારણીય અને કાનૂની આધાર પર જ કરવામાં આવે. તેમણે એ પણ કહ્યું છે કે લોકશાહી વ્યવસ્થામાં ન્યાયપાલિકાની સ્વતંત્રતા સૌથી મહત્વપૂર્ણ આધારસ્તંભ છે અને તેમાં કોઈપણ પ્રકારની રાજકીય દખલગીરી લાંબા ગાળે દેશની બંધારણીય વ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે છે. આ સમગ્ર મામલે નેપાળમાં રાજકીય અને કાનૂની ચર્ચાઓ વધુ તેજ બની છે. હવે સૌની નજર સરકારના આગામી પગલાં, સુપ્રીમ કોર્ટની કામગીરી અને આ આંતરરાષ્ટ્રીય ચિંતાઓ પર સરકાર શું જવાબ આપે છે તેના પર ટકેલી છે.