બોલિવુડની સુપરહિટ થ્રિલર ફ્રેન્ચાઈઝી ‘કહાની’ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ચર્ચા છે કે ‘કહાની 3’માં હવે વિદ્યા બાલનની જગ્યાએ અભિનેત્રી યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સાથે ફિલ્મના દિગ્દર્શક તરીકે સુજોય ઘોષ ફરી એકવાર વાપસી કરશે. અહેવાલો મુજબ, ‘કહાની 3’ની વાર્તા અગાઉની બંને ફિલ્મોથી સંપૂર્ણપણે અલગ હશે. ફિલ્મમાં નવી સ્ટોરી અને નવા પાત્રો જોવા મળશે. જોકે, ‘કહાની’ ફ્રેન્ચાઈઝીની ઓળખ બનેલું રહસ્ય, સસ્પેન્સ અને થ્રિલરનો માહોલ યથાવત રાખવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, યામી ગૌતમનું પાત્ર અનેક નવા ટ્વિસ્ટથી ભરપૂર હશે. ફિલ્મની વાર્તા અગાઉની ફિલ્મો સાથે સીધો સંબંધ નહીં ધરાવે, પરંતુ દર્શકોને એક નવો અને રોમાંચક અનુભવ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. હાલ ફિલ્મ પ્રી-પ્રોડક્શન તબક્કામાં છે. નિર્માતાઓ અને દિગ્દર્શક શૂટિંગનું સમયપત્રક નક્કી કરવામાં વ્યસ્ત છે. ટૂંક સમયમાં ફિલ્મના અન્ય કલાકારો અને શૂટિંગ અંગે પણ સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
‘કહાની’ (2012) અને ‘કહાની 2’માં વિદ્યા બાલને પોતાના દમદાર અભિનયથી ફ્રેન્ચાઈઝીને અલગ ઓળખ અપાવી હતી. હવે ત્રીજા ભાગમાં યામી ગૌતમને મુખ્ય ભૂમિકામાં પસંદ કરવામાં આવતા ચાહકોમાં પણ ઉત્સુકતા વધી છે. યામી ગૌતમ છેલ્લે 2026માં આવેલી ‘ધુરંધર: ધ રિવેન્જ’માં કેમિયો રોલમાં જોવા મળી હતી. તે પહેલાં 2025ની કોર્ટરૂમ ડ્રામા ‘હક’માં પણ તેમના અભિનયને પ્રશંસા મળી હતી. હવે ‘કહાની 3’માં તેઓ સસ્પેન્સ થ્રિલર શૈલીમાં શું નવું લઈને આવે છે, તેના પર સૌની નજર રહેશે.