National

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પાછળ મોટો ખુલાસો,  CJPને આપનામાં આવી હતી આ પણ ઓફર !

કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. હવે સૂત્રોના હવાલાથી મોટો ખુલાસો સામે આવ્યો છે. માહિતી મુજબ સરકારના પ્રતિનિધિ જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહે કોકરોચ જનતા પાર્ટી સાથેની ચર્ચા દરમિયાન ધર્મેન્દ્ર પ્રધાનનું મંત્રાલય બદલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે CJPએ આ પ્રસ્તાવને સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો અને માત્ર રાજીનામાની જ માગ પર અડગ રહી હતી. જંતર-મંતર પર યુવાનો દ્વારા લાંબા સમય સુધી ચાલેલા વિરોધ પ્રદર્શન બાદ સરકારે અંતે આ માગ સ્વીકારી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પેપર લીક વિવાદ વચ્ચે સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)માં મોટા સુધારા કર્યા છે. 47 અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે અને એન્ટી પેપર લીક બિલ જેવા કડક પગલાં પણ લેવામાં આવ્યા છે. રાજકીય વિશ્લેષકોના મતે આ તમામ નિર્ણયો યુવાનોના વ્યાપક જનઆક્રોશ અને સતત વિરોધ બાદ લેવામાં આવ્યા છે.

મંત્રાલય બદલવાનો પ્રસ્તાવ CJPએ નકારી કાઢ્યો

સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર તરફથી CJPને ધર્મેન્દ્ર પ્રધાનને અન્ય મંત્રાલય સોંપવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો, પરંતુ CJPએ સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ માત્ર શિક્ષણ મંત્રીના રાજીનામાથી જ સંતોષ માનશે. આ કારણે ચર્ચા દરમિયાન મંત્રાલયમાં ફેરફારનો પ્રસ્તાવ આગળ વધી શક્યો નહોતો.

રાજીનામા બાદ ધર્મેન્દ્ર પ્રધાનની આગામી ભૂમિકા ચર્ચામાં

શિક્ષણ મંત્રી પદ છોડ્યા બાદ હવે ધર્મેન્દ્ર પ્રધાનની આગામી રાજકીય જવાબદારી અંગે ચર્ચા તેજ બની છે. ઓડિશાના વરિષ્ઠ નેતા ધર્મેન્દ્ર પ્રધાનને ભાજપના પ્રભાવશાળી વ્યૂહરચનાકાર તરીકે ઓળખવામાં આવે છે. તેમણે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પ્રભારી તરીકે ભાજપને સતત ત્રીજી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં પણ સંગઠનને મજબૂત બનાવવામાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે.

સરકારનું કહેવું છે કે કોઈ પણ મંત્રીનું ખાતું બદલવું કે તેમને પદ પરથી હટાવવું એ સંપૂર્ણપણે વડાપ્રધાનનો વિશેષાધિકાર છે. તેમ છતાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું કેન્દ્ર સરકાર અને ભાજપના રાજકીય ઇતિહાસની મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવી રહ્યું છે.

રાજીનામા બાદ સંસદમાં આપ્યું પ્રથમ નિવેદન

રાજીનામા બાદ સોમવારે ધર્મેન્દ્ર પ્રધાન જ્યારે સંસદ પહોંચ્યા ત્યારે NDAના સાંસદોએ સ્મિત સાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન કોંગ્રેસના નેતા જયરામ રમેશે તેમની મુલાકાત લઈને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. જવાબમાં ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે તેઓ રસ્તા પર સંઘર્ષ કરીને આગળ વધેલા નેતા છે, એસી રૂમમાં બેસીને રાજકારણ કરનારા કાર્યકર નથી. તેમના આ નિવેદનની રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા થઈ રહી છે.

સાંસદો વચ્ચે એવી પણ ચર્ચા જોવા મળી કે કોઈ સીધા આરોપ વગર માત્ર નૈતિક જવાબદારીના આધારે રાજીનામું આપનારા મંત્રીઓના ઉદાહરણો બહુ ઓછા જોવા મળે છે. ધર્મેન્દ્ર પ્રધાનની પ્રતિક્રિયા પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ આગામી સમયમાં સંગઠનમાં નવી જવાબદારીઓ નિભાવવા માટે તૈયાર છે.

Most Popular

To Top