World

કેનેડામાં અમેરિકી કોન્સ્યુલેટ પર ફરી ફાયરિંગ, 4 મહિનામાં બીજી ઘટના

કેનેડાના ટોરોન્ટો શહેરમાં આવેલા અમેરિકી કોન્સ્યુલેટ પર સોમવારે વહેલી સવારે ફરી ગોળીબારની ઘટના બની હતી. છેલ્લા 4 મહિનામાં આ બીજી વખત છે જ્યારે આ જ કોન્સ્યુલેટને નિશાન બનાવવામાં આવ્યું છે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કોન્સ્યુલેટની ઈમારતને સામાન્ય નુકસાન થયું છે. હુમલા બાદ આરોપીઓ કારમાં ફરાર થઈ ગયા હતા, જેના કારણે પોલીસે પીછો કર્યો હતો. હાલ ટોરોન્ટો પોલીસ, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ અને અન્ય એજન્સીઓ સંયુક્ત તપાસ કરી રહી છે.

ફાયરિંગ બાદ કારનો પીછો, પરંતુ સુરક્ષાના કારણે રોકાયો ચેઝ

પોલીસના જણાવ્યા અનુસાર સવારે અંદાજે 4:45 વાગ્યે કોન્સ્યુલેટ નજીક પેટ્રોલિંગ કરી રહેલા એક પોલીસ અધિકારીએ ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. ત્યારબાદ નંબર પ્લેટ વગરની સફેદ હોન્ડા અકોર્ડ કાર સ્થળ પરથી ઝડપભેર ભાગતી જોવા મળી હતી. પોલીસે ડોન વેલી પાર્કવે સુધી કારનો પીછો કર્યો હતો, પરંતુ કારની ઝડપ 140 કિમી પ્રતિ કલાકથી વધુ થતાં અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચેઝ બંધ કરી દેવામાં આવ્યો હતો. તે સમયે હવાઈ દેખરેખ માટે પોલીસને હેલિકોપ્ટરની પણ સુવિધા ઉપલબ્ધ નહોતી.

ઈમારતને નુકસાન, ઘટનાસ્થળેથી કારતૂસ મળ્યું

તપાસ દરમિયાન પોલીસે કોન્સ્યુલેટ નજીકથી એક કારતૂસનો ખોખું જપ્ત કર્યુ હતુ. સાથે જ ઈમારતના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હોવાનું પણ સામે આવ્યું છે. અમેરિકી દૂતાવાસના પ્રવક્તાએ ઘટનાના પગલે ટોરોન્ટો પોલીસની ઝડપી કાર્યવાહી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.  હુમલા પાછળનું કારણ શું હતું અને કારમાં કેટલા લોકો સવાર હતા તે અંગે હજુ તપાસ ચાલી રહી છે.

મેયર અને RCMPનું કડક વલણ

ટોરોન્ટોની મેયર ઓલિવિયા ચોએ જણાવ્યું કે તેમણે કેનેડાના જાહેર સુરક્ષા મંત્રી ગેરી આનંદસંગરી સાથે શહેરમાં ગન હિંસા રોકવા અને ગેરકાયદે હથિયારોના પ્રવેશને અટકાવવા અંગે ચર્ચા કરી છે. મેયરે આ હુમલાને “નિર્ભીક અને ગંભીર હુમલો” ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે કોન્સ્યુલેટની બહાર પોલીસની ગાડી ઉભી હોવા છતાં હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે હુમલાખોરોને ચેતવણી આપતા કહ્યું કે “અમે તમને શોધી કાઢીશું.” RCMPએ પણ પુષ્ટિ કરી છે કે તે ટોરોન્ટો પોલીસ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે મળીને તપાસમાં સહયોગ આપી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે કેનેડામાં કોઈપણ પ્રકારની હિંસક ઘટનાને અત્યંત ગંભીરતાથી લેવામાં આવે છે.

4 મહિનામાં બીજી વખત નિશાન બન્યું કોન્સ્યુલેટ

આ પહેલા 10 માર્ચે પણ આ જ અમેરિકી કોન્સ્યુલેટ પર ગોળીબાર થયો હતો. તે ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ નહોતી. શરૂઆતમાં તેને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી ઘટના માનવામાં આવી હતી, પરંતુ બાદમાં સ્થાનિક ગન ક્રાઇમની મોટી તપાસ દરમિયાન 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

હાલની ઘટનાના પગલે ફોરેન્સિક ટીમોએ સ્થળની તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી યુનિવર્સિટી એવન્યુ માર્ગને થોડા સમય માટે બંધ રાખ્યો હતો. તપાસ પૂર્ણ થયા બાદ રસ્તો ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

Most Popular

To Top