અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીને અમેરિકાના અત્યાધુનિક F-35 સ્ટેલ્થ ફાઇટર જેટ વેચવાના સંભવિત નિર્ણયને લઈને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની આપત્તિને સ્પષ્ટ શબ્દોમાં ફગાવી દીધી છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા કયા દેશને શસ્ત્રો વેચશે તેનો નિર્ણય માત્ર વોશિંગ્ટન કરશે, કોઈ વિદેશી નેતા નહીં. તેમણે તુર્કીને “શાનદાર સહયોગી” ગણાવતા જણાવ્યું કે F-35 વેચાણનો પ્રસ્તાવ હજુ પણ અમેરિકી સરકારના વિચારાધીન છે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે નેતન્યાહૂ સોમવારે વોશિંગ્ટન પહોંચ્યા હતા. ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે મધ્ય-પૂર્વની સુરક્ષા, ઇરાન અને સંરક્ષણ સહયોગ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.
‘અમેરિકા શું વેચશે તે કોઈ નક્કી નહીં કરે‘
એર ફોર્સ વનમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે અમેરિકાના સંરક્ષણ સોદાઓ અંગેનો નિર્ણય કોઈ અન્ય દેશના દબાણ હેઠળ લેવામાં આવશે નહીં. ટ્રમ્પે કહ્યું કે, “અમારે શું વેચવું જોઈએ તે મને કોઈ કહી શકતું નથી. તુર્કી મારા માટે એક શાનદાર સહયોગી રહ્યું છે.” તેમના નિવેદનથી સ્પષ્ટ સંકેત મળ્યો છે કે અમેરિકી પ્રશાસન તુર્કીને F-35 વેચાણ અંગે સકારાત્મક અભિગમ અપનાવી શકે છે.
નેતન્યાહૂએ સુરક્ષા અંગે વ્યક્ત કરી ચિંતા
તાજેતરમાં CNNને આપેલા ઇન્ટરવ્યૂમાં નેતન્યાહૂએ જણાવ્યું હતું કે તેમણે વ્યક્તિગત રીતે ટ્રમ્પને તુર્કીને F-35 વેચાણ મંજૂર ન કરવાની અપીલ કરી હતી. તેમના મતે અમેરિકાના સૌથી આધુનિક લડાકુ વિમાન તુર્કીને આપવાથી મધ્ય-પૂર્વમાં વ્યૂહાત્મક શક્તિનું સંતુલન બગડી શકે છે. તેમણે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયિપ એર્દોગાન પર પણ આકરા પ્રહારો કરતા કહ્યું કે તુર્કીની વર્તમાન સરકાર ઇઝરાયલ અને અમેરિકા બંને પ્રત્યે વિરોધી વલણ ધરાવે છે. નેતન્યાહૂએ દાવો કર્યો કે એર્દોગાન ઇઝરાયલને ધમકી આપે છે અને આવા સંજોગોમાં F-35 વેચાણથી પ્રાદેશિક સુરક્ષા પર ગંભીર અસર પડી શકે છે.
S-400 વિવાદ છતાં ટ્રમ્પે બદલ્યા સંકેતો
ટ્રમ્પે તાજેતરમાં જણાવ્યું હતું કે તેમનું પ્રશાસન ટૂંક સમયમાં નક્કી કરશે કે તુર્કીને F-35 ખરીદવાની મંજૂરી આપવી કે નહીં. અગાઉ તુર્કીએ રશિયાની S-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદતાં અમેરિકા દ્વારા તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેને F-35 કાર્યક્રમમાંથી બહાર કરવામાં આવ્યું હતું. હવે ટ્રમ્પે જાહેરાત કરી છે કે S-400 ખરીદીના કારણે લગાવાયેલા પ્રતિબંધો હટાવવામાં આવશે. તેમણે કહ્યું કે હાલમાં અમેરિકા અને તુર્કી વચ્ચેના સંબંધોમાં સુધારો થયો છે અને ઘણા લોકો માને છે કે તુર્કીને ફરી F-35 કાર્યક્રમમાં સામેલ કરવું જોઈએ.
તુર્કીને સોદો થવાની આશા
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયિપ એર્દોગાને પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે અમેરિકા સાથે F-35 ખરીદીનો કરાર હવે નજીક છે. તેમણે કહ્યું કે તુર્કી પોતાના સ્વદેશી KAAN ફાઇટર એરક્રાફ્ટ માટે અમેરિકન એન્જિન મેળવવાની પણ આશા રાખે છે, જે બંને દેશો વચ્ચેના સંરક્ષણ સહયોગનો મહત્વપૂર્ણ ભાગ બની શકે છે.
જોકે આ સંભવિત સોદા પર હજુ પણ અમેરિકા, તુર્કી અને ઇઝરાયલ વચ્ચે ચર્ચા ચાલુ છે. પ્રાદેશિક સુરક્ષા, નાટોનું સંતુલન અને મધ્ય-પૂર્વની ભૂરાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને અંતિમ નિર્ણય લેવામાં આવશે.