ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે નદીઓ, નાળાઓ અને ધોધોમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. આવા જોખમી સંજોગોમાં સોશિયલ મીડિયા પર લોકપ્રિય બનવા માટે જીવ જોખમમાં મૂકીને રીલ બનાવનારા છ યુવકો સામે ડાંગ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ખાપરી નદીમાં દેશી બોટ જેવા સાધનનો ઉપયોગ કરીને રિવર રાફ્ટિંગનો સ્ટંટ કરનાર અને તેનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરનાર તમામ યુવકોને પોલીસે ડિટેન કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
વાયરલ રીલથી ખુલ્યો સમગ્ર મામલો
પોલીસને મળેલી માહિતી અનુસાર, 26 જુલાઈના રોજ આહવા તાલુકાના દેવીનામાળ વિસ્તારમાં આવેલા વડદહાડ પુલ નજીક ખાપરી નદીમાં કેટલાક યુવકો પૂરનાં ધસમસતા પાણી વચ્ચે રાફ્ટિંગનો જોખમી સ્ટંટ કરી રહ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો હતો.થોડા જ સમયમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો અને લોકોમાં પણ તેની ચર્ચા શરૂ થઈ.વાયરલ વીડિયો પોલીસના ધ્યાન પર આવતા સમગ્ર મામલે ગંભીરતા દાખવી તપાસ શરૂ કરવામાં આવી.
ભારે વરસાદ વચ્ચે પહેલેથી જ લાગુ હતો પ્રતિબંધ
ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે અનેક નદીઓ અને ધોધોમાં પાણીનો પ્રવાહ અત્યંત જોખમી બન્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ડાંગ-આહવા દ્વારા જાહેરનામું બહાર પાડી નદી, તળાવ, ચેકડેમ, ધોધ અને અન્ય જળાશયોમાં પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જાહેરનામાનો મુખ્ય હેતુ લોકોને અકસ્માતોથી બચાવવાનો અને જીવહાનિ અટકાવવાનો હતો. છતાં કેટલાક યુવકોએ આ જાહેરનામાની અવગણના કરીને જોખમી સ્ટંટ કર્યો હતો.
SOGની ટીમે શોધી કાઢ્યા તમામ યુવકો
ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ SOGના પીએસઆઈ એમ. જી. શેખ અને તેમની ટીમે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન વીડિયોમાં દેખાતા તમામ યુવકોની ઓળખ કરવામાં આવી અને ત્યારબાદ તેઓને ડિટેન કરવામાં આવ્યા.
આ છે ડિટેન કરાયેલા યુવકોના નામ
પોલીસે નીચેના છ યુવકોને ડિટેન કરીને તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે:
કૌશિકભાઈ જાદવ (રહે. આહવા)
બાલકૃષ્ણભાઈ દેશમુખ (રહે. આહવા)
તેજસભાઈ ગાયકવાડ (રહે. આહવા)
દિલીપભાઈ દેસાઈ (રહે. આહવા)
તુષારભાઈ ચૌધરી (રહે. આહવા)
મનિષભાઈ તુંબડા (રહે. આહવા)
પોલીસે તમામની પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
રીલ માટે જીવ જોખમમાં મૂકવો બની શકે જીવલેણ
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર વધુ વ્યૂઝ અને ફોલોઅર્સ મેળવવા માટે લોકો જોખમી સ્ટંટ કરી રહ્યા છે, જે માત્ર તેમની પોતાની જિંદગી જ નહીં પરંતુ બચાવ કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓના જીવનને પણ તેઓ જોખમમાં મૂકે છે.પૂરગ્રસ્ત નદીમાં પાણીનો પ્રવાહ ક્યારે વધુ તીવ્ર બની જાય તે કહી શકાય નહીં. આવી સ્થિતિમાં નાની બેદરકારી પણ જીવલેણ સાબિત થઈ શકે છે.
જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી
ડાંગ પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ચોમાસા દરમિયાન નદી, નાળા, ધોધ અથવા ચેકડેમમાં ઉતરીને રીલ બનાવવી, સ્ટંટ કરવો અથવા કોઈપણ પ્રકારની જોખમી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર લોકપ્રિય બનવા માટે પોતાનો જીવ જોખમમાં ન મૂકવાની અપીલ કરી છે.
આ કલમો હેઠળ થઈ શકે છે કાર્યવાહી
પોલીસના જણાવ્યા અનુસાર આવા કિસ્સાઓમાં નીચે મુજબની કાનૂની જોગવાઈઓ લાગુ થઈ શકે છે:
ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 223 – જાહેરનામાનો ભંગ.
BNS કલમ 125 – જોખમી અથવા બેદરકારીભર્યું વર્તન.
BNS કલમ 290 – જાહેર સુરક્ષાને જોખમમાં મૂકે તેવી હરકત.
ગુજરાત પોલીસ એક્ટની કલમ 131 અને 135 – પોલીસના આદેશનો ભંગ અને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ.
જરૂરી સંજોગોમાં માહિતી પ્રૌદ્યોગિકી (IT) સંબંધિત જોગવાઈઓ હેઠળ પણ કાર્યવાહી થઈ શકે છે, ખાસ કરીને સોશિયલ મીડિયા પર જોખમી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાના મામલામાં.
પોલીસની જાહેર અપીલ
ડાંગ પોલીસે તમામ નાગરિકોને અપીલ કરી છે કે ભારે વરસાદ દરમિયાન નદી, ધોધ, ચેકડેમ અથવા અન્ય જળાશયોની નજીક ન જાય. સોશિયલ મીડિયા માટે જોખમી વીડિયો કે રીલ બનાવવાના બદલે પોતાની અને પરિવારની સુરક્ષાને પ્રાથમિકતા આપે. પોલીસે જણાવ્યું છે કે ચોમાસા દરમિયાન જાહેરનામાનું પાલન કરવું દરેક નાગરિકની જવાબદારી છે. નિયમોનો ભંગ કરનાર સામે કોઈપણ પ્રકારની ઢીલ રાખવામાં આવશે નહીં અને ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.