Vadodara

1 ઓગસ્ટથી તત્કાલ ટિકિટ બુકિંગનો નિયમ બદલાશે, જાણો નવા નિયમો….

પશ્ચિમ મધ્ય રેલવેએ 1 ઓગસ્ટથી તત્કાલ ટિકિટ બુકિંગની પ્રક્રિયા સરળ બનાવવા ટોકન ટાઇમિંગમાં ફેરફાર કર્યો :

( પ્રતિનિધિ )વડોદરા,તા.28

પશ્ચિમ મધ્ય રેલવે એ તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયાને સરળ અને ભીડમુક્ત બનાવવા માટે 1 ઓગસ્ટથી ટોકન ટાઇમિંગમાં ફેરફાર કરવાની સાથે બે પ્રાથમિકતા શ્રેણી લાગુ કરવાની જાહેરાત કરી છે. આ નવા સિસ્ટમથી મુસાફરોને રેલવે રિઝર્વેશન કાઉન્ટર પર વારંવાર જવાની જરૂરિયાત સમાપ્ત થઈ જશે.

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, તત્કાલ બુકિંગની સાથે જ ટોકનનું વિતરણ નિશ્ચિત સમયે કરવામાં આવશે જેથી મુસાફરોની સુવિધામાં વધારો થાય. નવી ટાઇમિંગ મુજબ, AC ક્લાસ માટે ટોકન સવારે 8:30 થી 9 વાગ્યા સુધી અને નોન-AC ક્લાસ માટે ટોકન સવારે 9 થી 9:30 વાગ્યા સુધી આપવામાં આવશે. હાલમાં AC કોચ માટે તત્કાલ ટોકન સવારે 9 થી 9:25 વાગ્યાની વચ્ચે અને સ્લીપર ક્લાસ માટે 9:30 થી 9:55 વાગ્યાની વચ્ચે મળતા હતા. નવા નિયમો અનુસાર, દરેક રિઝર્વેશન કાઉન્ટર પર AC ક્લાસ માટે 10 અને નોન-AC ક્લાસ માટે 15 ટોકન ઇશ્યૂ કરવામાં આવશે. સ્થાનિક જરૂરિયાત અને ભીડને ધ્યાનમાં રાખીને ટોકનની સંખ્યા ઘટાડી કે વધારી શકાય છે. તમામ ટોકનધારકોની બુકિંગ પૂર્ણ થયા બાદ બચેલી તત્કાલ સીટો અન્ય મુસાફરોને પહેલા આવો, પહેલા પાઓના ધોરણે આપવામાં આવશે. ઝોનલ રેલવેએ તત્કાલ ટોકન વિતરણ માટે A અને B એમ બે પ્રાથમિકતા શ્રેણી શરૂ કરી છે. શ્રેણી Aમાં પોતાના કે પોતાના પરિવારના સભ્યો માટે ટિકિટ બુક કરનારા મુસાફરોને પ્રાથમિકતા મળશે. શ્રેણી Bમાં બાકીના તમામ મુસાફરોનો સમાવેશ થાય છે, જેમને શ્રેણી Aની તમામ બુકિંગ પૂર્ણ થયા પછી જ ટિકિટ બુક કરવાનો મોકો મળશે. શ્રેણી A હેઠળ ટિકિટ બુક કરાવનારા મુસાફરોએ પોતાનું વેલિડ ફોટો ID કાર્ડ અને સંબંધ સાબિત કરતો પરિવારના સભ્યનો માન્ય ઓળખપત્ર સાથે રાખવો ફરજિયાત રહેશે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે જારી કરાયેલ ટોકન અન્ય વ્યક્તિને આપી શકાશે નહીં. ટિકિટ ફક્ત એ જ વ્યક્તિને જારી કરવામાં આવશે જેના નામે ટોકન જારી કરાયું છે. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ નિર્ધારિત સમયે રિઝર્વેશન સેન્ટર પહોંચે અને પોતાની સાથે માન્ય ફોટો ઓળખપત્ર રાખે.

Most Popular

To Top