Editorial

આ વર્ષે અમરનાથનું લિંગ કેમ ઝડપથી પીગળી ગયું?

પહલગામ આતંકવાદી હુમલાના એક વર્ષથી વધુ સમય પછી, આ વર્ષની અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પવિત્ર ગુફામાં સ્થિત કુદરતી બરફના શિવલિંગ, જે બાબા બર્ફાની તરીકે પણ ઓળખાય છે, તેના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. પરંતુ યાત્રા શરૂ થયાના થોડા જ દિવસોમાં, આશરે ૫૭ દિવસની યાત્રાની શરૂઆતમાં જ બરફનું શિવલિંગ ૯૦% થી વધુ પીગળી ગયું છે અને લગભગ અદ્રશ્ય થઈ ગયું છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે. નિષ્ણાતોના મતે, આ ઘટના પાછળ હિમાલયનું ઝડપથી બદલાતું વાતાવરણ અને માનવ પ્રવૃત્તિઓ જવાબદાર છે.

અમરનાથ ગુફા ૩,૮૮૮ મીટર(૧૨,૭૫૬ ફૂટ)ની ઊંચાઈ પર આવેલી છે. વૈજ્ઞાનિકો અને ગ્લેશિયોલોજિસ્ટ્સ વારંવાર ચેતવણી આપી રહ્યા છે કે હિમાલયન પર્વતમાળા વૈશ્વિક સરેરાશ કરતાં વધુ ઝડપથી ગરમ થઈ રહી છે. ગરમીના દિવસો વધવા અને વરસાદની પદ્ધતિમાં ફેરફાર થવાને કારણે સ્થાનિક તાપમાનમાં વધારો થયો છે. ડૉ. એકલવ્ય શર્મા, જેઓ ATREEના ધ હિમાલયન ઈનિશિયેટિવના સ્ટ્રેટેજિક એડવાઈઝર અને ૨૦૨૪ના પદ્મશ્રી વિજેતા છે, તેઓ કહે છે કે આ વર્ષે અમરનાથ શિવલિંગનું અત્યંત ઝડપથી પીગળવું એ હિમાલયના કાયરોસ્ફિયરની સંવેદનશીલતા તરફ ધ્યાન દોરે છે.

હિમાલય વૈશ્વિક સરેરાશ કરતાં વધુ ઝડપે ગરમ થઈ રહ્યો છે કારણ કે વધુ ઊંચાઈ પર તાપમાન ઝડપથી વધે છે, જેને ‘એલિવેશન-ડિપેન્ડન્ટ વોર્મિંગ’  કહેવાય છે. વર્ષ ૨૦૦૦થી ૨૦૨૨ વચ્ચે હિમાલયમાં બરફ અને ગ્લેશિયરનું પ્રમાણ ૨૩% થી વધુ ઘટ્યું છે. પ્રોફેસર બી. ડબલ્યુ. પાંડે જેઓ દિલ્હી યુનિવર્સિટીના સેન્ટર ફોર હિમાલયન સ્ટડીઝના ડિરેક્ટર છે તેઓ કહે છે કે અગાઉ શિવલિંગને પીગળવામાં એકાદ મહિનો લાગતો હતો, પરંતુ આ વખતે તે માત્ર ૧૫ દિવસ જેવા ટૂંકા સમયમાં લગભગ અદ્રશ્ય થઈ ગયું છે.

હિમાલયમાં હવે સ્નો લાઈન ૫૦૦ મીટરથી વધુ પાછળ ધકેલાઈ ગઈ છે, અને ૩,૮૮૮ મીટરની ઊંચાઈએ જોવા મળતી ઠંડા હવામાનની વનસ્પતિ અને પ્રાણીઓ હવે ૪,૫૦૦ મીટરથી વધુ ઊંચાઈએ ખસી રહ્યા છે.  સ્થાનિક વાતાવરણમાં આવતો આ ફેરફાર વૈશ્વિક વાતાવરણીય ઘટનાઓ સાથે પણ જોડાયેલો છે. પ્રોફેસર બી. ડબલ્યુ. પાંડે જણાવે છે કે ઉનાળા દરમિયાન એટલાન્ટિક મહાસાગરમાંથી આવતું હીટવેવ ભૂમધ્ય સમુદ્ર અને યુરોપ થઈને ઉત્તર-પશ્ચિમ હિમાલય સુધી પહોંચે છે. ગ્લોબલ વોર્મિંગની સાથે આ હીટવેવના કારણે શિવલિંગ વહેલું પીગળી રહ્યું છે. ગુફાની અંદરનું તાપમાન ઠંડું રાખવા માટે કુદરતી સંતુલન જરૂરી છે, પરંતુ માનવ સક્રિયતા આ માઇક્રો-ક્લાઇમેટને નુકસાન પહોંચાડે છે.

ગુફામાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓની વધેલી સંખ્યા પણ આના માટે જવાબદાર જણાય છે. શરૂઆતના માત્ર ચાર દિવસોમાં ૯૩,૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. હજારો લોકોના શરીરની ગરમી, શ્વાસોચ્છવાસ અને ભેજ ગુફાની અંદરનું તાપમાન વધારે છે અને પરિણામે બરફનું લિંગ વધુ ઝડપથી પીગળે છે.  પ્રોફેસર સરમિષ્ઠા પટનાઈક(IIT બોમ્બે)ના જણાવ્યા અનુસાર, આ સમસ્યા માત્ર વાતાવરણ પૂરતી મર્યાદિત નથી. જંગલોનો વિનાશ, કૃત્રિમ લાઇટિંગ અને હજારો લોકોની અવરજવરથી સ્થાનિક ઇકોસિસ્ટમ પર ભારે દબાણ આવે છે.

યાત્રાને સરળ અને સુરક્ષિત બનાવવા માટે કરવામાં આવેલા માળખાકીય ફેરફારો પણ આડકતરી રીતે ગરમી વધારે છે. ગુફા સુધી જવા માટે છેલ્લા કેટલાક સમયમાં માળખાકીય સુવિધાઓ વધારવામાં આવી છે. રસ્તાઓ બનાવવા માટે ભારે મશીનરીનો ઉપયોગ, ગુફાના નજીકના વિસ્તારમાં વાહનોની વધેલી અવરજવર વગેરે પણ સ્થાનિક ગરમીના પ્રમાણમાં વધારો કરે છે. જનરેટર, સોલાર લાઇટિંગ અને ગુફાની નજીક લંગર અથવા સામૂહિક રસોડાની સુવિધાઓ પણ અહીં ગરમીના પ્રમાણમાં વધારો કરે છે.

આ તમામ સાધનો અને સુવિધાઓ સ્થાનિક તાપમાનમાં વધારો કરે છે, જેના કારણે ગુફાનું કુદરતી થર્મલ ઇન્સ્યુલેશન ખોરવાય છે અને શિવલિંગ ઝડપથી પીગળી જાય છે. ઘણા યાત્રાળુઓ તો આ વાસ્તવિકતાઓ સમજતા નથી અને જાત જાતના તર્ક કરે છે. હાલમાં એવા પણ અહેવાલ બહાર આવ્યા છે કે અમરનાથ ગુફાનું લિંગ પીગળ્યા પછી નજીકના કોઇ ગામમાં કોઇના રેફ્રિજરેટરના ડીપ ફ્રીઝરમાં લિંગના આકારનો બરફનો ગઠ્ઠો જામ્યો, એવી વાત ફેલાઇ કે ફેલાવવામાં આવી કે અમરનાથનું લિંગ આ ફ્રીઝરમાં આવી ગયું છે! અને કેટલાક મૂર્ખ લોકો તો દર્શન કરવા પણ પહોંચી ગયા!

લોકોની નાસમજ સમસ્યાઓને વધુ વકરાવે છે. ફક્ત અમરનાથ ગુફાના વિસ્તારમાં જ નહીં પરંતુ હિમાલય પર્વતમાળાના અનેક વિસ્તારોમાં પર્યાવરણીય સમતુલા ભયંકર રીતે બગડી રહી છે અને તેના માઠા પરિણામો દેખાવા પણ માંડ્યા છે. વધેલા પર્યટન અને માનવ પ્રવૃતિઓને કારણે પર્યાવરણીય સમતુલાને વ્યાપક અસર પહોંચી રહી છે અને આ પર્વતમાળાના આગવા પર્યાવરણના રક્ષણ માટે સરકારે પગલા ભરવા જ પડશે. અહીંની ખોરવાયેલી પર્યાવરણીય સમતુલાની અસર દેશના અન્ય ભાગો પર પણ એક યા બીજી રીતે પડી શકે છે.

Most Popular

To Top