શ્રાવણ મહિનો એટલે આસ્થા, આધ્યાત્મિકતા અને પવિત્રતાનો પવિત્ર સમય. આ દિવસોમાં શ્રદ્ધાળુઓ મહાદેવની પૂજા-અર્ચના કરે છે અને ઉપવાસ રાખે છે. પરંતુ આ જ સમયે ચોમાસાની ઋતુ પણ બરાબર જામી હોય છે. વરસાદી હવામાનમાં ભેજ અને વાયરસના કારણે શરદી, ઉધરસ, તાવ તેમજ પાચનને લગતી વિવિધ બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. આ સંજોગોમાં પૂજા-પાઠની સાથે પોતાની તંદુરસ્તી જાળવવી ખૂબ જરૂરી બની જાય છે. જો તમે પણ આ શ્રાવણમાં એકદમ ફિટ અને એનર્જેટિક રહેવા માંગો છો, તો દિનચર્યામાં કેટલાક સરળ ફેરફારો કરીને સ્વસ્થ રહી શકો છો.
શ્રાવણ માસમાં નિરોગી રહેવા માટે અપનાવો આ 7 ટેવો
- શરીરને હાઇડ્રેટેડ રાખો- ચોમાસામાં ઠંડક હોવાના કારણે ઘણીવાર તરસ ઓછી લાગે છે, પણ શરીરને પૂરતા પાણીની જરૂર હંમેશા હોય છે. તેથી દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું જરૂરી છે. તાજા ફળોનો રસ, નારિયેળ પાણી અથવા લીંબુ શરબત પીવાથી શરીરમાં જરૂરી પોષક તત્વો મળી રહે છે અને ડિહાઇડ્રેશન થતું નથી.
- સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવો- જો તમે શ્રાવણમાં ઉપવાસ કે એકટાણાં કરતા હોવ તો ખોરાકનું ખાસ ધ્યાન રાખવું. તળેલી વસ્તુઓ ખાવાને બદલે તાજા ફળો, સુકો મેવો, દૂધ અને દહીંનો આહારમાં સમાવેશ કરવો. આ ખોરાક શરીરને દિવસભર તાકાત આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
- નિયમિત યોગ અને કસરત કરો- ચોમાસાના વાતાવરણમાં આળસ છોડીને હળવી કસરત કરવી જોઈએ. ઘરમાં જ રહીને યોગ, પ્રાણાથમ કે હળવું વૉકિંગ કરવાથી મન શાંત રહે છે અને શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે.
- ઘર અને આસપાસ સ્વચ્છતા રાખો- વરસાદના પાણી ભરાવાથી મચ્છર અને બેક્ટેરિયા ઝડપથી ફેલે છે. તેથી ઘરની આસપાસ સફાઈ રાખવી ખૂબ જરૂરી છે. બહારથી આવ્યા પછી હાથ-પગ બરાબર ધોવા અને સ્વચ્છ કપડાં પહેરવાની ટેવ રાખવી.
- ઇમ્યુનિટી વધારતા ખોરાકનો ઉપયોગ- મોસમી બીમારીઓથી બચવા માટે રસોડામાં રહેલા ઔષધીય મસાલા જેવા કે આદુ, હળદર, લસણ અને મરીનો ઉપયોગ રસોઈમાં કે ઉકાળામાં કરવો. આ વસ્તુઓ શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે.
- સવારના કુમળા તડકાનો લાભ લો- ચોમાસામાં વાદળછાયા વાતાવરણને કારણે સૂર્યપ્રકાશ ઓછો મળે છે. જ્યારે પણ સવારે તડકો નીકળે ત્યારે થોડો સમય તડકામાં બેસવું. તેનાથી શરીરને જરૂરી વિટામિન D મળે છે, જે હાડકાં માટે ખૂબ ફાયદાકારક છે.
- માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો- શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ માનસિક સ્વાસ્થ્ય પણ મહત્વનું છે. દરરોજ થોડો સમય ધ્યાન અને મેડિટેશન કરવાથી માનસિક શાંતિ મળે છે, એકાગ્રતા વધે છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે.
આ સિવાય ચોમાસામાં બહારનું ખુલ્લું કે વાસી ખાવાનું ખાવાનું ટાળવું જોઈએ અને નવશેકું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. પૂજા-પાઠની સાથે આ નાની-નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો આખો શ્રાવણ મહિનો ઉત્સાહ અને તંદુરસ્તી સાથે વીતી શકે છે.