
વલસાડ શહેરની પેરીફરીના ભાગડાવડા, હનુમાન ભાગડા, વશિયરની જેમ નનકવાડા શહેરનું એક અભિન્ન અંગ બન્યું છે. શહેર સાથે ગામડાની અનુભૂતિ કરાવતું એવા વાંકી નદીના કિનારે આવેલા નનકવાડા ગામનો વિકાસ છેલ્લા 3 દાયકાથી થયો છે. શહેરના અનેક લોકો આ ગામમાં આવીને વસ્યા છે. અહીં મોટી મોટી સોસાયટીઓ એપાર્ટમેન્ટ સાથે ખેતરો પણ છે. નનકવાડા ગામમાં જિલ્લાની સિવિલ હોસ્પિટલ, બ્લાઇન્ડ સ્કૂલ અને ટીવી રીલે કેન્દ્ર કાર્યરત હતું. જેના કારણે જિલ્લામાં તેનું હંમેશાં નામ રહેતું હતું. અહીં બ્લાઇન્ડ સ્કૂલ અને સિવિલ હજુ પણ કાર્યરત છે, પરંતુ ટીવી રીલે કેન્દ્ર હાલ બંધ થઇ ગયું છે. જોકે, હવે વલસાડ જિલ્લાની સિવિલ સાથે અહીં મેડિકલ કોલેજ પણ બનતાં જિલ્લામાં વલસાડની એક નવી ઓળખ ઊભી થઇ છે. ત્યારે જિલ્લામાં નનકવાડા ગામનું એક અનોખું મહત્ત્વ ઊભું થયું છે. તેમજ અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા આ ગામ વાઇબ્રન્ટ બન્યું છે. વલસાડના નનકવાડા ગામનો વિકાસ 1992ની સાલ પછી થયો. આ ગામે વિકાસની હરણફાળ એટલા હદે ભરી કે હવે ગામમાં ખાલી જગ્યા જ બચી નથી. ગામમાં સરકારી જમીનો પણ બચી નથી. થોડી ઘણી આંબાવાડીને બાદ કરતાં અહીં સિમેન્ટનાં જંગલો બની ગયાં છે. વલસાડને અડીને આવેલું આ ગામ શહેર સાથે ગામડાંની પણ અનુભૂતિ કરાવી રહ્યું છે. જોકે, હજુ પણ ગામમાં પાયાની અનેક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નનકવાડા ગામમાં ગટરની સુવિધા નથી. આડેધડ થયેલા વિકાસના કારણે વરસાદી પાણીના નિકાલની પણ વ્યાપક સમસ્યા ગામમાં જોવા મળી રહી છે. ગામની કેટલીક સોસાયટીઓ એવી છે, જ્યાં 3 ઇંચ વરસાદ આવતાં પાણી ભરાઇ જતા હોય છે. જેના માટે વર્ષોથી અહીંના સ્થાનિકો પરેશાન થઇ રહ્યા છે. નનકવાડા ગામ કોળી પટેલોનું ગામ કહેવાય છે. જોકે, સમયાંતરે અહીં તમામ જાતિના લોકો આવીને વસ્યા છે. અહીં 10 ટકા જેટલી વસતી આદિવાસીની પણ છે. હજુ પણ આ ગામમાં પશુપાલનનનો ધંધો યથાવત છે. જેને લઇ અહીં આહિરોની પણ થોડી વસતી જોવા મળે છે. શહેર સાથે અડીને આવેલા આ ગામમાં બે તળાવો છે. જોકે, આ તળાવનો વિકાસ થઇ શક્યો નથી. જેના કારણે તેનું મહત્ત્વ હાલ પૂરતું વલસાડના લોકોને લાગતું નથી. અહીંનું તળાવ વિકસાવાય તો વલસાડ શહેરના લોકોને એક મોટું પ્રવાસન સ્થળ પણ મળી શકે છે, પરંતુ આ દિશામાં હજુ સુધી કોઇ પણ રાજકારણીએ યોગ્ય દિશામાં વિચાર્યું નથી. નનકવાડા ગામમાં સમય જતાં ખેતીવાડી પૂરી થઇ ગઇ અને પશુપાલન પણ ધીમે ધીમે ખૂબ જ ઓછું થઇ ગયું છે, પરંતુ તેમ છતાં હજુ પણ અહીં નામ પૂરતી આંબાવાડી છે અને થોડો પશુપાલન વ્યવસાય પણ હજુ યથાવત છે. એ સિવાય અહીંની વસતીનો મોટો વર્ગ નોકરિયાત છે…
સમગ્ર જિલ્લાનાં અંધ બાળકોનું આશ્રય સ્થાન એટલે નેશનલ બ્લાઇન્ડ સ્કૂલ

નનકવાડ સ્થિત નેશનલ બ્લાઇન્ડ સ્કૂલ જિલ્લાની એકમાત્ર અંધજન શાળા છે. આ શાળા 39 વર્ષથી સતત અહીં કાર્યરત છે, જેમાં વલસાડ જ નહીં, સમગ્ર ગુજરાતભરમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અને ટ્રેનિંગ અર્થે આવી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ રાજ્ય બહારના પણ છે. હાલ અહીં 150થી વધુ વિદ્યાર્થીઓ 24 કલાક અહીં રહીને અભ્યાસ અને ટ્રેનિંગ લઇ રહ્યા છે. સંસ્થાના માનદ મંત્રી એવા સ્વ.રામભાઇ પટેલે આ શાળાનું પાયાથી સિંચન કર્યું છે. આ સ્કૂલનું સંચાલન હવે તેમનાં પુત્રી અમીબેન પટેલ કરી રહ્યાં છે. તેમણે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, અહીં ધો.1થી કોલેજ સુધીનું શિક્ષણ વિનામૂલ્યે આપવામાં આવી રહ્યું છે. આ સિવાય અહીં અંધ બાળકોને પગભર થવા માટે કમ્પ્યૂટર ટ્રેનિંગ, ઓફિસ ફાઇલિંગ ટ્રેનિંગ, ચેર બનાવવાની ટ્રેનિંગ વગેરે આપવામાં આવે છે. એ સિવાય બાળકોને ક્રિકેટ, ફૂટબોલ અને ચેસની રમત પણ રમાડાય છે. સંસ્થામાં ટ્રેનિંગ લઇ અનેક બ્લાઇન્ડ ક્રિકેટરો આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ રમી આવ્યા છે. સંસ્થાના બ્લાઇન્ડ ક્રિકેટરની બીસીસીઆઇ દ્વારા બ્લાઇન્ડ ટીમમાં પસંદગી થઇ હતી. જેને રૂ.5 કરોડની માતબર રાશી મળી હતી. આ સિવાય સંસ્થામાં ફૂટબોલની ટ્રેનિંગ લઇ એક યુવાનને કચ્છમાં ફૂટબોલ કોચ તરીકે નિમણૂક થઇ છે. જેને રૂ.18 હજારનું માસિક વેતન મળી રહ્યું છે. આ સંસ્થા અંધજનોને સ્વનિર્ભર નહીં, પરંતુ આર્થિક રીતે પગભર થવા પણ પૂરતો પ્રયાસ કરી રહી છે. તેમનો એક ઉદ્દેશ છે કે, અંધ વ્યક્તિ ભીખ માંગતો બંધ થાય. અનેક અંધ ભિખારીઓને તેઓ સમજાવી અહીં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ગામ હજુ પણ સીસીટીવી કેમેરાથી સજ્જ નથી

નનકવાડા ગામ વલસાડ શહેરનું પ્રવેશદ્વાર સમું છે. ગામના પ્રવેશના મુખ્ય માર્ગ પર પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા લગાવાયા છે. તેમજ ગ્રામ પંચાયત 3 રસ્તા પર પંચાયત દ્વારા સીસીટીવી કેમેરા લગાવાયા છે, પરંતુ હજુ પણ ગામની અનેક સોસાયટીઓ અને માર્ગો પર સીસીટીવી કેમેરા નથી. આ ગામ સમૃદ્ધ છે. ત્યારે અહીં સીસી ટીવી કેમેરા લગાવી શકાય એમ છે. જેના કારણે ગામોમાં થતી ચોરીઓ અને અન્ય ગુનાખોરી અટકાવી શકાય. અહીંના તળાવમાં પણ દર વર્ષે અનેક લોકો ડૂબીને પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે તળાવ કિનારે અને તળાવ પર નજર રાખતા કેમેરા પણ અહીં લગાવાય એવી તાતી જરૂરિયાત છે.
નનકવાડા ગામના સરપંચ અને સભ્યોની યાદી