Vadodara

સાવકા પિતા સાથેના મતભેદ, માતાના બદલાયેલા વર્તનથી દુઃખી યુવતી ઘર છોડવા મક્કમ બની પહોંચી ગઈ પોલીસ સ્ટેશન

181 અભયમની ટીમે કાઉન્સેલિંગ સાથે પ્રેમ, વિશ્વાસ અને સમજાવટ કરી પરિવાર ફરી એક કર્યો

વડોદરા તા 28
વડોદરામાં એક એવો સંવેદનશીલ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ઘરેલું મતભેદોના કારણે એક યુવતી ઘર છોડવાનો નિર્ણય લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી. પરિસ્થિતિ ગંભીર બનતા પોલીસે તરત જ 181 અભયમ ટીમની મદદ લીધી હતી. લાંબા કાઉન્સેલિંગ બાદ માત્ર યુવતી જ નહીં, પરંતુ માતા અને સાવકા પિતાની વિચારસરણીમાં પણ બદલાવ આવ્યો અને આખરે પરિવારનું સુખદ પુનર્મિલન થયું હતુ.

વડોદરા શહેરમાં રહેતી યુવતીએ કાઉન્સેલિંગ દરમિયાન જણાવ્યું કે તેના માતા-પિતાના છૂટાછેડા બાદ તે માતા સાથે રહેતી હતી અને જીવન સારી રીતે ચાલી રહ્યું હતું. પરંતુ માતાએ બીજા લગ્ન કર્યા પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. સાવકા પિતા સાથે તાલમેલ બેસાડવામાં મુશ્કેલી પડતી હતી. નાના-મોટા ઝઘડાઓ દરમિયાન સાવકા પિતા તેની વાત સાંભળ્યા વગર ઠપકો આપતા અને મારપીટ પણ કરતા હોવાનું યુવતીએ જણાવ્યું હતુ.
યુવતીએ પોતાની નોકરી શરૂ કરીને પોતાનો ખર્ચ ઉઠાવવાનું શરૂ કર્યું હતુ. આ દરમિયાન તેના મિત્રો બન્યા, પરંતુ પરિવારને લાગવા લાગ્યું કે તે મોબાઇલ અને મિત્રો પર વધુ ધ્યાન આપે છે. ઘરમાં સતત થતા ઝઘડાથી કંટાળીને યુવતી ઘર છોડવા તૈયાર થઈ ગઈ હતી. 181 અભયમની ટીમે સૌપ્રથમ યુવતીને બહારની દુનિયામાં રહેલા જોખમો અને નાના-મોટા ગુનાઓ અંગે સમજાવી, ત્યારબાદ માતા અને સાવકા પિતાનું પણ કાઉન્સેલિંગ કર્યું હતુ. ટીમે સમજાવ્યું કે કોઈ અજાણ્યા વ્યક્તિને પિતા તરીકે સ્વીકારવામાં સમય લાગે છે, તેથી વિશ્વાસ જીતવો જરૂરી છે. માતાને પણ દીકરીને પ્રેમ, સમય અને વિશ્વાસ આપવાની જરૂરિયાત સમજાવવામાં આવી હતી. અંતે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતુ યુવતી માતા અને સાવકા પિતા સાથે ઘરે પરત જવા રાજી થઈ, જ્યારે માતા-પિતાએ પણ તેને પ્રેમ અને સમજદારીથી રાખવાની જવાબદારી સ્વીકારી હતી. આમ 181 અભયમ અને પોલીસના સમયસરના પ્રયાસોથી એક પરિવાર તૂટતા બચી ગયો હતો.

Most Popular

To Top