Entertainment

બોલિવુડ પછી હવે ફૂટબોલમાં ટાઈગર શ્રોફની એન્ટ્રી, લોન્ચ કરી પોતાની ફૂટબોલ ટીમ, ડ્યુરાન્ડ કપમાં પોતાની ટીમ ઉતારશે

બોલિવુડમાં પોતાની ફિટનેસ અને એક્શન માટે જાણીતા અભિનેતા ટાઈગર શ્રોફ હવે રમતગમતના ક્ષેત્રમાં પણ નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. ટાઈગરે એશિયાની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત ફૂટબોલ ટૂર્નામેન્ટ ડ્યુરાન્ડ કપ માટે પોતાની ફૂટબોલ ટીમ ‘Mumbay FC’ લોન્ચ કરી છે. કોલકાતામાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે ટીમનો લોગો અને જર્સી પણ રજૂ કરી હતી. આ સાથે ટાઈગર શ્રોફ ભારતીય ફૂટબોલને પ્રોત્સાહન આપતા ફિલ્મી સ્ટાર્સની યાદીમાં સામેલ થયા છે. ટીમ લોન્ચ દરમિયાન ટાઈગર શ્રોફે જણાવ્યું હતું કે ફૂટબોલ તેમની સૌથી પ્રિય રમતોમાંથી એક છે અને Mumbay FC માત્ર એક ક્લબ નહીં પરંતુ એક મોટું સપનું છે. તેમનો મુખ્ય હેતુ મુંબઈ સહિત દેશભરમાં રહેલી યુવા ફૂટબોલ પ્રતિભાઓને શોધીને તેમને આગળ વધવાની તક આપવાનો છે. તેમણે કહ્યું કે યોગ્ય માર્ગદર્શન અને સારી સુવિધા મળે તો ભારતીય ખેલાડીઓ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી શકે છે.

ડ્યુરાન્ડ કપ માટે Mumbay FCએ મજબૂત ટીમ તૈયાર કરી છે. ટીમમાં ભારતના યુવા ખેલાડીઓ ઉપરાંત ત્રણ વિદેશી ખેલાડીઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં નાઇજીરીયાના એક અનુભવી ફોરવર્ડનો પણ સમાવેશ થાય છે. ટીમના મુખ્ય કોચ તરીકે ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલર નીલ માધવની નિમણૂક કરવામાં આવી છે. કોચ તરીકેના તેમના લાંબા અનુભવનો લાભ ટીમને મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન ટીમની હોમ અને અવે જર્સી પણ રજૂ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ટીમની જર્સી અને લોગોને સારો પ્રતિસાદ મળ્યો છે. રમતપ્રેમીઓએ પણ ટાઈગર શ્રોફની આ પહેલને આવકારી છે.

ટાઈગર શ્રોફે જણાવ્યું કે આ પહેલ માત્ર એક ટૂર્નામેન્ટ પૂરતી મર્યાદિત નહીં રહે. આગામી સમયમાં મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાં પાંચ ફૂટબોલ એકેડમી શરૂ કરવાની યોજના છે. અહીં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મફતમાં તાલીમ આપવામાં આવશે. તેમનું માનવું છે કે પાયાના સ્તરે ખેલાડીઓને યોગ્ય તક અને સુવિધા આપવામાં આવે તો ભારતમાંથી પણ વિશ્વસ્તરીય ફૂટબોલરો તૈયાર થઈ શકે છે. Mumbay FC ડ્યુરાન્ડ કપમાં પોતાની સફરની શરૂઆત 4 ઓગસ્ટ 2026ના રોજ કરશે. ટીમની પ્રથમ મેચ કોલકાતાના વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણમાં મોહન બાગાન સુપર જાયન્ટ્સ સામે રમાશે. આ મેચ પર હવે ફૂટબોલ ચાહકોની સાથે ટાઈગર શ્રોફના ચાહકોની પણ ખાસ નજર રહેશે.

Most Popular

To Top